અમદાવાદ, રાજકોટ અને વડોદરા ત્રણ શહેરોમાં હાલ આર્મી, નેવી અને એરફોર્સ વીંગ્સની એનસીસી તાલીમ ઉ૫લબ્ધ
જામનગર શહેર અને જિલ્લાભરના છાત્રો હવે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વાંગી વિકાસમાં કદમતાલ મેળવી શકશે તે દિવસો દૂર નથી. કારણ કે જામનગરમાં એનસીસી એકેડમી બનાવવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.
ગુજરાતમાં એનસીસીના મુખ્યાલયની ઓફિસ એડિશનલ ડાયરેક્ટોરેટ જનરલ, ગુજરાત દાદરાનગર હવેલી, દીવ એન્ડ દમણ, અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ બિગ્રેડિયર આર.કે. મગોતરાએ ’નોબત’ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજપીપળામાં છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત અને રાજકોટમાં ગયા વર્ષે એનસીસી એકેડમીના પાયા રોપાયા છે તે જ પ્રકારે જામનગર શહેર-જિલ્લાના શાળા અને કોલેજના છાત્રો એનસીસીની તાલીમાર્થી સર્વાંગી વિકાસ પ્રાપ્ત કરી શકે તે માટે જામનગરમાં એનસીસી એકેડમીની સ્થાપના થશે.
આ એનસીસી એકેડમીની સ્થાપના માટે જામનગરમાં જગ્યાની ફાળવણી માટે જામનગરના જિલ્લા કલેક્ટર રવિશંકર અને એનસીસીના વરિષ્ઠ અધિકારીની ઔપચારિક મુલાકાત થઈ ચૂકી છે અને આ એનસીસી એકેડમી બનાવવા માટે જામનગરમાં વિશાળ અને યોગ્ય જગ્યા શોધવાના વિકલ્પોની ચર્ચા પણ થઈ રહી છે. બે થી ત્રણ વર્ષમાં એનસીસી એકેડમીની સ્થાપનાની કામગીરી પૂર્ણ થવાની શક્યતાઓ છે. આ એકેડમીમાં શહેર અને જિલ્લાભરના છાત્રો આર્મી, નેવી વીંગ્સની એનસીસીની તાલીમ તો મેળવી જ શકશે ઉપરાંત જામનગરમાં પ૪ વર્ષથી માત્ર એનસીસીની આર્મી વીંગ હતી, ગયા વર્ષે તેમાં નેવી વીંગ ઉમેરાઈ છે અને એકેડમી બનતા એકેડમીના વિશાળ સંકુલમાં એરફોર્સ વીંગ્સ પણ ઉપલબ્ધ થઈ શકશે.
હાલમાં, જે છાત્રોને જામનગરમાંથી એરફોર્સ એનસીસી વીંગમાં જોડાવું હોય તો તેમને તાલીમ માટે ભાવનગર યુનિટમાં જવું પડે છે, પરંતુ જામનગરમાં એકેડમીની સ્થાપના પછી ઘરઆંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થશે. એરફોર્સ વીંગ્સ ઉમેરવા માટે ફ્લાઈંગ પ્રેકટિસ માટેની એરસ્ટ્રીપની આવશ્યક્તાનો મુદ્દો પણ આવશ્યક બની રહે છે.
જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકરે પણ ’નોબત’ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે, એનસીસીની પ્રવૃત્તિઓને વેગ આપવા મારાથી બનતા તમામ પ્રયાસો કરીશ. હાલમાં એનસીસીના આર્મી યુનિટ, ગ્રુપ હેક્વાર્ટર માટે લાલબંગલામાં ઓફિસ ફાળવવામાં આવી છે. ભવિષ્યમાં અન્ય યુનિટ્સની વહીવટી કામગીરી માટે પણ મેં જગ્યાના વિકલ્પો વિચારી રાખ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં એનસીસી આર્મી યુનિટની સ્થાપના ૧૯૬૪ ના વર્ષમાં થયા પછી છેક ગયા વર્ષે જામનગરમાં એનસીસીનું નેવલ ઉમેરાયું છે અને એરફોર્સ વીંગ્સ હજુ પણ ઉમેરાવાની બાકી છે.
તેથી જામનગરના એનસીસી કેડેટ્સ, શાળાઓ, કોલેજો, વાલીઓ, શિક્ષણ જગતના માંધાતાઓ એ તમામની એવી હાર્દિક ઈચ્છા છે કે હવે એનસીસી એકેડમી બનવાનું કામ અને એરફોર્સ એનસીસી વીંગ્સ શરૃ થવાનું કામ ગોકળગાયની ગતિએ નહીં, પણ જેટસ્પીડે થાય. કારણ કે શાસકોની કામ કરવાની ઢીલી નીતિ અને જામનગરની જનતાની જેટલું છે તેટલામાં ચલાવી લેવાની નીતિને બદલીને હવે જુસ્સાથી વિકાસના કામોમાં લાગવાનો સમય આવી ચૂક્યો છે. એનસીસી એકેડમીમાં તૈયાર થનારા જામનગર શહેર અને જિલ્લાભરના છાત્રો જામનગરને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગૌરવ અપાવી શકશે અને છાત્રોનો જે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ છે તે તો અમૂલ્ય બાબત જ છે કારણ કે સાચા અર્થમાં વિદ્યાર્થીઓ જ ભારતનું સોનેરી ભવિષ્ય છે. દરેશ શાળા અને કોલેજોના નોટીસ બોર્ડ એનસીસીની ગૌરવભરી અને જીવનોપયોગી તાલિમની ઝલકોથી ભરપૂર રહે તે જ જામનગરના વર્તમાન સમયની માંગ છે.
હાલમાં, ગુજરાતમાં એડીશનલ ડાયરેક્ટર જનરલ તરીકે મેજર જનરલ રોય જોસેફ ગુજરાત દાદરાનગર હવેલી, દીવ એન્ડ દમણ, અમદાવાદમાં રાજ્યકક્ષાના એનસીસી મુખ્યાલયના વડા તરીકે કાર્યભાર સંભાળે છે. આ મુખ્યાલયના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્યના પાંચ ગ્રુપ હેડક્વાર્ટર્સ જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને વલ્લભવિદ્યાનગર કામગીરી કરે છે. આ દરેક ગ્રુપ હેડક્વાર્ટર્સ તેની અંતર્ગત આવેલા જુદા-જુદા યુનિટ્સના આર્મી, નેવી, એરફોર્સ વીંગ્સના કેડેટ્સને તાલીમ આપે છે. જેમ કે, જામનગરના એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના અંતર્ગત એક યુનિટ તરીકે સૈનિક સ્કૂલ બાલાચડીના વિદ્યાર્થીઓ પણ તાલીમ લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ એકેડમી ગુજરાતની ત્રીજા નંબરની રાષ્ટ્રીય કક્ષાની એકડમી બનશે.
અમદાવાદ, રાજકોટ અને વડોદરા એમ ત્રણેય સ્થળોએ હાલમાં ગુજરાતમાં આર્મી, નેવી, એરફોર્સ એમ ત્રણેય વીંગ્સની એનસીસી તાલીમ ઉપલબ્ધ છે જેમાં હવે જામનગર ઉમેરાશે. એનસીસી એકેડમી એટલે એવું વિશાળ સુવિધા સભર સંકુલ કે જેમાં મોટું પરેડ ગ્રાઉન્ડ, ફાયરીંગ રેન્જ, લોજીંગ-બોર્ડીંગ, ફ્લાઈંગ પ્રેક્ટીસ માટેની રન-વે સ્ટ્રીપ, વહીવટી ઓફિસ, મેપરીડીંગ તથા કેમ્પીંગની સુવિધા એમ તમામ પાસાઓનો એક જ સ્થળે સમાવેશ કરવામાં આવ્યો હોય, જેમાં એનસીસીના ત્રણેય વીંગ્સના છાત્રો તાલીમ લે છે.