અવિરત વરસાદના કારણે અડધુ સૌરાષ્ટ્ર પાણીમાં ગરક: અનેક ગામો સંપર્ક વિહોણા: અંધારપટ્ટ: નદીઓમાં ઘોડાપુર: ટ્રેન વ્યવહાર ખોરવાયો: ખેતરો ધોવાયા
ખંભાળિયામાં ૧૬॥ ઈંચ, માણાવદરમાં ૧૧॥ ઈંચ, માંગરોળમાં ૮॥ ઈંચ, પોરબંદર, રાણાવાવ, માળીયાહાટીનામાં ૮ ઈંચ, મેંદરડા, લાલપુર, કેશોદ, વંથલી, જામજોધપુર, કુતિયાણામાં ૬ ઈંચ વરસાદ: સર્વત્ર પાણી…પાણી…
રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં: આજે પણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી: તંત્ર એલર્ટ
વડાપ્રધાનનો ગુજરાતનો પ્રવાસ રદ: રાજય સરકારની કેબિનેટ બેઠક મોકુફ: કેબિનેટ મંત્રીઓ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા માટે અલગ-અલગ જિલ્લામાં દોડી ગયા: અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે હવે મેઘમહેર મેઘકહેરમાં પરીવર્તીત થઈ રહી છે. હવે જળપ્રલયના કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં ભયનું લખલખુ પ્રસરી ગયું છે. ખંભાળિયામાં સુપડાધારે ૧૬॥ ઈંચ વરસાદ ખાબકતા ખાના ખરાબી જેવી પરિસ્થિતિ સર્જાય છે. આજે રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ થઈ ગયું છે. સેંકડો ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ જતા સંપર્ક વિહોણા થઈ ગયા છે. રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યા છે. એનડીઆરએફની ટીમો અતિ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. રાજયમાં ભારે વરસાદના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો પ્રવાસ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યો છે. રાજય સરકારની આજે મળનારી કેબિનેટ બેઠક પણ રદ કરી દેવામાં આવી છે. અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે. તમામને સ્ટેન્ડ ટુ રહેવા સુચના આપી દેવામાં આવી છે. કેબિનેટ મંત્રીઓ રાહત અને બચાવ માટેની સમીક્ષા માટે અલગ-અલગ જિલ્લાઓમાં દોડી ગયા હતા.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને જામનગર જિલ્લાની સ્થિતિ ભારે કફોડી બની જવા પામી છે. આ પાંચેય જિલ્લાઓમાં જળપ્રલય આવ્યો હોય તેવો દહેશતનો માહોલ સર્જાઈ ગયો છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. અનેક રસ્તાઓનું ધોવાણ થઈ જતા સેંકડો ગામો સંપર્કવિહોણા થઈ ગયા છે. મેઘમહેર મેઘકહેરમાં પરીવર્તીત થવા પામી છે. વીજપોલ ધરાશાયી થઈ જતા અનેક ગામોમાં હજી અંધારપટ્ટ છવાયો છે. સેંકડો ગામમાં હજી માથાડુબ પાણી ભરાયેલા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હેલીકોપ્ટર મારફત હવાઈ નિરીક્ષણ કર્યું હતું. રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ યુદ્ધના ધોરણે કામે લાગી ગઈ છે. જરૂર પડયે એરફોર્સ કે આર્મીની મદદ લેવાની પણ મુખ્યમંત્રીએ બાંહેધરી આપી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રિક અનરાધાર વરસાદ વરસ્યો છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.
ભારે વરસાદમાં વધુ ખુવારી ન સર્જાય તે માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે. અતિવૃષ્ટિવાળા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બીજી તરફ સંપર્કવિહોણા ગામોનો સંપર્ક કરી ત્યાં પણ રાહત પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ અને કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. રાજયના અતિવરસાદગ્રસ્ત વિસ્તારોમાં ચાલતી રાહત અને બચાવ કામગીરી માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ચાર કેબિનેટ મંત્રીઓને સમીક્ષાની જવાબદારી સોંપી છે. ચારેય મંત્રીઓ અલગ-અલગ જિલ્લાઓમાં ચાલતી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.
જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં અતિભારે વરસાદથી સ્થિતિ ચિંતાજનક
સૌરાષ્ટ્રમાં મંગળવારે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર-સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે સ્થિતિ કફોડી બની જવા પામી છે. અહીં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના લાલપુરમાં ૧૫૬ મીમી, જામજોધપુરમાં ૧૪૭ મીમી, જામનગરમાં ૯૧ મીમી, કાલાવડમાં ૫૯ મીમી, જોડીયામાં ૧૭ મીમી, ધ્રોલમાં ૧૫ મીમી વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૪૧૨ મીમી, કલ્યાણપુરમાં ૧૧૭ મીમી, ભાણવડમાં ૧૧૪ મીમી અને દ્વારકામાં ૫૭ મીમી વરસાદ પડયો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણામાં ૧૪૬ મીમી, પોરબંદરમાં ૧૯૭ મીમી, રાણાવાવમાં ૧૯૪ મીમી વરસાદ વરસ્યો છે. જુનાગઢ જિલ્લામાં કાલે અનરાધાર વરસાદ પડયો હતો. ભેંસાણમાં ૨૭ મીમી, જુનાગઢમાં ૭૨ મીમી, કેશોદમાં ૧૫૫ મીમી, માળીયાહાટીનામાં ૧૯૧ મીમી, માણાવદરમાં ૨૮૩ મીમી, માંગરોળમાં ૨૧૦ મીમી, મેંદરડામાં ૧૬૪ મીમી, વંથલીમાં ૧૫૫ મીમી, વિસાવદરમાં ૩૪ મીમી વરસાદ પડયો હતો. ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૧૨૮ મીમી, કોડીનારમાં ૧૦૫ મીમી, સુત્રાપાડામાં ૯૮ મીમી, તાલાલામાં ૧૧૭ મીમી, ઉનામાં ૧૩૪ મીમી, વેરાવળમાં ૧૧૩ મીમી, અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ૯૮ મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ ૨ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.