અપના હાથ જગ્ગનાથ !!!
સરકારને લપડાક રૂપે પાજ ગામની લોક સમિતિએ સ્વ ખર્ચે આધુનિક ટેકનોલોજીથી મજબૂત પુલનું નિર્માણ કરી બતાવ્યું
વાંકાનેર તાલુકાના નાના એવા પાજ ગામના લોકોએ સમગ્ર દેશમાં પ્રથમ કહી શકાય તેવો વિશાળ પુલ સ્વ ખર્ચે નિર્માણ કરી સરકારી બાબુઓના ગાલ પર તમાચો મારી અપના હાથ જગ્ગનાથ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે, આ આધુનિક પુલ વિશાળ પુલનું આગામી તા. ૨૪ ના રોજ જિલ્લા કલેકટર માકડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પાજ ગામે આવન જાવન માટે વિશાળ મચ્છુ નદી અવરોધ રૂપ બનતી હોય છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો કાયમી મુશ્કેલી અનુભવતા હોય પુલ બનાવવા માંગ કરી રહ્યા હતા પરંતુ ગ્રામજનોની માંગ ફાઇલમાં અટવાઈ જતા મચ્છુ નદી પર ગ્રામજનોએ સ્વ ખર્ચે અને સ્વ મહેનતે બ્રિજનું નિર્માણ કરવા નક્કી કરી સરકાર માટે પડકાર સર્જી અત્યંત મજબૂત અને આધુનિક પુલ સાકાર બનાવ્યો છે. આ બ્રિજનું લોકાર્પણ આગામી તા. ૨૪ને મંગળવારના રોજ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવશે.
વાંકાનેરના પાજ ગામે ગ્રામજનોએ સ્વ. ખર્ચે બનાવેલ દેશના ઐતિહાસિક બ્રિજનું કામ પુર્ણ થઇ ગયેલ છે આ બ્રિજ નિર્માણમાં સમાજના દાતાઓ તથા વેપારી ભાઈઓનો સહકાર મળ્યો હતો. ગ્રામજનોએ પાજ ગ્રામ લોક સમિતિની રચના કરી આ બ્રિજનું નિર્માણ કર્યું છે.
બ્રિજના નિર્માણ કાર્ય માટે પાજ ગ્રામ લોક સમિતિના બાદી સતારભાઈ (સમાજ સેવક), શેરસિયા ઈસ્માઈલભાઈ (એન્જીનિયર), બાદી અમીયલભાઈ (એન્જીનિયર), સિપાઈ ગુલાબભાઇ (અઋઙછઘ), માથકિયા જાકીરભાઈ (ગ્લોસી કોટેક્ષ), માથકિયા રીયાજભાઈ (કિસ્મત ટ્રેડર્સ), સિપાઈ અબ્દુલભાઈ (મિસ્ત્રી), સિપાઈ ઇકબાલ (જનતા એન્જી.),સિપાઈ નજરૂદિન (સુપ્રીમો રીવા.),સિપાઈ ઈસ્માઈલ અમી, સિપાઈ ઇલ્મુદિન ઇબ્રાહિમ, સિપાઈ યુસુફ ઉસ્માન, સિપાઈ મંજુર અબ્દુલ, સિપાઈ ઇરફાન આહમદ, શેરસિયા અલાવાદી હસન અને શેરસિયા અલાવદી હાજી સહિતનાએ જહેમત ઉઠાવી છે.
બ્રિજના લોકાર્પણ સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, મામલતદાર વીસી ચાવડા, ટીડીઓ એસ.એ. ચાવડા સહિતના હાજરી આપશે.