રથયાત્રાના સમગ્ર રૂટનું બારીકાઈ ભર્યું નિરીક્ષણ
આગામી તા. ૧૪ ના રોજ અષાઢીબીજના પાવન અવસરે મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાનાર હોય આજે એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રા રૂટનું બારીકાઈ પૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સમસ્ત ભરવાડ સમાજ, રબારી સમાજ અને અન્ય સમાજના આસ્થાના પ્રતિક એવા મોરબીના માં મચ્છુ માતાજીના મંદિર ખાતે દર અષાઢી બીજ વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને આગામી ૧૪ જુલાઈના રોજ યોજાનારી રથયાત્રા રૂટનું આજે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અષાઢી બીજની રથયાત્રા દરબારગઢ ખાતે મચ્છુ માતાજીના મંદિરથી શરૂ થઈ સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નહેરુગેટ ચોકથી ગ્રીનચોક થઈ પુન: મંદિર ખાતે પહોચશે જ્યાં સમાપન થશે. જે અંતર્ગત આજે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ ચૌધરીની આગેવાની હેઠળ પોલીસ જવાનોએ રથયાત્રા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરી બારીકાઈ ભર્યું નિરીક્ષણ કર્યું હતું.
મોરબી જિલ્લામાં સભા, સરઘસ અને ૪ વ્યક્તિને ભેગા થવા પર પ્રતિબંધ: અધિક કલેક્ટરનું જાહેરનામું
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈને અધિક કલેક્ટરે ચારથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવા પર તેમજ સભા અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામાના ઉલ્લંઘન સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
મોરબી જિલ્લા અધિક કલેકટર કેતન જોશીએ કાયદો અને વ્યવસ્થા તથા જાહેરમાં સુલેહ અને શાંતિનો ભંગ ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જુલાઈ માસમાં આવતા કાર્યક્રમો તેમજ રાજકીય પક્ષો દ્વારા થતા આંદોલનાત્મક કાર્યક્રમોને ધ્યાને રાખી ૧ જુલાઈથી ૩૧ જુલાઈ સુધી ચારથી વધુ વ્યક્તિઓને એકત્રિત થવા પર અને સભા, સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
ઉપરાંત હથિયાર, તલવાર, ભાલા, બંદૂક, લાઠી, શસ્ત્રો, સળગતી મિશાલ, મનુષ્યો, આકૃતિઓ કે પૂતળા દેખાડવા જેનાથી નીતિઓનો ભંગ થાય, ભાષણ કરવાની તથા ચિત્ર પ્લેકાર્ડ, પત્રિકા કે બીજા કોઈ પદાર્થો તેમજ વસ્તુઓ તૈયાર કરવા, બનાવવા કે ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.