રાજકોટ જૈન તપગચ્છ સંઘના આંગણે તા.૨૨ને રવિવારે પ.પૂ.સાઘ્વીજી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થશે. રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈના નિવાસ સ્થાન ૬/૧૬, પ્રહલાદ પ્લોટથી સવારના ૭:૩૦ કલાકે ચાતુર્માસ પ્રવેશ યાત્રાનો વાજતે ગાજતે હર્ષોઉલ્લાસ સાથે શુભારંભ થશે. શોભાયાત્રામાં પ્રમુખના નિવાસ સ્થાને પધારનાર શ્રાવક-શ્રાવિકાઓનું પરંપરાગત રીતે સંઘપૂજન કરવામાં આવશે.
ચાતુર્માસ પ્રવેશયાત્રા વાજતે ગાજતે શ્રેષ્ઠીવર્યોની ઉપસ્થિતિમાં પ્રહલાદ પ્લોટથી પેલેસ રોડ, સોની બજાર થઈ સુપાર્શ્ર્વનાથ જિનાલયે રવિવારે સવારના ૮:૧૫ કલાકે આવશે. સુપાર્શ્ર્વનાથ દાદાના મંગલ આશીર્વાદ મેળવી જાગતાદેવ મણિભદ્રદાદાને ધર્મલાભ આપી પૂજય સાઘ્વીજી ભગવંતો શુભમુહૂર્ત ઉપાશ્રય પ્રવેશ કરશે.
ત્યારબાદ માંગલિક પ્રવચન આગામી ચાતુર્માસના ધાર્મિક અનુષ્ઠાનોની ઝલક સાથે ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓ માટે નવકાશીની વ્યવસ્થા રાજકોટ જૈન તપગચ્છ સંઘ તરફથી કરવામાં આવી છે.
ચાતુર્માસ પ્રસંગે રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા સંઘ ઉપાશ્રય આયંબિલ ભુવન તથા ધર્મશાળા, ભોજનશાળામાં માતબર રકમનો ખર્ચ કરી અતિ ભવ્ય આધુનિક ઓપ અપાયો છે. ચાતુર્માસે પધારતા પ.પૂ.વિપુલયાશ્રીજી ભગવંતનો દિશાપ્રયાય ૬૮ વર્ષનો છે. સંયમ માર્ગ તપસ્યા સાથે જૈન શાસન જેણે ૬૮-૬૮ વર્ષથી શોભાયમાન કરેલ છે તેવા રાજકોટના જ પનોતા પુત્રી છે. રાજકોટ જૈન તપગચ્છ સંઘ સુપાર્શ્ર્વનાથ જિનાલય, ૧૯૨ વર્ષ પ્રાચીન તીર્થમાં બિરાજમાન વિશાળકાય શ્રી આદેશ્ર્વર ભગવાન શ્રી શંખેશ્ર્વર પાર્શ્ર્વનાથ ભગવાન, શાંતીનાથ ભગવાનની નવનિર્મિત-સોના-ચાંદી-ડાયમંડથી મઢેલ-લખોણી આંગીના સકલ સંઘને દર્શન, ચાતુર્માસ પ્રવેશ દને કરાવવામાં આવશે અને અલૌકિક આંગી જેના દર્શન માત્રથી આપણું જીવન ધન્ય બની જશે. તેનું આ દિવસે સંઘના શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં અર્પણવિધિ થશે. આવા તેજોમય ચાતુર્માસ પ્રવેશ અને ધર્મ આરાધના કરવા મિત્ર મંડળ-સગા સ્નેહીઓ સાથે ઉપસ્થિતિ રહેવા સંઘ પ્રમુખ જીતુભાઈ ચાવાળા તેમજ સમગ્ર કારોબારી સભ્યોની લોકોને અપીલ છે.