નરેશભાઈ પટેલે ફરી ટ્રસ્ટના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધી: ખોડલધામ ટ્રસ્ટમાં વિવાદ ફરી વકર્યો
લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતિક એવા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી આજે પરેશભાઈ ગજેરાએ અચાનક રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે ફરી ટ્રસ્ટના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી લીધી છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનપદેથી થોડા સમય પહેલા નરેશભાઈ પટેલે અચાનક રાજીનામું ધરી દેતા ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ વચ્ચે વિખવાદ ચાલતો હોવાનું બહાર આવ્યું હતું. જોકે સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ નરેશભાઈ પટેલે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું.
ત્રણ માસ ફરી ખોડલધામ ટ્રસ્ટમાં ચાલતી વિવાદ સપાટી પર આવી ગયો છે. આજે ટ્રસ્ટના પ્રમુખપદેથી અચાનક પરેશભાઈ ગજેરાએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તેઓએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું રાજીનામા પત્રમાં જણાવ્યું છે. જોકે તેઓની સાથે કોઈ ઓફીશીયલી વાતચીત થઈ શકી નથી
. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામાં આપ્યા બાદ ચેરમેન નરેશભાઈ પટેલે પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધી છે. પરેશ ગજેરાના ઓચિંતા રાજીનામાથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાગવડ ખાતે ખોડલધામનું નિર્માણ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થતા નરેશભાઈ પટેલે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું અને પ્રમુખપદની જવાબદારી પરેશભાઈ ગજેરાના શીરે મુકી છે પોતે ચેરમેનપદે સેવા આપતા હતા. થોડા સમય પહેલા નરેશભાઈ પટેલે ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું. આ વિવાદ શાંત થયા બાદ આજે પરેશ ગજેરાએ રાજીનામું આપતા ખોડલધામ ટ્રસ્ટમાં ચાલતો વિવાદનો મધપુડો ફરી છંછેડાયો છે.