“જયદેવને થયુ કેવો સમય આવ્યો છે ? સમાજમાં સમૃધ્ધ લોકો કપડા ઉતારતા જાય છે અને નાગા સાધુ કપડા પહેરતા થયા છે !
ગોધરા રેલવે સ્ટેશન તથા ગોધરા રેલવે યાર્ડ અને રેલવે કર્મચારીઓ માટેની રેલવે કોલોની એક બીજાને અડીને જ આવેલા હતા. ભારતીય રેલવે વિશ્વનું મોટામાં મોટુ રેલવે તંત્ર છે. રેલવે કર્મચારીઓની ભરતી રેલવે સીલેકશન બોર્ડ કરે છે. આથી રેલવે કર્મચારીઓમાં આખા દેશની જનતાનું પ્રતિનિધિત્વ હોય છે તેમાં આસામથી લઈ ગુજરાત અને કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધીના રાજયોનાં કર્મચારીઓ રહેતા હોય છે. તેથી રેલવે કોલોનીમાં વાસ્તવમાં પેલી ટીવી સીરીયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટી જેવી જ પરિસ્થિતિ હોય છે.
પરંતુ ગોધરા શહેરની સામાજીક અને કોમી સંવેદનશીલ પરિસ્થિતિ હોય પેલી તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સીરીયલ માફક સોસાયટીમાં કોઈ તારક મહેતાની જેવા નેતા નહતા.
ફોજદાર જયદેવ ગોધરા રેલવે કોલોનીમાં રહેવા આવ્યો અને એક બે દારૂડીયાને દોરીસટ પાધરા કરી દીધા તેથી કોલોનીમાં શાંતિ સાથે આનંદ પણ ફેલાઈ ગયો. રેલવે કોલોનીમાં જુનું શિવ મંદિર હતુ પરંતુ મંદિરમાં કોઈ નિયમીત પુજા કરતું નહિ. કોલોનીમાં કોઈ ઉત્સવો ઉજવાતા નહિ રેશનાલીસ્ટ સામાન્ય જનજીવન ચાલ્યું જતું હતુ. તે સમયે ગોધરાનગર પાલીકાનું શાસન જનતા પક્ષનું હતુ અને નગરપાલીકાના ઉપપ્રમુખ તરીકે એક રેલવે કર્મચારીનો પુત્ર સીરાજ શેખ હતો.
રેલવે કોલોની નગરપાલીકાના ખાડી ફળીયા વોર્ડ મતદાન વિભાગમાં આવતી અને સીરાજ શેખ આ વોર્ડમાંથી નિયમિત રીતે ખાડી ફળીયાના લઘુમતી ઉમેદવારોને રેલવે કોલોનીના બહુમતી સમાજના સહકારથી હરાવી ચૂંટાઈ આવતો સીરાજ શેખ ખુબજ શિક્ષીત સમરસ વિચારધારાનો અને માનવતા વાદી પ્રગતિશીલ નાગરીક હતો.
આ સીરાજ શેખે જયદેવની ટેલીફોનથી મુલાકાત માગી એક વ્યકિતને લઈ પોલીસ સ્ટેશને આવ્યો તેણે સાથેની વ્યકિતની ઓળખાણ આપી કે આ મહેશ શર્મા મુળ રહે ઉદેપૂર રાજસ્થાન વાળા અહી રેલવેના કર્મચારી છે. અને કોલોનીની સારી સમાજ સેવા કરે છે.તેઆપને કાંઈક વિનંતી કરવા માગે છે. જયદેવે જ કહ્યું બોલો શર્માજી. આથી ગોપાલ શર્માએ કહ્યુંકે સાહેબ હું બ્રાહ્મણ છું અને શિવરાત્રી નજીક આવી રહી છે. અહી રેલવે કોલોનીમાં પુરાણુ શિવ મંદિર છે.
તેમાં કોઈ નિયમિત સેવાપુજા પણ કરતુ નથી આ વખતે મારી ઈચ્છા છે. શિવરાત્રી આ મંદિરમાં ધામધૂમથી ઉજવવી છે.પણ અગાઉના સમયે આવું કરવા ધારેલું પણ જે તે વખતે પોલીસે કહેલું કે જેમ ચાલે છે.તેમ ચાલવા દોને ખોટો કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન કયાં ઉભો કરવો? જયદેવે કહ્યું કાયદા મુજબ તમને છૂટ છે. અને રહી વાત શિવરાત્રી ઉત્સવની તો રૂદ્રાભીષેકનો જે ખર્ચ થાય તે મારી પાસેથી તમે લઈ જજો.
ઉપપ્રમુખ શેખ અને શર્મા ખુશ થઈ, ગયા તે પછી તો આ લોકોએ ભેગા થઈને શ્રાવણ મહિનો નવરાત્રી અને ગણપતી પૂજાના ઉત્સવો પણ ધામધૂમથી ઉજવવા લાગેલા મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરૂબાળ ગંગાધર તીલકે મહારાષ્ટ્રમાં સૌ પ્રથમ ગણપતી ઉત્સવ ઉજવવાની શરૂઆત એટલા માટે કરી હતી કે તેમાં સમાજના જુદા જુદા વિભાગો એકઠા થાય અને તેમના સમરસતા તથા સંગઠન થાય. તે સમયે આઝાદીની લડત માટે આવી લોક જાગૃતિ અને સંગઠનની જરૂરત હતી તેથી તેમણે આ ઉત્સવો મારફતે લોક સંગઠન કરવાનું ઉમદા ઉદાહરણ પૂરૂ પાડયું હતુ.
તે સમયે દિવાળીના દિવસો દરમ્યાન ઉતર ભારતના કોઈક રેલવે સ્ટેશને પેસેન્જર ટ્રેન ઉભી હતી તેમાં કોઈ એક યુવક પેટ્રોલનો કેરબો લઈને ડબ્બામાં છેક અંદર બેઠો હતો તે કેરબો ગમેતે કારણે લીક થતા તેમાંથી પેટ્રોલ ઢળવા લાગ્યુ આ યુવાન ઢોળાતો કેરબો લઈને દરવાજે આવ્યો પેટ્રોલનો રેલો થતો ગયેલો અને દરવાજા સુધીમાં લગભગ તમામ જગ્યાએ પેટ્રોલ ઢોળાયું અને ઓચિંતી બીડી કે સીગારેટ નો તીખારો પડયો અને પેટ્રોલે આગ પકડી લીધી તેથી ‘ધ બર્નીગ ટ્રેન’ બની પુષ્કળ મુસાફરો દાઝી ગયા અને મૃત્યુ પામ્યા અને આ સમાચાર વર્તમાન પત્રોમાં બહુ ચર્ચાયા હતા.
જેથી જયદેવે પણ આવો બનાવ ન બને તે માટે જવાનોને સુચના કરી કોઈ ડીઝલ પેટ્રોલ કે ગેસના બાટલા લઈને જ સ્ટેશનમાં ન આવે તે માટે તાકીદ અને સુચના કરી.તે વખતે હિન્દુ સંગઠનો દ્વારા અયોધ્યા ખાતે રામમંદિર બનાવવા માટે દેશના ગામે ગામથી એક એક ઈટ તૈયાર કરી તેની પૂજા વિધિ કરી ધામધૂમથી ‘શીલાયાત્રાઓ’ કાઢી પ્રથમ તાલુકા મથકે પછી જિલ્લા મથકે અને પછી આ શીલાઓને અયોધ્યા લઈને કાર સેવકો ગયેલા.
આ કાર્યક્રમ પુરો કરીને કારસેવકો ટ્રેનમાં રેલ રસ્તે અયોધ્યાથી ગુજરાત, મુંબઈ, મહારાષ્ટ્ર પરત જતા હતા તેઓ ગોધરાથી પસાર થતા આમતો અમદાવાદ ગોધરા વિગેરે સ્થળોએ તોફાનો તો શરૂ થઈ જ ગયા હતા અને તંગદીલી સખત હતી તેમાં ભરૂચના નબીપુર રેલવે સ્ટેશને, સ્ટેશન બહાર જ મસ્જીદ હતી. શુક્રવારનો દિવસ હતો. બપોરના એક દોઢ વાગ્યે નમાઝ પૂરી થઈ અને નમાઝીઓ મસ્જીદ બહાર રોડ ઉપર આવ્યા રોડ કાંઠે જ પ્લેટફોર્મ ઉપર ટ્રેન ઉભી હતી તેમાં કારસેવકો એ સુત્રોચ્ચાર કર્યા અને તોફાન શરૂ થયું. એક મહારાષ્ટ્રીયન કારસેવકનું ખૂન થયું. આ તોફાનો શરૂ થયા તેમાં ગુજરાતમા અમદાવાદ વડોદરા ગોધરા ખાસ સંવેદનશીલ હતા.
આથી ગોધરા રેલવે સ્ટેશને જયદેવને મોટો એક પ્રશ્ન એ હતો કે જયારે સમગ્ર ગોધરા શહેરમાં કફર્યું હોય ત્યારે રેલવે સ્ટેશન ઉપર તો ટ્રેનોની અવર જવર ચાલુ જ રહેતી. કફર્યું ને કારણે શહેરના મુસાફરો સ્ટેશને ન આવે પણ પરંતુ દૂર દિલ્હી મુંબઈ વિ. ભારતના બીજા સ્થળોએથી આવતી ટ્રેનોમાં જે મુસાફરો ગોધરા આવતા હોય તે તો ગોધરા જઉતરતા અને શહેરમાં કફર્યું હળવો થાય ત્યાં સુધી સ્ટેશન ઉપર જ રહેતા વળી રેલવે સ્ટેશન લઘુમતી મહોલ્લામાં જ હતુ તેથી રેલવે પોલીસને આ મુસાફરોને સાચવવાની મોટી ચિંતા રહેતી.
ગોધરા શહેરમાં કોમી તોફાનો શરૂ થતા જ જયદેવને અગાઉ સ્ટેશન માસ્તર માર્તંડે કરેલી વાત યાદ આવી કે શહેર વિસ્તારોમાં જે તોફાનોમાં ખૂન થયા હોય તે રાત્રીનાં તોફાનીઓ લાશો ઉપાડીને રેલવેની હદમાં નાખી ને નિર્ભય થઈ જતા જુઓ પ્રકરણ ૮૧ ‘રેલવે સબોટેજ’ આથી જયદેવ વધુ સતર્ક થઈ ગયો. અને ડી.સ્ટાફને પૂરી વોચ અને તકેદારી માટે સતર્ક રીતે કામે લગાડી દીધા.
ડી.સ્ટાફના કોન્સ્ટેબલ પુજાભાઈએ પ્લેટફોર્મ અને ટ્રેનમાં ફરતા ફેરીયાઓને વિશ્વાસમાં લઈ કેટલીક વાતો જાણી લીધી અને સાંજના જ જયદેવને માહિતીઓ આપી તે માહિતી ઓ પૈકી એક માહિતી એ હતી કે ટકલો અને દંતીયો (આ ગુનેગારોના ઉર્ફે અને તખલ્લુસ નામ છે કેમકે તમામના નામ લગભગ એક સરખા અને મળતા જ હોય છે) વાત કરતા હતા કે હરીયાણા બાજુ જેમ ડબ્બામાં આગ લાગી હતી તેમ હવે ગોધરામાં પણ કરવું છે. ગોધરાનું નામ પાછલ રહેવું જોઈએ નહિ.
આ સાંભળીને જયદેવ ચોંકી ઉઠ્યો તેને ખબર હતી કે ગોધરાથી પાકિસ્તાન આવવા જવા વાળા ઘણા મુસાફરોની દરરોજ અવર જવર રહેતી પંજાબ અમૃતસરથી અટ્ટારી રેલવે સ્ટેશને ભારતની કસ્ટમ ચેક પોસ્ટ હતી. અને ત્યાંસુધી પાકિસ્તાનની ટ્રેન આવતી જતી તેમાં પાકિસ્તાની મુસાફરો આવતા જતા.
વળી આ ગોધરાના ગુન્હેગારોને જેલમાં રહેવું કે બહાર રહેવું એક સરખુ હતુ કેમે કે તેમને ‘સીમમાં જમીન ન હતી અને ગામમા કોઈ મકાન કે ધંધા નહતા’ જોકે બે નંબરી ધંધાનો પાર ન હતો. અને એવું કોઈ શિક્ષણ પણ નહોતુ કે કોઈ લાંબો વિચાર કરી શકે.
જયદેવે તુરત વિચાર્યું કે જો આવો બનાવ બને તો તો ખુબ ખરાબ હાલત થઈ જાય, જેથી તેણે થોડુ વિચારીને એક પેન કાગળ લીધા અને યાદ કરી કરી ને જે જે ન્યુટોરીયસ અને સક્રિય ગુનેગારો હતા તેમના નામનું લીસ્ટ બનાવ્યું તથા ડી.સ્ટાફના જવાનોને સૂચના કરી લીસ્ટ વાળા પૈકી જેટલા સાંજ સુધીમા મળે તેને એકઠા કરો રેલવેની હદમાં કોઈ પણ બનાવ બન્યો હોય તેની જેટલી રેલવે પોલીસને ખબર ન હોય તેટલી ખબર આ લોકોને રહેતી વળી આ ગુનેગારોનો દિવસ જ સૂર્યાસ્તથી શરૂ થતો અને જોગાનુ જોગ પેસેન્જર ટ્રેનો મોટા ભાગની સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે જ ગોધરાથી પસાર થતી અને બે નંબરી ધંધા પણ રાત્રે જ થાયને?
સાંજના જ છ સાત ગુનેગારોને પ્લેટ ફોર્મ ઉપર ભેગા કરીને કોન્સ્ટેબલ છત્રસિંહે જયદેવને કહ્યું કે ‘ક્રીમીનલ કોરમ’ થઈ ગયું છે. જયદેવે તમામ ગુન્હેગારોને કહ્યું કે ‘ભૂતકાળમાં ગોધરા શહેરની હદમાંથી રેલવેની હદમાં કે રેલવે ટ્રેક ઉપર લાશો આવી જતી હતી.
તે સઘળી હકિકત મને મળી ગઈ છે. પરંતુ હવે કોઈ લાશ રેલવેની હદમાંથી મળશે તો તે ખૂનનો જ ગુન્હો દાખલ થશે અને તે અગાઉની માફક ગુન્હો અનડીટેકટ નહિ રહે તેમ કહી લીસ્ટ વાંચી સંભળાવ્યું જેમાં એકત્રીસ નામો હતા આ તમામના નામ જોગ એફઆઈઆર થશે. અને કહ્યું તમને પેલુ ચાંપાનેર જંકશન નજીક રેલવે ટ્રેકની ચાવીઓ કાઢી નાખી દહેરાદૂન એક્ષપ્રેસનો જેમણે ચાળો કરેલો. ભલે ટાંચણીના માથા જેટલુ પણ લોહી નહોતુ નીકળ્યું છતા પણ ચાળો કરનાર ચાર પાંચ જણાએ જેલની મોજ માણેલી અને તેની સામે જે રીતે કાર્યવાહી થયેલી તે જ રીતે તેના કરતા પણ વધારે કડક કાર્યવાહી થશે (જુઓ પ્રકરણ ૮૧ રેલવે સર્બોટેજ) કોઈ હાઈકોર્ટમાંથી પણ જામીન ઉપર નહિ છૂટે.
જેથી જો કોઈ એ ટ્રેનમાં કે રેલવેની હદનો ચાળો કર્યો અને કાંઈ પણ જાહેરાત આવી તો આટલા નામ વાળાની ખેરીયત નથી તે સમજી લેજો. આમ કહી જયદેવે તમામને જવા દીધા.
આ તમામે અંદરો અંદર ચર્ચા કરી કે સાલી બંને વાતોતો સાચી છે. અગાઉ લાશો રોડ ઉપરથી લઈ ટ્રેક ઉપર નાખતા હતા. તો ફોજદાર જયદેવ પણ કાગળનો ખરાબ છે. તે કોઈને નહિ મુકે આપણે જ આપણી સલામતી રાખવાની છે. અને આ ચર્ચા ઝેરી વાયરસની જેમ ગુનેગારોમાં ફેલાઈ ગઈ. તેઓ જ રેલવેની હદનુ રખોપુ કરતા થઈ ગયા!
ત્યાર પછી ગોધરામાં લગભગ એક વર્ષ જેટલો રાત્રીનો કફર્યું રહેલો પણ ગોધરા રેલવે પોલીસ સ્ટેશનની હદમાં કોઈ ગુન્હો બનેલો નહિ.
એક વખત રાત્રીનાં અગીયાર વાગ્યે ગોધરાનાં મામલતદાર રેલવે પોલીસ સ્ટેશને રૂબરૂ આવ્યા અને કહ્યું કે હરીયાણા સરકારના સચિવના પુત્રનું ગોધરા રેલવેની હદમાં મૃત્યુ થયું છે.તેથી ગાંધીનગરથી કલેકટર સાહેબ ઉપર સંદેશો આવેલ છે કે તેની તાત્કાલીક કાર્યવાહી કરવાની છે.
તે સમયે રાત્રીનાં પોસ્ટ મોર્ટમ થતા નહિ અને ગોધરા રેલવે પોલીસની હદ લગભગ દોઢસો કીલોમીટર જેટલી લાંબી રેલવે લાઈન હતી હંમેશા એક બે લાશો તો ગોધરા પ્લેટ ફોર્મ ઉપર આવી જ હોય, રેલવે ટ્રેકતો જંગલો પહાડોમાંથી પસાર થતી અને તેવામાં લાશ પડી હોય તોજમાદારો માલગાડીમાં રેલવે સ્ટેશનેથી જ સીડી અને સફેદ કાપડ લઈ ને જયાં લાશ પડી હોય ત્યાં જતા વળતા સીડી માલગાડીમાં ગાર્ડની કેબીનમાં ચડાવીને લઈ આવતા. ગોધરામાં કયારેક કયારેક તો પાંચ છ સીડીઓ સફેદ કાપડ લપેટેલી લાશ સહિત પ્લેટ ફોર્મ ઉપર પોલીસ સ્ટેશન બહાર પોસ્ટ મોર્ટમ માટે જવાની રાહમાં પડી હોય!
જયદેવે મામલતદારને કહ્યુંં હા બરાબર હરીયાણાનો એક વિદ્યાર્થી ચાલુ ટ્રેને કોરીડોરમાંથી નીકળીને ફેંકાઈ જતા મરણ થયેલ છે. અને ત્યાં પોલીસ વાળાને મોકલી પણ દીધા છે. મામલતદારે કહ્યું તે વિદ્યાર્થી હરીયાણાના સચીવનો પુત્ર હતો. વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જયદેવે બનાવવાળી જગ્યાની ખાત્રી કરી તો જગ્યા જંગલમાં અસાયડી સ્ટેશનથી દૂર હતી. જયદેવે કહ્યું ભલે હું જાતે જ ત્યાં જાઉ છું.
જયદેવે જીપ ડ્રાઈવરને બોલાવી ડી સ્ટાફને સાથે લઈને અસાયડી આવ્યો. તે સમયે સખત શિયાળો હતો. અને કડકડતી ઠંડી ચાલુ હતી તેમાં પણ આ જંગલ પછી શૂં બાકી હોય ? અસાયડી હોટલ વાળાથી જાણ્યું કે રેલવે પોલીસ જવાન એકાદ કલાક પહેલા અહી ચા પીવા આવ્યો હતો. અને કહેતો હતો. કે અહીથી ઘણી દૂર પૂર્વ દિશામાં લાશ પડી છે તે જવાન ચા પીને તુરત રવાના થયેલો અને કહેતો હતો કે તુરત જ પાછા જવુ પડશે કેમકે જંગલ છે. લાશને શિયાળીયા કે કોઈ જંગલી જાનવર ઉપાડી જશે તો ઉપાધી થશે.
જયદેવને નિરાંત થઈ કે જવાન જાગૃત તો છે. જયદેવ અને તેની ટીમ રેલવે ટ્રેકે ટ્રેકે ચાલતી થઈ લાશ ઘણી દૂર હતી. વળી જંગલ અને પહાડી નદી નાળા વાળો વિસ્તાર હતો તેમજ ટ્રેક ઉપર વારંવાર ટ્રેનો અને માલગાડીઓ પૂર ઝડપે ત્યાથી પસાર થતી જતી હતી મુખ્ય મુશ્કેલી રાત્રીનાં અંધારામાં રેલવેના બ્રીજ અને પુલ ઉપરથી પસાર થવાની હતી કેમકે બ્રીજ ખૂબ જ ઉંચો અને તે બ્રીજ ઉપર બે પાટા વચ્ચેના ભાગે જ સંભાળી સંભાળી ને ચાલવું પડે અને તે કે બીજી ટ્રેક ઉપર પણ ટ્રેન આવે છે કે કેમ તેની પણ ખબર રાખવી પડે જો કયાંક બ્રીજ ઉપર જ ટ્રેન સાથે ભેગા થઈ જવાય તો કાં સીધા ઉપર અથવા નીચે ઉડી નદીમા પાણી, પથ્થર કે જમીન ઉપર પટકાવાનું રહે!
આખરે એક જગ્યાએ રેલવે ટ્રેક મોટો વળાંક લઈ જમણી તરફ વળતો હતો ત્યા ડાબી તરફ ટ્રેકથી થોડે દૂર સફેદ કપડાથી ઢાંકેલી લાશ પડેલી હતી અને સીડી બાજુમાં પડેલી હતી પરંતુ પોલીસ જવાન દેખાયો નહિ જયદેવને થયું કે સખત ઠંડીને કારણે કદાચ કયાંક ઓથે બેઠો હશે તેથી આજુબાજુમાં તપાસ કરી પણ તેનો કયાંય પતો લાગ્યો નહિ બંને બાજુ તો જંગલ જ હતુ તેમાં થોડા થોડા અંતરે તપાસ કરી પણ તે દેખાયોનહિ આગળ ટ્રેક ઉપર પણ એકાદ કિલોમીટર સુધી તપાસ કરાવી પણ તે કયાંય દેખાયો નહિ આથી એવું લાગ્યું કે ઠંડીને કારણે કયાંક દૂર ચાલ્યો ગયો હશે તે તો વાજતે ગાજતે સવારે પોલીસ સ્ટેશને આવી જશે.
ચાલો લાશને સીડીમાં ચડાવી ગોધરા લઈ લો તેમ કહી સફેદ કપડુ હટાવ્યું તો તે કપડામાં એકને બદલે બે લાશ પડેલી હતી ! પોલીસે લાશો હલાવતા એક લાશ સફાળી બેઠી થઈ ગઈ તે પેલો શોધતા હતા તે કોન્સ્ટેબલ હતો. જયદેવે આશ્ચર્ય ચકિત થઈ ગયો, તેણે કહ્યું એલા તું લાશ સાથે સુઈ ગયો? તેણે કહ્યું સાહેબ લાશ રેઢી રખાય તેમ નહતી વળી ઠંડી પણ સખત છે. અને તેમાં ઉંધ આવતી હતી તેથી લાશની પણ સલામતી રહે તેમ બાજુમાં જ સુઈ ગયો હતો. જયદેવને પેલી કાઠીયાવાડી કહેવત યાદ આવી ‘પ્રેમ અને ભુખ ન જુએ નાત કે જાત અને ઉંધ ન જાણે ઘર કે બહાર’ જયદેવ તે વિદ્યાર્થીની લાશ લઈ ગોધરા આવ્યો મામલતદાર હજુ રેલવે સ્ટેશને જ હતા. ગોધરા સિવિલ હોસ્પિટલમાં રાત્રે જ ખાસ કિસ્સામાં લાશનું પોસ્ટ મોર્ટમ થયું અને લાશ સોંપાઈ ગઈ.
એક વખત જયદેવ સ્પેશ્યલ પાર્ટી ચેક કરવા દાહોદના અનાસ સ્ટેશને વહેલી સવારે પહોચ્યો પાર્ટી ચેક કરી અને અનાસ સ્ટેશનેથી રવાના થયા. જીપ લઈને જંગલમાંથી પસાર થતા હતા. ત્યાં રસ્તામાં નવેક વાગી ગયેલા દાહોદ હજુ દૂર હતુ વળી તે દિવસે પણ રવિવાર હતો. અને પેલી મહાભારતની ટીવી સીરીયલનો પણ સમય હતો. સીરીયલ પણ બરાબર જામી હતી ગૂ‚દ્રોણાચાર્ય કૌરવ પાંડવની તે એપીસોડમાં દિક્ષાંત હરીફાઈ, સશસ્ત્ર યુધ્ધ પટ્ટાબાજીની કસોટી લેવાના હતા જયદેવને થયું આજનો એપીસોડતો ગયો.
ત્યાં દૂર જંગલમાં જએક ટેકરા ઉપર એક નાનુ ઝુપડુ કે કુબો હતો અને તેની બહાર એક ખોખા ઉપર ટીવી મૂકી પુકળ આદિવાસી લોકો ગોઠવાઈ ગયેલા હતા. આ જોઈને જયદેવને થયું કામ થઈ ગયું પણ જમાદાર છત્રસિંહે કહ્યું સાહેબ તે લોકો જમીન ઉપર બેસીને જુએ છે. ત્યાં જઈને આપણે શું કરીશું? જયદેવે કહ્યું એકાદ કલાક ઉભા રહીશુ પણ આ હરીફાઈનો એપીસોડ તો જોવા જ છે.
જયદેવ સ્ટાફ સાથે ટેકરા ઉપર ચડયો ત્યાં અમુક વ્યકિતઓ આડા અવળા થવા માંડયા રાત્રે દારૂ પીને શું બબાલ કરી હોય તે પણ તેમને યાદ નહોય ! પણ પોલીસે પુછયું એલા મહાભારત જોવાનું છે? તેથી તેઓને નિરાત થઈ અને એક જણ દોડીને ઝુંપડામાંથી એક મુંઢા જેવું ટેકાવગરનું બેસવાનું આસાન લઈ આવ્યો અને જયદેવને તેની ઉપર બેસાડયો. અમુક પોલીસ જવાનો જનતા સાથે બેઠા અને નેરોકટ પેન્ટ વાળાએ પાછળ ઉભા ઉભા જ ટીવી સીરીયલ જોઈ.
જયદેવ એક અગત્યની તપાસમાં દાહોદ આવેલો ગોધરા પરત જવા માટે સાંજના દહેરાદૂન એક્ષપ્રેસ જ મળે તેમ હતો ટ્રેનને આવવાની ઘણી વાર હતી તે પ્લેટ ફોર્મ નંબર એક ઉપર ચોકીની બહાર ખુરશી નાખીને બેઠો હતો. સામે બે નંબરનાં પ્લેટફોર્મ ઉપર સાધુ બાવાની આઠ દસ સભ્યોની ભગવાધારી ટોળીએ ચુલા મંગાળા બનાવી રસોઈ બનાવી રહી હતી જયદેવને જીજ્ઞાસા થઈ કે આ લોકો શું રાંધે છે.
અને કઈ રીતે બનાવે છે તે જોવા માટે સીડી ચડી ને બે નંબર પ્લેટ ફોર્મ ઉપર આવ્યો સાધુની ટોળી જે રીતે સમુહમાં કાર્યરત હતી. તે જયદેવે ધીમેધીમે બાજુમાં ચાલતા ચાલતા ત્રાંસી આંખે જોતો ગયો તેમાં એક સાધુ તેનો મુખ્યાજી જણાયો, ઉંમરમાં તો નાનો જણાતો હતો પરંતુ દરેકને સુચના કરતો જતો હતો.
જયદેવ થોડે દૂર થઈ પાછો વળી તેજ જગ્યાએથી પસાર થતા આ જમાતની ગતિવિધિ જોતો જોતો ચાલ્યો ગયો સીડી પાસે પહોચ્યો ત્યાં પેલા મુખ્યા સાધુએ જયદેવને સાદ પાડયો કે સાહેબજી એક મીનીટ રોકાજો જયદેવ ઉભો રહ્યો એટલે તેઓ જયદેવ પાસે આવ્યા અને પોતાની કફનીના ખીસ્સામાંથી બે રૂદ્રાક્ષના પારા આપ્યા તે જયદેવે જોયા એક દ્વિમૂખી અને અકે પંચ મુખી રૂદ્રાક્ષ હતો. જયદેવે સાધુને દક્ષીણા આપી ને પુછયું કયાંથી આવ્યા અને કયાં જવાના ? તેમણે કહ્યું ‘ સાધુ ચલતા ભલા’ તેના કોઈ ઠેકાણા થોડા હોય? પણ આ જમાત હરદ્વાર કુંભમેળામાં જાય છે. અમે સાધુ બીજાનું રાંધેલું જમતા નથી એટલે આજના દિવસનું ભોજન આજે લઈને રવાના થઈ જઈશુ તે પછી જમવાનું હરદ્વાર જઈને તેમ કહી તે ચાલતા થયા. જયદેવ સીડી ચડી પ્લેટ ફોર્મ નંબર એક ઉપર પાછો ખુરશી ઉપર આવી ને બેસી ગયો જયદેવે કોન્સ્ટેબલને પાણીનો ગ્લાસ લાવવાનું કહ્યું તે દોડીને ચોકીમાંથી કાચનો ગ્લાસ પાણી ભરીને લઈ આવ્યો.
જયદેવને રૂદ્રાક્ષ સાચા ખોટા અંગેના પરિક્ષણનો ખ્યાલ હતો. સાચો રૂદ્રાક્ષ પાણીમાં ડુબી જાય અને બનાવટી ખોટો ‚દ્રાક્ષ હોય તે પાણીંમાં તરતો રહે છે. તેણે બંને પારા પાણીના ગ્લાસમાં નાખ્યા તો એક પારો તર્યો અને એક ડુબી ગયો જયદેવે કરેલુ આ પરીક્ષણ સામે જ બે નંબર પ્લેટફોર્મ ઉપર પેલાસાધુ જોતા હતા તેથી તેઓ સીડી ચડીને આવવા ને બદલે સીધા પાટા ઓળંગીને જયદેવ પાસે આવી ગયા અને કહ્યું સાહેબ જે રૂદ્રાક્ષ તર્યા છે તે કાચો છે. તેથી તર્યો છે. જયદેવને તેમાં બહુ રસ હતો નહિ પણ જયદેવની બાજુમાં બાકડા ઉપર બેઠેલા જમદાર ઉભા થઈ ને સાધુને જગ્યા આપી દીધી એટલે સાધુ ત્યા બેઠા જયદેવને તો ટ્રેન આવે ત્યાં સુધી સમય જ પસાર કરવા નો હતો.સાધુ ધાર્મિક વાતો એ વળગ્યા.
દરમ્યાન દાહોદ આર.પી.એફ.ના ઈન્સ્પેકટર દશોરા અને રતલામ આર.પી.એફ. ક્રાઈમ ઈન્સ્પેકટર યાદવ ત્યાંથી પસાર થતા તેમણે જયદેવને ગુડઈવનીંગ કહ્યા જયદેવે પણ સામે ગુડવિશ કર્યું. દશોરાએ થોડીઘણી ચર્ચા કરી તેમની કચેરીએ આવવા કહ્યું જયદેવે કહ્યું હવે પછી દાહોદ આવીશ ત્યારે હું ચોકકસ તમારી ઓફીસે આવીશ તેથી કદાચ દશોરાને સારૂ ન લાગ્યું અને બોલ્યા કે ‘સાહેબ ગોળ હોય ત્યાં માખીઓ તો આવી જ જાય.’ આથી પેલા સાધુ કાળજાળ થઈ ગયા પણ જયદેવે શાંત રહેવા ઈશારો કર્યો.
પેલા બંને જણા ચાલ્યા ગયા. સાધુ થોડીવાર કાંઈ બોલ્યા નહિ પછી તેઓ એ કહ્યું ‘આ લોકો શું અમને માગણ ભીખારી સમજે છે? જયદેવે વાત ફેરવવા કોશીષ કરી પરંતુ તેમણે કહ્યું પોલીસ ચોકીની અંદર ચાલો જયદેવ અને જમાદાર પોલીસ ચોકીમાં ગયા. તેમણે જમાદારને ચોકીનો દરવાજો બંધ કરવાનું કહ્યું જમાદારે જેવો દરવાજો બંધ કર્યો ત્યાં સાધુએ તમામ કપડા કાઢી નાખ્યા અને કહ્યું ‘સાહેબ આવા પાખંડીઓ ને કારણે અમારે નાગાબાવાઓએ હવે વસ્ત્રો ધારણ કરવા પડે છે. તેમણે કમરે બાંધેલ લોખંઠનહી સાંકળ છોડીને તેનો એક છેડો જમાદારને પકડાવીને કહ્યું તમારામાં તાકાત હોય તેટલુ ખેંચો સાંકળનો બીજો છેડો લોખંડના અકે ગોળ કડા સાથે જોડાયેલો હતો.
અને કડુ સાધુની ઈન્દ્રીયમાં કાણુ પાડી તેમાંથી પસર કરી વેલ્ડીંગ કરી ફીટ કરેલું હતુ. જયદેવને ખાસ આશ્ચર્ય થયું નહિ કેમકે જયદેવે જૂનાગઢ ગીરનારમાં શિવરાત્રીનાં મેળમાં નાગા સાધુઓ જોયેલા તેમજ તે નાનો હતો ત્યારે ગામડે અમુક સાધુઓ જમીનમાં ઉંડો ખાડો ખોદી તેમાં દેવતા અગ્ની નાખી પછી તેમાં માથુ નાખી ખાડામાં મોઢુ માટી વડે બુરી દઈ અને ફકત છાતીથી નીચેનો શરીરનો ભાગ બહાર રાખી આખો દિવસ તેજ અવસ્થામાં પડી રહેતા તે પણ જોયેલું તેથી આવા અનુભવો હતા જ. સાધુએ કહ્યું આ પ્લેટ ફોર્મ ઉપર જે ભગવાધારી જમાત પડી છે તે તમામ નાગાસાધુ છે. પણ હાલમાં કળીકાળ ને અનુરૂપ અમે પણ થઈ ગયા છીએ અમે વસ્ત્રો ધારણ કરવા માંડયા છે.
જયદેવ મનમાં વિચારતો હતો કે કેવો સમય આવ્યો છે. સમાજમાં માણસો કપડા ઉતારતા જાય છે. અને નાગા સાધુ કપડા પહેરતા જાય છે!