મીઝલ્સ (ઓરી)ને નાબુદ કરવા તથા રૃબેલા (નુરબીબી)ને નિયંત્રણ કરવા રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ અન્વયે જામનગર શહેર-જિલ્લામાં પણ તા. ૧૬-૭-૧૮થી રસીકરણ કાર્યક્રમ યોજાશે.
જેમાં જામનગર શહેરમાં ૧ લાખ ૭૬ હજાર અને જિલ્લામાં ૧ લાખ ૮૮ હજાર બાળકોને રસીકરણ કરવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
આ અભિયાન અન્વયે જામનગર શહેરમાં ૧ લાખ ૭૬ હજાર બાળકોને રસીકરણ કરવામાં આવશે. નવ માસથી ૧૫ વર્ષ સુધીની વય જુથના બાળકોને આ રસીકરણમાં આવરી લેવામાં આવશે. ૧૧૦ સરકારી, ૧૭૬ ખાનગી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને ૧૨ આરોગ્ય કેન્દ્રમાં આ રસીકરણ કાર્યક્રમ યોજાશે.
આ માટે જામનગર શહેરમાં ૧૦૦ જેટલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ૩૦૦થી વધુ આંગણવાડી બહેનો અને શાળાના નોડેલ શિક્ષક, આચાર્યો સતત કાર્યરત બન્યા છે. તો જામનગર જિલ્લામાં ૧,૮૮,૫૮૬ બાળકોને આ રસીકરણ હેઠળ આવરી લેવામાં આવશે. જેમણે અગાઉ આ ડોઝ લીધો છે તેમણે પણ વધારાનો ડોઝ લેવાનો રહેશે. આ રસીકરણથી કોઈ જ પ્રકારનું નુકસાન થતું નથી.
જિલ્લામાં ૧૮૫ વેક્સીનેટરમાં રસીકરણ થશે. શિક્ષણ વિભાગના ૧૯૫૦ આચાર્યો, નોડલ શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાશે. ઉપરાંત આંગણવાડીના ૯૦૦ કાર્યકરો, ૭૦૦ આશા વર્કર કાર્યકરો પણ આ કાર્યક્રમમાં સહભાગી થશે.
તાલુકા પ્રમાણે જોઈએ તો જોડીયામાં ૧૪૪૧૪, ધ્રોલમાં ૨૧૨૧૮, લાલપુરમાં ૩૧૭૩૭, કાલાવડમાં ૨૯,૧૩૭, જામનગર તાલુકામાં ૬૨૮૪૦ અને જામજોધપુરમાં ૨૯૨૪૦ લાભાર્થીઓને રસીકરણ થશે. આમ કુલ ૧૮૮૫૮૬ લાભાર્થીઓને આ રસીકરણનો લાભ અપાશે. આ માટે એમઆરના કુલ ૨૩૫૬ સેસન્સ થશે. આ પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર રવિશંકર, જિલ્લા વિકાસ અધિકારી પ્રસસ્તી પારિક, મ્યુનિ. કમિશનર આર.બી. બારડ, જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.