૫૦ વર્ષ જુના અને અતિ જર્જરીત મકાનથી મોટી દુર્ઘટના સર્જાવવાની ભીતિ અંગે લેખિતમાં અનેક રજુઆત છતાં નિભંર તંત્ર રહ્યું બેદરકાર
કોઈ રહેતું ન હોય ભયગ્રસ્ત મકાન તોડી પાડવા સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડની સુચના બાદ કોર્પોરેશને મજુર દ્વારા મકાન તોડાવ્યું
શહેરના વોર્ડ નં.૭માં કોટક શેરી નં.૫માં ૫૦ વર્ષ જુનુ અને અતિ જર્જરીત મકાન મોટી દુર્ઘટના સર્જે તે પહેલા તોડી પાડવા લતાવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવી રહી હતી છતાં કોર્પોરેશનના નિર્ભર તંત્રએ એક પથ્થરસુધા હલાવવાની તસ્દી લીધી ન હતી. ગઈકાલે ભયગ્રસ્ત મકાન અડધું તુટયા બાદ નિભંર તંત્ર જાગ્યું હતું અને મકાનનું ડિમોલીશન કર્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના વોર્ડ નં.૭માં કોટક શેરીમાં ૫૦ વર્ષ જુના જસાણી બિલ્ડીંગનો મોટાભાગનો હિસ્સો અતિ જર્જરીત થઈ હોય આ મકાન ચોમાસાની સીઝનમાં દર વર્ષે થોડુ-થોડુ તુટતું રહે છે. મકાન તોડી પાડવા માટે સ્થાનિક લતાવાસીઓ દ્વારા કોર્પોરેશન સમક્ષ અનેક વખત રજુઆત કરવામાં આવી હતી.
તાજેતરમાં ગત જુન માસમાં પણ જર્જરીત મકાન તોડી પાડવા લેખિતમાં રજુઆત કરી હતી છતાં કોર્પોરેશનના અલગ-અલગ વિભાગોએ પોતાની જવાબદારીની ફેંકા ફેંકી કરી હતી. ગઈકાલે શહેરમાં પડેલા વરસાદના કારણે જસાણી બિલ્ડીંગનો કેટલોક ભાગ તુટી પડયો હતો.
સ્થાનિક લતાવાસીઓ દ્વારા આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડને રજુઆત કરવામાં આવી હતી. જસાણી બિલ્ડીંગમાં કોઈ રહેતું ન હોય તો જર્જરીત બિલ્ડીંગ તોડી પાડવા તેઓએ અધિકારીઓને સુચના આપ્યા બાદ આજે સવારથી કોર્પોરેશન દ્વારા મજુરો મારફત જસાણી બિલ્ડીંગને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. શહેરમાં અનેક એવી મિલકતો છે કે જે ચોમાસાની સીઝનમાં મોતનો માચડો બની લોકો પર જોખમ ઉભું કરે છે છતાં તંત્ર દ્વારા આવા જર્જરીત બાંધકામોને તોડવા માટે તસ્દી લેવામાં આવતી નથી.