મંદિરનો વહીવટ અમદાવાદથી ચાલતો હોવાનો ગણગણાટ
દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રમુખતમ યાત્રાધામો પૈકીના એક એવા ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની પૈકી શયનસ્થાન ગણાતાં બેટ દ્વારકાધીશ મંદિરમાં આવેલ મંદિરના મંદિર ટ્રસ્ટમાં એક સાથે ત્રણ ત્રણ ટ્રસ્ટીઓએ એકસાથે કોઇપણ સ્પષ્ટીકરણ વગર એકસાથે રાજીનામા ધરી દેતાં મોટો ભૂકંપ સર્જાયો હતો.
વજુભાઇ પાબારી, દ્વારકાદાસ રાયચુરા અને ગુજરાત રાજયના માજી મંત્રી વસુબેન ત્રિવેદીએ એકસાથે ટ્રસ્ટના પ્રમુખને પત્ર પાઠવી પોતપોતાના રાજીનામા ધરીદેતા એકસાથે ત્રણ ટ્રસ્ટીઓના રાજીનામાથી ટ્રસ્ટના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.
અમદાવાદ સ્થિત બેટ દેવસ્થાન સમીતીના પ્રમુખ રોહિતભાઇ મહેતાને આ ત્રણેય ટ્રસ્ટીઓએ પાઠવેલ પત્રમાં માત્ર અંગત કારણોસર અને અન્ય કાર્યોની વ્યસ્તતા દર્શાવી રાજીનામા પત્ર પાઠવેલ હોય આ અંગે સ્થાનીક વર્તુળોમાં અનેક તર્કવિતર્કો શરુ થયા છે. આ સાથે રાજીનામું આપનાર ટ્રસ્ટી વજુભાઇ પાબારી સાથે ટેલીફોનીક ચર્ચા કરી કારણ અંગે વધુ માહીતી આપવાને બદલે મૌન સેવ્યું છે.
બેટ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ બાબતે નવા આવેલા અમદાવાદના ટ્રસ્ટીઓ મનમાની કરી રહ્યા હોવાનો અને ટ્રસ્ટનો વહીવટ યોગ્ય રીતે ન થઇ રહ્યાના આક્ષેપ સાથે થોડા સમય પહેલા બેટ દ્વારકાના ગુગ્ગળી બ્રાહ્મણોએ આંદોલન પણ કર્યુ હતું અને અનેક ફરીયાદો રાજય સરકાર અને ન્યાયાલય સમક્ષ પણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. ગંભીર આક્ષેપો છતાં ટ્રસ્ટ દ્વારા તેમના પર થયેલા આક્ષેપો અંગે કયારેય ખુલાસા કરવામાં આવ્યા નથી. અને નવા ટ્રસ્ટી મંડળની નિમણુંકના મુદ્દે પણ બેટ દ્વારકાના ભગવતભાઇ પાઢએ રજુઆતો કરી છે અને મંદિરનોવહીવટ અમદાવાદ બેઠા બેઠા જ ચલાવાતો હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા થયો હોય આમ છતાં ટ્રસ્ટ દ્વારા કયારેય ખુલાસા થયા નથી.