તાજેતરમાં કેનેડાના વિખ્યાત મહાનગર વેનકુવર ખાતે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં વિશ્વભરના સંસ્કૃતના વિદ્વાનો એકત્રિત થઈને ભારતની આ પ્રાચીન ભાષાનું ગૌરવ ઉજાગર કરી રહ્યા છે. તા. 9 થી 13 જુલાઈ દરમ્યાન યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે યોજાઈ રહેલા આ સંસ્કૃતના મહાકુંભ સમા અવસરે પશ્ચિમ જગતની પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ અને ભારત સહિત પૂર્વીય જગતના પ્રકાંડ વિદ્વાનો સંસ્કૃત ભાષા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના વિવિધ વિષયો પર ગહન વિમર્શ કરી રહ્યા છે.
તા. ૯ અને ૧૦ દરમ્યાન આ વિશ્વ સંસ્કૃત સંમેલનના મંચ પરથી એક ગૌરવવંતી ઘટના ઘટી હતી. પ્રાચીન ભારતીય વેદાંતની પરંપરામાં શ્રીમદ્ આદિ શંકરાચાર્ય, શ્રીમદ્ રામાનુજાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ્ નિમ્બાર્કાચાર્ય વગેરે જેવા મહાન આચાર્યોએ નૂતન તત્ત્વજ્ઞાન આપીને ભારતીય તત્ત્વજ્ઞાનની વિશાળતા અને વિવિધતાનો પરિચય કરાવ્યો છે. એ જ પરંપરામાં વિશ્વ સંસ્કૃત સંમેલનના મંચ પરથી ૨૧મી સદીના એક નૂતન મૌલિક વેદાંત-આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું હતું.
તા. ૯ જુલાઈની સવારે યુનિવર્સિટીના ચાન સેન્ટરના ભવ્ય સભાગૃહમાં કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહના એક ભાગ રૂપે, ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન પર એક ખાસ સત્ર યોજવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહના આ સત્રના મંચ પર જગપ્રસિદ્ધ વિદ્વાન અને પશ્ચિમી જગતના ‘પાણિનિ’ તરીકે ગણાતા શ્રી જ્યોર્જ કાર્ડોના, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના પ્રકાંડ વિદ્વાન શ્રી અશોકજી અકલુજકર, ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના અધ્યક્ષ શ્રી કુટુંબ શાસ્ત્રી તથા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીજી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના પ્રમુખ વક્તા તરીકે પ્રસ્થાનત્રયી(ઉપનિષદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર)ના અભિનવ ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી હતા.
સમારોહના પ્રારંભે ભૂમિકા બાંધતાં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વિદ્વાન શ્રી દેવેન પટેલે જણાવ્યું હતું કે, ‘વિશ્વ સંસ્કૃત સંમેલન નૂતન આવિષ્કારોને આવકારે છે. આપણા આધુનિક સમયમાં એવો એક નૂતન આવિષ્કાર આ અક્ષરપુરુષોત્તમ દર્શન છે. તેને આપણે આવકારીએ છીએ. સંસ્કૃત ફિલોસોફીના ક્ષેત્રે થયેલી આ અદ્ભુત ઐતિહાસિક તથા નૂતન સિદ્ધિને સત્કારતાં વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ ગૌરવ અનુભવે છે. છેલ્લાં ૧૨૦૦ વર્ષમાં કોઈ એક જ આચાર્યે સંપૂર્ણ પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો અને વાદગ્રંથ લખ્યો હોય તો તે માત્ર ભદ્રેશદાસ સ્વામી છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય જેવા મહાન આચાર્યોની પરંપરાના ભાષ્યકાર ભદ્રેશદાસ સ્વામી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે.’
ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના ઓર્ગેનાઇઝીંગ કમિટીના સભ્ય અને વિખ્યાત વિદ્વાન શ્રી અશોક અકલુજકરજીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘મારા જીવનમાં જેમને મળતાં હું સૌથી વધુ પ્રભાવિત થયો હોઉં એવા એક વિદ્વાન પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી છે. તેમની પ્રકાંડ વિદ્વત્તા નીરખતાં મુખ પહોળું થઈ જાય છે. તેમણે લખેલાં પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો ખરેખર એક ખૂબ મોટી સિદ્ધિ છે. આવા મહાન ભાષ્યકારનું આપણી વચ્ચે હોવું તે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ માટે ખૂબ ગૌરવનો વિષય છે. તેમણે લખેલાં ભાષ્યો અને વાદગ્રંથના આધારે કાશી વિદ્વત્ત્ પરિષદે ભગવાન શ્રી સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાનને મૌલિક વેદાંત – ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ તરીકે સમર્થન આપ્યું હતું. આજે એ જ રીતે આ વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સનો મંચ પણ અક્ષરપુરુષોત્તમ દર્શનને એક મૌલિક તત્ત્વજ્ઞાન તરીકે વધાવે છે અને તેનું ગૌરવ અનુભવે છે. ’
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત અને સંસ્કૃત તથા વેદાંતના પ્રખર વિદ્વાન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ‘આ અક્ષરપુરુષોત્તમ દર્શન ભગવાન સ્વામિનારાયણની એક મૌલિક ભેટ છે, આ નામાભિધાન આપીને મહાન સંત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આજથી સો વર્ષ પહેલાં તેનો ઉદ્ઘોષ કર્યો હતો. અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી આ અક્ષરપુરુષોત્તમ દર્શન પર મૌલિક ભાષ્યો રચી શક્યો છું, તેમનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.’ એમ કહીને તેમણે સરળ અને સમૃદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રભાવક સંબોધન કરીને ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતોના આધારે વૈદિક અક્ષરપુરુષોત્તમ દર્શનની અદ્ભુત સમજૂતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘અક્ષરપુરુષોત્તમ દર્શનનો સાર એટલો જ છે કે પુરુષોત્તમ પરમાત્માની અક્ષરરૂપ થઈને દાસભાવે ભક્તિ કરવી. અક્ષરબ્રહ્મના પ્રગટ સ્વરૂપ સમાન ગુરુ દ્વારા આ આધ્યાત્મિક દર્શન જીવનમાં સિદ્ધ થાય છે.’
યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રસિદ્ધ વિદ્વાન શ્રી જ્યોર્જ કાર્ડોનાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ‘શાસ્ત્રીય સંસ્કૃત ભાષ્યોની પરંપરામાં ભદ્રેશદાસ સ્વામી દ્વારા લિખિત પ્રસ્થાનત્રયીનાં ભાષ્યો ખૂબ અસરકારક અને સ્પષ્ટતાથી અક્ષર અને પુરુષોત્તમની અદ્ભુત સમજ આપે છે.’
આજના આ ઐતિહાસિક મહાસંમેલનને સંબોધતાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીએ સંસ્કૃતમાં આશીર્વચન ઉચ્ચારીને સંસ્કૃત ભાષાના મહાન પુરસ્કર્તા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ સાથે તેમને ભાવાંજલિ અર્પી હતી.
સમારોહના અંતે ઉપસ્થિત વિદ્વાનોએ તાળીઓના પ્રચંડ નાદથી, વિશ્વ સંસ્કૃત સંમેલનના મંચ પરથી ઉદ્ઘાટિત થયેલા પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્ય અને વાદગ્રંથ ‘સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા’ને વધાવીને અક્ષરપુરુષોત્તમ દર્શનનાં ઉમળકાભેર વધામણાં કર્યાં હતાં.