ખેલકુદને જીવનનો હિસ્સો બનાવી સક્ષમ સમાજનું નિર્માણ કરવા યુવાનોને રાજુભાઇ ધ્રુવનું આહવાન
રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટિક સ્પર્ધામાં પસંદગી પામેલા રમતવીર દેવયાનીબા ઝાલાને પ્રોત્સાહન રુપે સ્પોટસ કીટ અર્પણ કરાઇ
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રમત-ગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકાઈ છે. યુવાનો ખેલકૂદ માટે પ્રેરાય તે માટે અઢળક પ્રોત્સાહનો આપવામાં આવે છે. રમતવીરો સ્થાનિકથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાની એશિયાડ, ઓલમ્પિક સહિતની સ્પર્ધાઓમાં હિસ્સો લઇ સુવર્ણચંદ્રકો જીતી લાવે અને દેશનું નામ ઉજ્જવળ કરે તેવો સરકારનો અભિગમ છે. આના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ રેસકોર્સ ખાતે એથ્લેટિક સહિતની જુદી જુદી રમતો માટે અદ્યતન સુવિધાયુક્ત પ્લે-ગ્રાઉન્ડ બનાવ્યા છે અને અનેક સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ પણ ખેલ-કૂદને પ્રોત્સાહન આપી રહી છે તેનો મહત્તમ લાભ ઉઠાવી મજબૂત સમાજ અને સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરવા ભાજપ અગ્રણી અને પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે યુવાવર્ગને હાકલ કરી છે.
રાજકોટ શહેરમાં શુભ અવસરે સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ એન્ડ સોશિયલ ક્લબ સ્થાપવામાં આવી છે. એથ્લેટિકસ સહિતની વિવિધ આઉટડોર રમતો રમવા અને તેની ઉત્તમ તાલીમ લેવા યુવાપેઢીને પ્રોત્સાહિત કરવાનો સંસ્થાનો હેતુ છે. આ પ્રસંગે, સંસ્થાના અગ્રણી રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું કે, આપણી યુવાપેઢી એથ્લેટિક સહિતની રમતો તરફ વળે, શારીરિક રીતે ખડતલ તથા મજબૂત બને અને ભવિષ્યમાં દેશ, સમાજની સેવાના ઉત્તમ કાર્યોમાં જોડાય એવા નાગરિકોનું નિર્માણ કરવાનો અમારી સંસ્થાનો ઉદ્દેશ છે. આ માટે ખેલાડીઓ ને રમતપ્રેમીઓ ના સહયોગથી આકર્ષક ઈનામો, પુરસ્કારો આપીને, સન્માનિત કરીને પ્રોત્સાહન અપાશે.
સંસ્થાના ઉદ્દેશોના ભાગરૂપે તાજેતરમાં શહેરના રેસકોર્ષ એથ્લેટિક ગ્રાઉંડ ખાતે એક નાનકડો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં, વડોદરા ખાતે આગામી સમયમાં યોજાનારી એથ્લેટિકની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલાં રાજકોટનાં ધો. ૧૦નાં વિદ્યાર્થીની કુ. દેવયાનીબા ઝાલાને રમતપ્રેમી પી. ડી. અગ્રવાલ તથા રાજુભાઇ ધ્રુવના હસ્તે ટી-શર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ સહિત સ્પોર્ટ્સ-કીટ એનાયત કરવામાં આવી હતી. કુ. દેવયાનીબા ઝાલા કલ્યાણ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેમના પિતા મહેન્દ્રસિંહ ઝાલા સ્પોર્ટસમાં ઊંડો રસ ધરાવે છે, તેઓ પુત્રીને ખેલ-કૂદ માટે સતત પ્રોત્સાહિત કરતા રહે છે.
રાજુભાઇ ધ્રુવે વિશેષમાં જણાવ્યું હતું કે, જેઓ સારા ખેલાડી છે, ઉત્તમ સ્પોર્ટ્સ-સ્કીલ્સ ધરાવે છે તેઓને વધુ પ્રોત્સાહિત કરાશે. સ્પોર્ટ્સના સાધનોના અભાવે કોઈપણ રમતવીરની પ્રગતિ રૂંધવા દેવામાં આવશે નહીં. આ પ્રસંગે રેલવેના કર્મચારી લોકેશકુમાર ફોજદારે જણાવ્યું હતું કે, દર મહિનાના છેલ્લા રવિવારે રેસકોર્ષ એથ્લેટિક ગ્રાઉંડ ખાતે એથ્લેટીકસની સ્પર્ધાત્મક રમતોમાં વિજેતા થનાર ખેલાડી ભાઈ-બહેનોને રામતપ્રેમીઓ તરફથી પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરાશે.
આ પ્રસંગે, સંસ્થાના સંસ્થાના સભ્યો, સહયોગીઓ તેમજ પ્રતિષ્ઠિત નાગરિકો સર્વ પી ડી અગરવાલજી,સત્યવતીબેન અગરવાલ,ડો.સુધીરભાઈ ભીમાણી,રમેશભાઈ જુણેજા,મયુરભાઈ શાહ, મહેન્દ્રસિંહ ઝાલા,કોચ ભાવિકભાઈ અગરાવત,પુષ્કરભાઈ રાવલ, કોચ રાજીવભાઈ, અરવિંદભાઈ જોષી,અશોકકપુર, તેજસ ગોરસિયા, જતિન માધાણી, હિરેન માધાણી, સોનારા સાગર, જતિનભાઈ ગગલાણી, તરંગ, કુલદીપ જોબનપુત્રા, હાંડા વિશાલ વિગેરે સહિત સંખ્યાબંધ લોકો ઉપસ્થિત રહ્યા હતા.