લાંબા ગાળાની વ્યુહરચના તથા ચૂંટણી બાબતે ચર્ચા: ૧૮ જુલાઇ સુધી ચાલશે બેઠક
સંઘના વડા મોહન ભાગવત તેમજ ટોચના નેતાઓ આજે સોમનાથ આવી પહોંચ્યા છે. સોમનાથમાં એક અઠવાડિયા સુધી ચાલનારી પ્રાંત પ્રચારક બેઠકમાં આ નેતાઓ ભાગ લેશે. જેમાં મોહન ભાગવત ઉપરાંત ભૈયાજી જોષી, દરેક રાજ્યોના ઈનચાર્જ તેમજ રાષ્ટ્રીય સ્તરના આગેવાનો પણ સામેલ થવાના છે.
એક અઠવાડિયા સુધી ચાલનારી આ બેઠકમાં સંઘની ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યૂહ રચના ઘડવા ઉપરાંત ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં સંઘની ભૂમિકા અંગે પણ ચર્ચા થશે તેમ મનાઈ રહ્યું છે.
આજે સોમનાથ આવી પહોંચેલા મોહન ભાગવતે મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. તેઓ આ બેઠકના છેલ્લા દિવસ સુધી એટલે કે ૧૮ જુલાઈ સુધી હાજરી આપશે.
બીજી તરફ, અમિત શાહ પણ ૧૪-૧૫ જુલાઈના રોજ અમદાવાદ આવી રહ્યા છે, અને તેઓ પણ સોમનાથ આવી સંઘની બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. અમિત શાહ ઉપરાંત સીએમ વિજય રુપાણી તેમજ રાજ્યના ભાજપના અન્ય ટોચના નેતાઓ પણ આ બેઠકમાં હાજરી આપી શકે છે.
મોહનભાગવતજી સોમનાથ મંદિરે વહેલી સવારે પહોચેલ જ્યાં ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે બુકેથી તેમનુ સ્વાગત કરેલ હતું. સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક તથા મહાપૂજાની સામગ્રી મહાનુભાવો દ્વારા અર્પણ કરવામાં આવેલ હતી. ભાગવતજીએ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી સાથે ધ્વજાપૂજા મહાપૂજાનો લ્હાવો લીધો હતો. મુલાકાત સમયે મંદિર પર મેઘરાજાના અમીછાટણા થયા હતા.
સરદાર વલ્લભભાઇ પટેલને સૌ મહાનુભાવોએ પૂષ્પવંદના કરવામાં આવી હતી. પૂજા બાદ પુષ્પહારથી પૂજાચાર્યએ સન્માન કરેલ, તેમજ શાલ, ફ્રેમફોટો તથા શિવજીની ઝાંખી સ્મૃતિચિન્હ સ્વરૂપે આપી ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે મોહનભાગવતજી નુ સન્માન કરેલુ હતું. આ પ્રસંગે ટ્રસ્ટના કો-ર્ડિનેટર ડો.યશોધર ભટ્ટ તથા બિપિનભાઇ સંઘવી પણ ઉપસ્થીત રહ્યા હતા.