- ખાનગી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવાની સત્તા શાળા સંચાલકો પાસેથી લઈ લેવામાં આવી છે
- મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ડો.પ્રિયવદન કોરાટની લેખિતમાં રજુઆત
ખાનગી સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવાની સતા જે-તે સંચાલક મંડળની હતી પરંતુ છેલ્લે ૨૦૦૯થી શાળા સંચાલકો પાસેથી આ ભરતી કરવાની સતા પાછી ખેંચી લેવામાં આવી છે ત્યારબાદ કોઈ કારણોસર સુચારુ ભરતી ન થતી હોવાથી બિનલઘુમતી શાળાઓને લઘુમતી શાળાઓ જેવા લાભ મળે તેવી માંગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે કરી છે. આ માટે તેઓએ રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ પાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિતમાં રજુઆત પણ કરી છે.
ડો.પ્રિયવદન કોરાટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા લાંબા સમયથી બિનલઘુમતી શાળાઓમાં બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવાની સતા સંચાલક મંડળ પાસેથી પાછી ખેંચી લેવામાં આવી છે અને મધ્યસ્થ ભરતી સમિતિ રચી તેઓને સતા આપવામાં આવી છે. મધ્યસ્થ ભરતી સમિતિ દ્વારા કોઈપણ સંવર્ગના કર્મચારીની ભરતી માટે જાહેરાત પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારો કોઈને કોઈ કારણોસર કોર્ટના શરણે જતા ભરતી પ્રક્રિયા ખોરંભાઈ જાય છે અને ગ્રાન્ટેડ શાળાઓમાં કર્મચારીની ભરતી થતી નથી. હાલની સ્થિતિ મુજબ રાજયની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ વિભાગમાં કર્મચારીઓની ઘટ છે. હાલમાં જે કર્મચારી કાર્યરત છે તેઓને પણ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા સોંપવામાં આવતી અલગ-અલગ કામગીરી માટે રોકાયેલા છે. આથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડે છે.
શાળાઓમાં જાહેર પરીક્ષાઓનું પરીણામ ઉતરોતર નીચું જતું જાય છે. આવા સંજોગોમાં શાળા સંચાલક મંડળને ગ્રાન્ટેડ શાળાનું સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે. જેથી હાલના શાળા મંડળ દ્વારા ચલાવવામાં આવતી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ લઘુમતી ટ્રસ્ટને સોંપવામાં આવે તો ૧૦૦ ટકા ભરતી કરી શકાય અને શાળાને પુરતા કર્મચારી મળી રહે.
ઉલ્લેખનીય છે કે બિનલઘુમતી શાળાને લઘુમતીમાં ફેરવવા કાનુની રીતે શકય નથી જેથી બિન લઘુમતી શાળાને લઘુમતી શાળા જેવા લાભ આપવામાં આવે તેવી માંગ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે કરી છે.