નોકરી મળી ગઇ હોવાનું કહી ફોન પર પૈસા માંગ્યા , બંનેએ બેંક એકાઉન્ટમાં પૈસા ભર્યા બાદ નોકરી પણ ન મળી અને પૈસા પણ રીફન્ડ ન મળ્યા
મોરબી : મોરબીની યુવતીને નોકરી મળી ગઈ હોવાનું કહી ફોન પર પૈસા માંગવામાં આવ્યા હતા. ત્યારે નોકરી ઈચ્છુકએ પૈસા પણ ભરી દીધા હતા. તેમ છતાં નોકરી ન મળતા આ નોકરીની ઓફર નહીં પરંતુ ફ્રોડનું કારસ્તાન હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટનાને ધ્યાને લઈને નોકરી ઈચ્છુકોએ ખાસ સજાગ રહેવાની જરૂર જણાય રહી છે.
મોરબીની ક્રિષ્ના ગોહેલને ૧ જુલાઈના રોજ નેશનલ કેરિયરમાંથી મનીષા શર્માનો ફોન આવ્યો હતો. ફોન પર કહેવામાં આવ્યું હતું કે તમને રાજકોટની એક્ષીસ બેંકમાં નોકરી મળી ગઈ છે. તમારે રેફરન્સ આઈડી બનાવવાં માટે ૨૫૦૦ રૂપિયા જમા કરાવવા પડશે. ત્યારબાદ ક્રિષ્ના ગોહેલે ૨૫૦૦ રૂપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ કંપની દ્વારા ફોન અને એસએમએસ અને ઇમેઇલ દ્વારા તમારી નોકરી કન્ફર્મ છે
પરંતુ અન્ય પ્રોસેસ બાકી હોવાનું જણાવી ફરીથી વધારાના પૈસા ભરવાનું જણાવતા ક્રિષ્ના ગોહિલને શંકા જતા તેમેણે પ્રથમ નોકરીનો કોલ લેટર માંગ્યો હતો. અને જે એ ના મળે તો અગાવ ભરેલા પૈસા પરત માંગ્યા હતા. જેથી બાદમાં કંપની દ્વારા કોઈ સરખો પ્રત્યુતર ન મળતા માલુમ પડ્યું કે આ ફ્રોડ છે.
જ્યારે આવા જ બીજા કિસ્સામાં થોડા મહિના પેહલા વાંકાનેરના એક યુવાને તવશક્ષય.ભજ્ઞળ વેબસાઈટ પર જોબ માટે રજીસ્ટ્રેશન કર્યું હતું. જેમાંથી તેને એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ જોબની ઓફર ઇમેઇલ મારફત મળી હતી. ત્યારે આ જોબ માટે પ્રથમ ૨૦૦૦ રૂ. માંગવામાં આવ્યા હતા. જે યુવાને જમા કરાવી દિધા હતા. ફરી બીજી વખત રૂ. ૬૦૦૦ જમા કરવાનું કહેવામાં આવ્યું હતું. તે પણ જમા કરાવી આપ્યા હતા.
ત્યારબાદ ફરી ત્રીજી વખત રૂ. ૧૨,૫૦૦ની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આ પૈસા ભરવા સક્ષમ ન હોવાનું યુવાને જણાવતા સામે પક્ષેથી જેટલા પૈસા હોય તેટલા ભરી આપવાનું કહેવામાં આવ્યું હતું .બાદમાં ફરી યુવાને રૂ. ૨૫૦૦ જમા કરાવ્યા હતા. પરંતુ તેમ છતાં પૈસા ભર્યા બાદ પણ યુવાનને જોબ પણ ન મળી અને પૈસા પણ રીફન્ડ મળ્યા નથી.
આ રીતે તાજેતરમાં ઓનલાઇન કંપનીઓ દ્વારા નોકરીની લાલચ આપી નોકરી ઈચ્છુકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આ પ્રકારની અનેક ફરિયાદો દેશભરના સાયબર ક્રાઇમ વિભાગમાં નોંધાઇ છે. જેમાં સઘન તપાસ બાદ પણ આરોપીઓની ઓળખ થઈ શકતી નથી. ત્યારે નોકરી ઇચ્છુકોએ આ ઘટનાને ધ્યાને લઈને સજાગ રહેવાની તાતી જરૂરિયાત છે.