પાંચ માસ પૂર્વે યોજાયેલી મેરેથોન માટે વધારાનો રૂ.૯૯ લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત પેન્ડિંગ રાખતી સ્ટેન્ડિંગ: ઓડિટ શાખાને તપાસ સોંપતા ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી પાંચ માસ પૂર્વે યોજાયેલી મેરેથોનમાં પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા છે. મેરેથોન યોજાયાના મહિનાઓ બાદ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રૂ.૯૯ લાખનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેમાં સેફટી પીનનો ખર્ચ પ્રથમ નજરે જ ગળે ન ઉતરે તેવો રૂ.૨.૬૫ લાખ જેવો તોતીંગ અને શંકાસ્પદ જણાતા ખર્ચ મંજુરીની દરખાસ્ત સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડે પેન્ડીંગ રાખી દીધી છે અને ઓડિટ શાખાને આ અંગે તપાસ સોંપી છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી મેરેથોનમાં ચુકવવામાં આવેલા ખર્ચ તથા ચુકવવાના બાકી ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. જેમાં સેફટી પીનની ખરીદીનો ખર્ચ રૂ.૨,૬૫,૫૦૦ અને કિશાનપરા ચોક, રેસકોર્સ, એથ્લેટીક મેદાન, ઈન્ડોર સ્ટેડિયમ ક્રિકેટ મેદાન સહિતના સ્થળોએ ઉભા કરવામાં આવેલા મંડપનો ખર્ચ રૂ.૪૩ લાખ દર્શાવવામાં આવ્યો છે. આવડો મોટો તોતીંગ ખર્ચ પ્રથમ નજરે જ ગળે ઉતરે તેમ નથી. આ ઉપરાંત મેરેથોનના પાંચ મહિના બાદ ખર્ચ મંજુરીની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજુરી અર્થે રજુ કરવામાં આવી હોય ખર્ચ શંકાસ્પદ જણાતા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડે દરખાસ્ત પેન્ડીંગ રાખી દીધી છે અને ચીફ ઓડીટર મારફત મેરેથોનમાં થયેલો ખર્ચની તપાસનો આદેશ આપ્યો છે.
ટાયર-ટયુબની ખરીદીમાં પાંચ વર્ષ સુધી રેઈટ કોન્ટ્રાકટ ચાલ્યો !
મહાપાલિકા હસ્તકના વાહનો માટે ટાયર-ટયુબ તથા ફલેપની ખરીદી માટેનો ત્રિવાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ કરવાની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પેન્ડીંગ રાખવામાં આવી છે. અગાઉ જયારે વર્ષ ૨૦૧૩માં રેઈટ કોન્ટ્રાકટ મંજુર કરવામાં આવ્યો ત્યારે એવી શરત રાખવામાં આવી હતી કે જયાં સુધી બીજો કોન્ટ્રાકટ મંજુર ન થાય ત્યાં સુધી આ રેઈટ કોન્ટ્રાકટ યથાવત રાખવો સામાન્ય રીતે કોન્ટ્રાકટની મુદત પુરી થયા બાદ બે-ચાર માસ માટે જુના કોન્ટ્રાકટરને ચાલુ રાખવામાં આવતા હોય છે પરંતુ ટાયર-ટયુબ અને ફલેપની ખરીદીનો કોન્ટ્રાકટ પાંચ વર્ષ સુધી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેઈટ કોન્ટ્રાકટ કરવા માટે ૪૩૩ દિવસ અગાઉ ફાઈલ ઉપસ્થિત કરી દેવામાં આવી હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી ન હોય. આજે ટાયર-ટયુબ અને ફલેપની ખરીદીનો ત્રિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં મહાપાલિકા દ્વારા ૯૬ લાખના ટાયર-ટયુબ ખરીદવામાં આવે છે