પાનેલી ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટર, વાંકાનેર ડે.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને ધગધગતો રિપોર્ટ
મોરબીના પાનેલી ગામે પેપરમિલ માલિક દ્વારા સરકારી ખરાબાની ૨૫ વિધા જમીનમાં દબાણ ઉભું કરી બાંધકામ કરવાની સાથે ખેતીની જમીન બિનખેતી કરાવ્યા વગર જ બાંધકામ કરતા જાગૃત ગ્રામજનોની રજુઆત બાદ ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેકટર, વાંકાનેર ડે.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને ધગધગતો રિપોર્ટ કરાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાનેલી ગામ ના સીમસર્વ નંબર ૨૩૮ પૈકીની જમીન ઉપર પેપરમીલના માલીકો દ્વારા આશરે ૨૫ વિઘા જમીનમા પેશકદમી કરીને બિનઅધિકૃત બાંધકામ કરતા પાનેલીગામના લોકો રોષે ભરાયા હતા અને આ મામલે કલેકટર મોરબીને આવેદન આપી કરોડો રૂપીયાની સરકારી જમીન ઉપરથી દબાણ દુર કરવા પાનેલી ગ્રામ પંચાયત પાસે સામુહીક રીતે જોરદાર રજુઆત કરેલ હતી.
રજૂઆતને પગલે પાનેલી ગ્રામપંચાયત દ્રારા સ્થળ ઉપર જઇને તપાસ કરતા ગ્રામલોકોની રજુઆત સત્ય હોવાનું જણાયું હતું જેથી તાત્કાલીક પાનેલી ગામના ખરાબામા પેશકદમી કરનાર સીરામીક ઉધોગકાર બચુભાઈ ભુરાભાઇ અગોલાને નોટીસ આપીને ચાલુ બાંધકામ બંધ કરી કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવા તાકીદ કરી હતી તેમજ જીલ્લા વિકાસ અધિકારી મોરબીને પત્ર લખીને ઔધોગીક પરવાનગી બીનખેતી કર્યા વગર બાંધકામ કરનાર સામે જરૂરી કાર્યવાહી કરવા રિપોર્ટ કર્યો હતો.
આ ઉપરાંત નાયબ કલેકટર વાંકાનેરને પત્ર પાઠવી બિનઅધિક્રુત પેશકદમી કરનાર અને ખેતીની જમીનમાં બીનખેતી કર્યા વગર ઔધોગીક બાંધકામ કરનાર સામે શરતભંગ નો કેસ દાખલ કરવા માંગણી કરેલ હતી.