સુરતથી શનિ-રવિવારની રજા માણવા ગયેલા યુવક-યુવતીનું પોલીસ સાથે ઘર્ષણ
શનિ-રવિવારની રજા માણવા સુરતીઅો દમણ આવતા હોય છે જોકે, દમણથી પરત ફરતી વખતે રાજાપાઠમાં આવેલા સુરતીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના બનાવો છાસવારે બનતા રહેતા હોય છે. રવિવારે સાંજે તો હદ થઇ ગઇ હતી જ્યારે ઉદવાડાના ઝંડા ચોક વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ સુરત પાસિંગની એક કારને ઊભી રાખવાનો ઇશારો કરતા જ ચાલક કારમાંથી નીચે ઉતરીને પોલીસ જવાનને તમાચો મારી દીધો હતો. બાદ કારમાં સવાર મહિલા-પોલીસ વચ્ચે જાહેરમાં મારામારી ઉપર ઉતરી આવતાં કોઇકે આ મારામારીને વીડિયો ઉતારીને વાઇરલ કરી દીધો હતો.
TRBના જવાન પાસે તો સત્તા જ ન હોવા છતાં બળપ્રયોગ કર્યો
સુરતના રાંદેર સ્થિત ખોડિયાર નગરમાં રહેતા શોહેબ અબ્દુલરઝાક સોલંકી રવિવારે તેમના પરિવાર સાથે દમણ ફરવા માટે આવ્યા હતા. રવિવારે સાંજે તેઓ સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે ઉદવાડા ઝંડાચોક નજીક પારડીના કોન્સ્ટેબલ હિતેશ રમેશભાઇ તથા ટીઆરબીનો જવાન ત્યાં ફરજ બજાવતા હતા. પોલીસ જવાન હિતેશે શોહેબને લાકડીનો ઇશારો કરીને કારને ઊભી રાખવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, શોહેબે થોડે દૂર જઇને કાર ઊભી રાખતા હિતેશ એકદમ ઉશ્કેરાય જઇને ગાડી કેમ ઊભી ન રાખી કહીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેમાં કાર ચાલકે પોલીસ કોન્સ્ટેબલ હિતેશને એક તમાચો મારી દીધો હતો.
લોકોમાં તમાશો બન્યો…
આ બધા વચ્ચે મામલો વધુ ગરમાયો હતો અને હિતેશ તથા ટીઅારબીના જવાને શોહેલ તથા તેમના પરિવારની મહિલા સભ્યને જાહેરમાં જ ધોલાઇ કરી નાંખી હતી. આ ઉપરાંત હિતેશે તાત્કાલિક અન્ય પોલીસવાળાને પણ બોલાવીને જાહેરમાં જ ઢોર માર મારતાં થોડા સમય માટે લોકોને જાહેરમાં પોલીસ અને પબ્લીક વચ્ચેની મારામારી જોવાનો તમાશો મળી ગયો હતો. બનાવ સ્થળે હાજર કોઇ ઇસમે પોલીસ અને સુરતના યુવક-યુવતીઓ વચ્ચે જાહેરમાં થયેલી મારામારીની ઘટનાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી.
પારડી પોલીસે દારૂના નશાનો ગુનો નોંધ્યો…
આ કેસમાં પારડી પોલીસે કારચાલક શોહેલ સોલંકી સામે માત્ર દારૂનો નશો કરીને કાર ચલાવવા અંગેનો ગુનો નોંધ્યો હતો. જો કે, તેમની ટવેરા કારમાંથી દારૂ કે અન્ય નશાકારક પદાર્થ મળ્યા ન હતા.
દારૂનો ગુનો નોંધો, મહિલાને શા માટે મારી…?
મારા જીજાજી શોહેલે બિયર પીધો હતો. જોકે, નશામાં પોલીસને તમાચો મારી દીધો હતો. ત્યારબાદ પોલીસે મહિલા અને અન્ય ઇસમોને દોડાવી દોડાવીને લાકડાના ફટકાથી માર્યા હતા. ઉપરાંત ચોકીમાં લઇ જઇને પણ ઢોર માર માર્યો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇતી હતી. આમ જાહેરમાં મહિલા સાથે પણ મારા મારી કરવી કેટલી યોગ્ય- તબસ્સૂમ સોલંકી, ભોગ બનનાર, સુરત