પોલીસ સ્ટાફ કેટલો સતર્ક છે તપાસવા લૂંટની મોકડ્રીલ: પોલીસે નાકાબંધી અને સીસીટીવી ફુટેજની મદદથી બે શખ્સોને ઝડપી લીધા
શહેરમાં પોલીસ કમિશનર તરીકેનો મનોજ અગ્રવાલે ચાર્જ સંભાળ્યા બાદ પોલીસ સ્ટાફની સતર્કતા તપાસવા સવારે લૂંટની ઘટના અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી. પોલીસ સ્ટાફે સીસીટીવી ફુટેજ અને નાકાબંધી કરી બે શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કૂલ પાસેથી દિપેન મનસુખભાઇ થાનકી નામના સોની યુવાને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આંખમાં મરચુ છાંટી બે શખ્સોએ રૂ.૨ લાખની રોકડ રકમની લૂંટ થયાની જાણ કરી હતી.
પોલીસ કંટ્રોલ ઇન્ચાર્જ જે.કે.જાડેજા અને મદદનીશ બીપીનભાઇ પટેલ સહિતના સ્ટાફે લૂંટની ઘટના અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયા સહિતના સ્ટાફે તાકીદે નાકાબંધી કરાવી હતી.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. દવે સહિતનો સ્ટાફ એસએનકે સ્કૂલ નજીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને દિપેન થાનકીને મળી લૂંટારાઓનું વર્ણન મેળવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચો સ્ટાફ સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારાનું પગે દબાવવાની કાર્યવાહી શરૂ કરી હતી.
દિપેન થાનકીએ જણાવેલા વર્ણનવાળા શખ્સને કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથક નજીકથી પી.આઇ. દવે સહિતના સ્ટાફે ઝડપી પૂછપરછ કરતા પોતાનું નામ સંદિ જગદીશ ત્રિવેદી બતાવ્યું હતું જ્યારે લૂંટની ઘટનામાં સંડોવાયેલા બીજો શખ્સ શૈલેષકુમારને ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. બી.ટી.ગોહિલ અને સોનારાએ સ્ટલીંગ હોસ્પિટલ પાસેથી ઝડપી લીધો હતો.લૂંટના ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા તે દરમિયાન પોલીસ સ્ટાફ કંઇ રીતે કામગીરી કરી રહ્યો છે તે અંગેનું નિરિક્ષણ આઇ-વે પ્રોજેકટની મદદથી કંટ્રોલ રૂમમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યુ હતું.
અને બંને શખ્સો ઝડપાયાની કામગીરી પોલીસ સ્ટાફ દ્વારા પુરી કરાયા બાદ પોલીસ કમિશનર અગ્રવાલે મોકડ્રીલ હોવાનું જાહેર કરતા પોલીસ સ્ટાફે હાશકારો અનુભવ્યો હતો. સવારમાં જ અચાનક લૂંટની ઘટનાનું મોકડ્રીલ કરવામાં આવતા પોલીસ સ્ટાફમાં દોડધામ થઇ ગઇ હતી. પણ મોકડ્રીલમાં પોલીસ સ્ટાફ સતર્કતા સાથે પાસ થયા હતા.