રાજકોટ જિલ્લામાં જુદી જુદી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્લોટ ન મળતા મામલો પહોંચ્યો હતો હાઈકોર્ટમાં
રાજકોટ શહેર જિલ્લાની જુદી જુદી સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને રહેણાંક હેતુ માટેના પ્લોટ ફાળવણીના ડ્રોમાં ૯૨ જેટલા કર્મચારીઓને પ્લોટ ન મળતા આ મામલે હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. જેની આજે આખરી સુનાવણી હાથ ધરવામાં આવનાર હોય કલેકટર કચેરીના પ્રતિનિધિ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજય સરકારની નીતિ અંતર્ગત રાજકોટ શહેર જિલ્લામાં વસવાટ કરતા સરકારી કર્મચારીઓને રાહતભાવે રહેણાંક હેતુ માટેના પ્લોટ ફાળવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટાભાગના કર્મચારીઓને અલગ અલગ જગ્યાએ સરકારી જમીનમાંથી પ્લોટોની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકી ૯૨ જેટલા કર્મચારીઓને રહેણાંક હેતુ માટેની જમીન ન મળતા આ મામલે કાનૂની લડત શરૂ થઈ હતી. વધુમાં સરકારી કર્મચારી દ્વારા રહેણાંક હેતુના પ્લોટ મેળવવા હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં આવતા લાંબા સમયી કાનૂની જંગ ચાલી રહ્યો છે જેમાં આજે હાઈકોર્ટ દ્વારા સરકારી કર્મચારીઓને પ્લોટ ફાળવણીને લઈ આખરી ફેંસલો આપવામાં આવનાર હોય કલેકટર કચેરીના લગત શાખાના કર્મચારીઓ હાઈકોર્ટ પહોંચ્યા છે.
હાઈકોર્ટ દ્વારા કર્મચારીઓને રહેણાંક હેતુ માટેની જમીન ફાળવણી કરવા સંદર્ભે આજે ચુકાદો આપનાર હોય કર્મચારીઓમાં ભારે ઉત્કંઠા જાગી છે. સંભવત: બપોરબાદ આ પ્રકરણમાં ફેંસલો આવે તેમ હોવાના સંકેતો મળી રહ્યાં છે.