સેન્ટ્રલ સ્ટોરમાં ૩૫૧ આઈટમના સ્ટોક વેરીફીકેશનમાં ૮૦ આઈટમોના સ્ટોકમાં ઘટાડો અને ૯૨ આઈટમના સ્ટોકમાં વધારો જોવા મળ્યો: સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડે સરપ્રાઈઝ વેરીફીકેશન કરવા મ્યુનિ.કમિશનરને લખ્યો પત્ર
રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ સ્ટોર (વોટર વર્કસ)(બાંધકામ)નું ૧૨ વર્ષ બાદ ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભયંકર ક્ષતિઓ સામે આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ ચોંકી ઉઠયા હતા. સેન્ટ્રલ સ્ટોરમાં સરપ્રાઈઝ વેરીફીકેશન હાથ ધરવા તેઓએ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીને પત્ર લખી રજુઆત કરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ૧૨ વર્ષના લાંબા અંતરાર બાદ મહાપાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભયંકર ગોટાળા સામે આવ્યા છે. સેન્ટ્રલ સ્ટોરમાં ૩૫૧ આઈટમોના સ્ટોકનું વિઝીકલ વેરીફીકેશન કરવામાં આવતા ૮૦ આઈટમોના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો. આટલું જ નહીં ૯૨ આઈટમોના સ્ટોકમાં વધારો જોવા મળ્યો હતો આ વધારો કેવા સંજોગોમાં થયો છે તે પણ વિચાર માંગી લેતો પ્રશ્ર્ન છે. સ્ટોરમાં બિનકાર્ડ પઘ્ધતિ અમલમાં નથી જો બિનકાર્ડ પ્રથા નિયમાનુસાર રાખવામાં આવે તો માલનો સ્ટોક ખરેખર કેટલો છે તે તુરંત અને ચોકસાઈ પૂર્વક જાણી શકાય છે.
જે-જે જુનો નોનયુઝેબલ માલ પરત આવે તો તેનું અલગ રજીસ્ટર્ડ આઈટમ બાદ અંદાજીત કિંમત સાથે તૈયાર કરી રજુ કરવા વેરીફીકેશન રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. હજુ સુધી આવું કોઈ જ રજીસ્ટર્ડ બનાવવામાં આવ્યું છે. સેન્ટ્રલ સ્ટોર (વોટર વર્કસ) (બાંધકામ) હસ્તકના દરેક માલ-સામાનના સ્ટોક રજીસ્ટરોમાં મ્યુનિસિપલ એકટ કોડની કલમ ૧૩૮ મુજબ ખાતાના વડા અમલદારે વર્ષમાં ઓછામાં ઓછું એક વખત ભૌતિક ખરાઈ કરવી જોઈએ જે કયારેય કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સેન્ટ્રલ સ્ટોરમાં કમ્પાઉન્ડમાં વોટર વર્કસ અને બાંધકામ બંને વિભાગના માલ-સામાન રાખવામાં આવે છે. દરેક શાખાના માલ-સામાન અલગ-અલગ જગ્યાએ રાખવા માટે જગ્યા મુકરર કરવા ઓડિટ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે પરંતુ આજસુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્ટોર્સમાં વધ-ઘટ અંગેની જરૂરી તપાસ તથા હિસાબ મેળવવાના બદલે જરૂરી મંજુરી સિવાય વધ-ઘટ રજીસ્ટર કરી હિસાબો લખવામાં આવે છે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.
માલ-સામાનનો વઘઘટ શા માટે થાય છે તેની પણ કોઈ માહિતી નથી. સ્ટોરમાંથી જુદા-જુદા વોર્ડના સાઈટ અધિકારીઓ તથા કર્મચારીઓના નામે માલ-સામાન લેવામાં આવે છે તે માલ-સામાન કયાં કેટલો વપરાયો અને અધિકારી કે કર્મચારી પાસે કેટલો સામાન ઉપલબ્ધ છે તેની કોઈ વિગત સ્ટોર પાસે હાલ ઉપલબ્ધ નથી. સ્કીમ માટે જરૂરી માલ-સામાન સ્ટોર્સમાંથી લઈ વાપરવાના બદલે સીધી ખરીદી સ્થળ પર મંગાવીને વાપરવામાં આવે છે. વોટર વર્કસ સ્ટોરના તમામ રજીસ્ટર સિકકા રજીસ્ટરે નોંધાવ્યા નથી.
સેન્ટ્રલ સ્ટોર વિભાગ (વોટર વર્કસ) (બાંધકામ) ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વર્ષ ૨૦૧૮-૧૯માં વેરીફીકેશન કરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે મ્યુનિ.બંછાનિધી પાનીને પત્ર લખી રજુઆત કરી છે.