છેલ્લા બે વર્ષમાં રાજકોટના નગરજનોને પીવાના પાણી પુરુ પાડવાની વિરાટ જવાબદારીમાં રાજકોટ મહાનગરપાલિકાને સૌની યોજનાએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે એટલું જ નહીં પરંતુ મહાનગરપાલિકાને આર્થિક રીતે પણ ખુબ જ ફાયદાકારક પુરવાર થયેલ છે. વર્ષ ૨૦૧૭-૧૮ના વોટર બિલમાં આશરે રૂ.૨૫ કરોડ જેવી માતબર બચત થઈ શકી છે તેમ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
આ વિશે વધુ માહિતી આપતા કમિશનરે એમ પણ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૬-૧૭ની વાત કરીએ તો રૂ.૩૧.૩૭ કરોડના ખર્ચે એનસી-૧૨ માંથી ૫૨૨૮૪.૧૪ એમએલડી નર્મદાનું પાણી મેળવવામાં આવ્યું હતું.
જયારે રૂ.૨૨.૧૨ કરોડના ખર્ચે એનસી-૨૦ માંથી ૩૬૮૭૪ એમએલડી નર્મદા જળરાશી પ્રાપ્ત કરવામાં આવેલ. આમ આ બે વર્ષમાં કુલ રૂ.૫૩.૪૯ કરોડનો ખર્ચ મહાનગરપાલિકાએ કર્યો હતો. જોકે રાજય સરકારના સૌની યોજના પ્રોજેકટ હેઠળ પાઈપલાઈન મારફત નર્મદાના નીરથી બબ્બે વખત આજી-૧ જળાશય ભરી દેવામાં આવતા મહાનગરપાલિકાને પાણી મુદે ઘણી રાહત થઈ ગઈ હતી.
થેન્કસ ટુ સૌની યોજના. આગલા વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૧૭-૧૮માં એનસી-૧૨માંથી વોટર વિથડ્રોઅલ ઘટાડી ૨૯૮૨૦.૩૬ એમએલડી નર્મદાનું પાણી મેળવવામાં આવેલ અને તે માટેનું બીલ ઘટીને રૂ.૧૭.૮૯ કરોડ થયેલ છે. જયારે એનસી-૨૦ માંથી વોટર વિથડ્રોઅલ ઘટાડી ૨૨૭૪૫.૦૦ એમએલડી નર્મદાનું પાણી મેળવવામાં આવેલ અને તે માટેનું બિલ પણ ઘટીને રૂ.૧૩.૬૫ કરોડ થયેલ છે. મતલબ કે રાજકોટ મહાનગરપાલિકાને એન્સે-૧૨માં રૂ.૧૩.૪૮ કરોડ તથા એનસી-૨૦માં રૂ.૮.૪૭ કરોડની એમ કુલ રૂ.૨૧.૯૫ કરોડ જેવી ધીંગી રકમ બચી શકી છે.