વર્ષ ૨૦૧૬માં ૨.૬ બીલીયન મેટ્રીક ટન અનાજ ઉત્પાદનનો રેકોર્ડ: ભારતમાં ઘંઉ અને ચોખાના ઉત્પાદનમાં વૃદ્ધિ

ભારત સહિતના દુનિયાના તમામ દેશોમાં અનાજનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. વિશ્ર્વ આખાના અનાજના ભંડારો છલકાયા છે. ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનિઝેશન (એફએઓ)ના અંદાજિત આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૬-૧૭ના અંતે અનાજનું ૨.૬ બીલીયન મેટ્રીક ટન ઉત્પાદન નોંધાયું હતું. જે અત્યાર સુધીનું સૌથી વધારે ઉત્પાદન છે. વર્ષ ૨૦૧૬-૨૦૧૭નું વર્ષ વિશ્ર્વ આખામાં અનાજના છલોછલ ભંડારોની સાથે પુરુ થયું છે. કુલ અનાજ ભંડાર લગભગ ૬૮૨ મીલીયન ટન છે.

અનાજના ઉત્પાદનમાં ભારતે પણ પ્રમુખ ભાગ ભજવ્યો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં અનાજનું ૨૪૬ મીલીયન ટન ઉત્પાદન થયું હતું. જયારે વર્ષ ૨૦૧૬-૧૭માં વધીને ૨૫૦ મીલીયન ટન ઉત્પાદન નોંધાયું છે. વિશ્ર્વ આખુ અનાજના અઢળક સ્ટોકથી ખુશી મનાવી રહ્યું છે. જયારે આફ્રિકા અને યમન દેશોમાં દુકાળને કારણે ૨૦ મીલીયનથી વધુ લોકો ભુખમરાથી પીડાય રહ્યા છે.

વર્લ્ડ ફુડ પ્રોગ્રામના અહેવાલ મુજબ, વિશ્ર્વભરમાં લગભગ ૭૯૫ મીલીયન લોકો દરરોજ ભુખ્યા જ સુઈ જાય છે. જેમાં ૧૫ ટકા (૨૦ મીલીયન) ભારતીયોને સમાવેશ છે. વૈશ્ર્વિક ઉત્પાદનમાં ઉતર અમેરિકાએ ઘઉં ઉત્પાદનમાં વૃદ્ધિ હાંસલ કરી છે. ઉતર અમેરિકાની સાથે રશિયા અને ભારતે પણ ઘઉં ઉત્પાદનમાં વૃદ્ધિ કરી છે. દર વર્ષે લગભગ ૧૦ મીલીયન ટન કરતા વધુ ઘઉં ઉત્પાદન કરે છે. જયારે ખરાબ મોસમને કારણે યુરોપીયન સંઘના ઉત્પાદનમાં ૧૬.૫ મીલીયન ટનનો ઘટાડો થયો છે.

ભારત અને ચીનમાં ચોખાનું ઉત્પાદન વધ્યું છે. ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનિઝેશન (એફએઓ) વર્ષ ૨૦૧૭ માટે આગાહી કરી રહ્યું છે કે આ વર્ષે વિશ્ર્વમાં અનાજ ઉત્પાદનમાં થોડા ઘણા અંશે ઘટાડો થશે જેનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકામાં ખેડૂતોને તેમના પાકોની ઓછી કિંમત મળતા ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાનું છે. જયારે ચોખાનું ઉત્પાદન સતત વધતું રહેશે તેવા અનુમાનો લગાવાયા છે. હાલ, અનાજ ભંડારો છલોછલ હોવાથી વૈશ્ર્વિક સ્તરે ભાવો પણ ઘટયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.