કોર્પોરેશનના ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું
કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૪માં મોરબી રોડ અને કુવાડવા રોડ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપીના અનામત પ્લોટ પર ખડકાયેલા દબાણો ધરાશાયી કરી દેવામાં આવ્યા હતા અને રૂપિયા ૯૮ લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટીપીઓ એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં વોર્ડ નં.૪માં ટીપી સ્કીમ નં.૧૨ના ફાઈનલ પ્લોટ નં.૯૭ (રેસીડેન્સીયલ શેલ) અનામત હેતુના પ્લોટમાં ખડકાયેલા ૨૦ જેટલા ઝુંપડાઓ દુર કરી બજાર કિંમત મુજબ ૯૦ લાખ રૂપિયાની ૨૦૦ ચો.મી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત ફાઈનલ પ્લોટ નં.૮૦ (રેસીડેન્સીયલ) હેતુ માટેના પ્લોટ પર ૧૫ ચો.મી. જગ્યામાં વાણિજય હેતુ માટેનું બાંધકામ ખડકાયું હતું જે દુર કરી રૂ.૭.૫૦ લાખની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જુના મોરબી રોડ પર ધોળકિયા સ્કુલની બાજુમાં વોંકળા પરના પાપડા પીડીયાની દુકાનનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.