ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ તેમજ સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકોને અસર થશે
ટ્રાન્સપોર્ટરો દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસો ગુજરાત દ્વારા સમર્થન આપવામાં આવતા આજથી મોરબીના ૩ હજારથી વધુ ટ્રકોના પૈડાં થંભી ગયા છે. જ્યાં સુધી ટ્રાન્સપોર્ટસના જીએસટી,ટોલ ટેક્સ, ડિઝલના ભાવ અને ઈન્સ્યોરન્સ સહિતના પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દ્વારા ડીઝલના ભાવોનો વધારો, ટોલ ટેક્સ ફ્રી ભારત, ઈન્સ્યોરન્સ તેમજ ટીડીએસ અને જીએસટી મુદે અનેક વાર સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. તેં છતાં કોઇ પરિણામ ન આવતા ટ્રાન્સપોર્ટ એસો દ્વારા દેશવ્યાપી હડતાલ શરૂ કરવામાં આવી છે. આજથી શરૂ થયેલી આ હડતાલમાં મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો પણ જોડાયું છે.
હડતાલને પગલે આજથી મોરબીના ૩૦૦૦ ટ્રકોના પૈડા થંભી ગયા છે.
૭૦૦ ટ્રાન્સપોર્ટર હડતાલમાં જોડાયા છે. જેથી આ વ્યવસાય સાથે જોડાયેલા ૧૦,૦૦૦ લોકોની રોજીરોટી પર અસર પડશે તો વળી સિરામિક ઉદ્યોગના માલની હેરફેર અટકી જવાથી સિરામિક ઉદ્યોગને અસર થશે તેમજ જો હડતાલ લાંબી ચાલી તો સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકો પ્રભાવિત થશે.