મુખ્યમંત્રી સાથે ઇઝરાયેલ પ્રવાસમાં જોડાયા બાદ તેમના હોમ ટાઉનમાં કામની તક મળતા ઉત્તમ પ્રકારની કામગીરી કરવાની નવનિયુકત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો કોલ: વૃધ્ધ, મહિલા અને બાળકોની સુરક્ષા અંગે વિશેષ ધ્યાન અપાશે: ટ્રાફિક વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવાશે: પોલીસફોર્સનું મોરલ ઉંચુ લવાશે
કાયદો અને વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરી વૃધ્ધો, મહિલા અને બાળકોની સુરક્ષા બાબતે વધુ તકેદારી રાખવા રાજકોટ શહેરના ૨૬માં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા મનોજ અગ્રવાલે જણાવ્યુ છે.
શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતની વડોદરા શહેરમાં પોલીસ કમિશનર તરીકે બદલી થતા તેમની જગ્યાએ ગૃહ વિભાગના અગ્રસચિવ મનોજ અગ્રવાલની નિમણુંક આપવામાં આવતા તેઓએ આજે સવારે રાજકોટ શહેરના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.
નવનિયુકત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ મુળ ઉત્તર પ્રદેશના ગાજીયાબાદના વતની છે અને કાનપુર ખાતે આઇઆઇટી અને ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હોવાથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.
આઇ-વે પ્રોઝેકટના માધ્યમથી સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા છે અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ કાર્યરત કરવામાં આવ્યું હોવાથી ટેકનિકલ ગુનાનો કંઇ રીતે ભેદ ઉકેલવો અને કંઇ રીતે ગુના બનતા અટકાવવા તે અંગે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તેમજ વૃધ્ધો, મહિલાઓ અને બાળકોની સુરક્ષાને વિશેષ મહત્વ આપવામાં આવશે તેમ કહ્યું હતું.
તાજેતરમાં જ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ઇઝરાયલ પ્રવાસે ગ્યા હતા ત્યારે ઇઝરાયલના પોલીસના કંટ્રોલ રૂમનો અભ્યાસ કરવાનો પોતાને મોકો મળ્યો હતો. અને સરકારના ચાર મુદા પારદર્શકતા, વિકાસ, શિસ્ત અને સંવેદનાને ધ્યાને રાખીને રાજકોટમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવા અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
શહેરની ટ્રાફિક સમસ્યા અંગે જણાવતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતું કે અત્યાર સુધી ટ્રાફિક નિયમન અંગે ૪૦ થી ૫૦ કરોડ બજેટમાં ફાળવવામાં આવતા હતા તેમાં સરકાર દ્વારા વધારો કરી રૂ.૨૦૦ કરોડ ટ્રાફિક નિયમન માટે સરકારે બજેટમાં ફાળવ્યા છે. ટ્રાફિક નિયમન માટે નવા સાધનો લેવામાં આવશે તેમજ પાર્કીગ અંગે પણ કોર્પોરેશન સાથે મળી સારી વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ કહ્યું હતું.
અરજદારોને પુરો ન્યાય મળે તે માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરી તેઓની અરજીની તપાસ કયાં સ્ટેજે છે તે અંગેની અરજદારને માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને દારૂબંધીનો કડક રીતે અમલ કરાવવા પર ભાર મુક્યો હતો તેમજ પોલીસફોર્સનું મોરલ ઉચું આવે તેની પણ તકેદારી રાખવામાં આવશે તેમજ પોલીસ કમિશનર અનોજ અગ્રવાલે જણાવ્યું હતું.