જર્જરિત કોર્ટ બિલ્ડીંગને મરામત કરવા માર્ગમકાન વિભાગે નનૈયો ભણતા વિવાદના એંધાણ
પંચાયતના જર્જરિત મકાનમાં બેસતી કોર્ટમાં વરસાદને કારણે રેકર્ડ પલળી ગયું
ટંકારા : ટંકારા ન્યાય મંદીર સાથે અન્યાય થતા આશ્ચર્ય સર્જાવાની સાથે વિવાદના એંધાણો મળી રહ્યા છે, કોર્ટના જર્જરિત બાંધકામને રીપેરીંગ કરવાને બદલે માર્ગ અને મકાન વિભાગે ૯ માસ પંચાયત ૫ લાખ આપે તો કામ થાય તેવો જવાબ આપતા ન્યાયતંત્ર આકરા પાણીએ મેદાને આવ્યું છે અને માર્ગમકાન વિભાગને પત્ર પાઠવી ૬ મુદા અંગે જવાબ માગ્યો છે આ મામલે બાર એશોએશિયન પણ મેદાનમાં આવ્યું છે અને કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારામાં ભાડેના મકાનમાં ચાલતી કોર્ટના બિલ્ડીંગને રીપેરીંગ કરવા બાબતે હવે ન્યાયતંત્ર ને અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે. વાત જાણે એમ છે કે ટંકારા ગ્રામ પંચાયત હસ્તકના દેરીનાકા રોડ પર જુના બાલમંદિરમા બેસતી કોર્ટનુ મકાન જર્જરિત હાલતમાં મુકાતા તેને રીપેરીંગ કરવા માટે માર્ગ અને મકાન વિભાગ ને ૧૩/૧૧/૧૭ ના રોજ લેખિત રજુઆત થઈ હતી પરંતુ આ દરખાસ્તને ધ્યાને લેવાને બદલે કચરાટોપલીમાં નાખી દીધી હોય તેમ ૯ મહીના નો સમય વીતી જવા છતાં કોઈ પ્રત્યુતર ન મળતા ચાલુ સિઝનમાં વરસાદના કારણે છત માથી પાણી ટપકવાથી થવાથી ઈલેક્ટ્રીક ઉપકરણો બળી જવા અને જરૂરી કાગળો પલળી જવાથી નુકસાન થયું હોય આ બાબતે ફરી તંત્રનું ધ્યાન દોરતા માર્ગ અને મકાન વિભાગ ગળે ન ઊતરે તેવો જવાબ આપ્યો હતો.
માર્ગ મકાને ન્યાય તંત્રને જણાવ્યું હતું કે આ કચેરી અમારા કાર્યક્ષેત્ર હેઠળ આવતી ન હોય અમે આ રીપેરીંગ કરી શકી નહીં પરંતુ જો પંચાયત અત્રેની કચેરીને પાંચ લાખ આપે તો આ કામ થઈ શકે તેવો ઉડાવ જવાબ આપ્યો હતો ત્યારે રૂ.૨૫૦૦ નુ ભાડુ વસૂલતી પંચાયત પાંચ લાખ ક્યાંથી આપે ?
વારંવાર રજૂઆત કરવાથી આવા જવાબની આશા ન હોય તેમ સિવિલ કોર્ટ સહિત બાર એસોશીએશન પણ લાલધુમ થઈ ગયું છે અને કાયદાના તજજ્ઞ સાથે રીતસરની મજાક થઈ હોય તેમ હવે કાયદેસર રીતે આ અંગે કાગળો મેળવવા કોર્ટ દ્વારા છ મુદ્દાઓ ટાંકી સણસણ તો સવાલનો મારો ચલાવવામાં આવ્યો છે.
કોર્ટ દ્વારા લખેલા કાગળ મા પુછ્યું છે કે પંચાયત હસ્તકની જગ્યામાં ચાલતી કોર્ટ કાર્યરત થઇ ત્યારે તમે કઈ ગ્રાન્ટમાંથી આ મકાનનું મરામતનું કામ કરાવ્યું હતું, વળી જે તે સમયે ખરાબ થયેલ પંખા અને ઇલેક્ટ્રિક સાધનો કઈ ગ્રાન્ટમાંથી રીપેર કરાયા હતા ? થોડા દિવસ પહેલા જર્જરિત થયેલ પીઓપી ની છત હટાવવાની કામગીરી નું કામ પણ કઈ ગ્રાન્ટ માંથી ઉધારાયુ હતુ ? કોર્ટ માં નાઝિર ઓફિસ પર પાણી ન ઉતરે તે માટે નાખેલ કેમીકલ અને નળીયા પર ઢાકેલ તાલપત્રી નો ખર્ચ શેમા ઉમેરાયો છે ? જયારે નવ માસ પહેલા કરેલી રજૂઆત નો જવાબ અત્યાર સુધી ક્યા કારણે વિલંબ રાખી આપવામાં ન આવ્યો ? જેવા સણસણતા સવાલો કરવામાં આવ્યા છે, આ સંજોગોમાં હવે માર્ગ અને મકાન વિભાગ આ પત્રનો જવાબ શુ આપે છે ત્યારબાદ જ ચિત્ર સ્પષ્ટ થશે
ઉલ્લેખનીય છે કે કાયદાના તજજ્ઞોની ઝપટે ચડેલા તંત્રની આંખ ઉઘાડવા ટંકારા બાર એસો.ના હોદ્દેદારો એક થયા છે અને મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક જર્જરિત મકાન બાબતે યોગ્ય કરવા રજૂઆત કરી છે જેમાં ચાલુ વરસાદે છતમાંથી પડતા પાણીથી કોર્ટના કેશ કાગળો અને ઈલેક્ટ્રીક ઉપકરણોને નુકશાન થતું હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.