ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો સવારે ૧૦ વાગ્યે કિશાનપરા ચોકથી પ્રારંભ થયો હતો. ભવ્ય શોભાયાત્રામાં જગદંબા આઈ નાગબાઈ માતાજીની ફણીધર નાગ સાથેની ૧૪ ફુટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અનેરા આકર્ષણનું કેન્દ્ર બની હતી. ચારણીયા સમાજનાં જ્ઞાતિજનો ઉપરાંત અન્ય જ્ઞાતિ-સમાજનાં સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ, સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થાઓના હોદેદારો વગેરેએ ખાસ ઉપસ્થિત રહીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રીનાગબાઈ માતાજીની વિરાટ પ્રતિમાનાં પૂજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામીને જિલ્લા પંચાયત ચોકથી યાજ્ઞિક રોડ થઈ માલવિયા ચોકથી ત્રિકોણબાગ થઈને જવાહર રોડ પર જયુબેલી ચોકથી આગળ આર.ડી.સી.બેન્ક રોડ થઈ ચૌધરી હાઈસ્કૂલ ચોકથી બહુમાળી ભવન થઈ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બપોરે સંપન્ન થઈ હતી. ઠેર-ઠેર વિવિધ જ્ઞાતિ-સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભવ્ય શોભાયાત્રામાં સૌથી આગળ બુલેટ બાઈક ઉપર વિરાટ ધર્મઘ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહ્યા હતા. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં શ્રીનાગબાઈ માતાજીની ૧૪ ફુટ ઉંચી દિવ્ય પ્રતિમા બિરાજમાન રહી હતી. આ રથયાત્રામાં શાનદાર ડીજેના સુર તાલે આદ્યશકિત જગદંબાની ગરબાવલીની સંગાથે ચારણીયા સમાજની વિખ્યાત રાસ મંડળીઓએ જબ આકર્ષણ જમાવ્યું હતું. આ સાથે રથયાત્રામાં ૫૧ ભગવી ધ્વજા સાથેના યુવાનોએ ધર્મભકિતનો માહોલ સર્જી દીધો હતો. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શોભાયાત્રાનું વિસર્જન થયા બાદ બપોરથી ચારણીયા સમાજનો તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધો.૧ થી ૧૨ સુધીનાં ૬૫૧થી પણ વધુ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોના હસ્તે આકર્ષક શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સમુહ મહાપ્રસાદ પણ યોજાયો હતો. રાજકોટ, અમદાવાદ, હાલાર, પાંચાળ, સોરઠ, કચ્છ ઉપરાંત છેક રાજસ્થાન અને મહારાષ્ટ્રથી શ્રીનાગબાઈ માતાજીનાં જન્મોત્સવમાં ચારણીયા સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડયો હતો.