જામનગરની પટેલ કોલોનીમાંથી એક યુવતીના હાથમાં રહેલો મોબાઈલ ઝૂંટવી બે શખ્સો અંધારામાં ઓગળી ગયાની ફરિયાદ કરાઈ છે. જ્યારે કાલાવડમાં પાનના વેપારીને વાતોમાં ભોળવી રાજકોટના બે શખ્સો ચૂનો ચોપડી ગયાનું પોલીસ દફતરે જાહેર થયું છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારના છેવાડે આવેલી લાલબહાદુર શાસ્ત્રી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ શામજીભાઈ સાકરિયા નામના પ્રૌઢની પુત્રી પ્રતિભા ગઈ તા.૧૮ જૂનની સાંજે સાતેક વાગ્યે ચાલીને પટેલ કોલોની શેરી નં.૮માંથી પસાર થતી હતી ત્યારે અચાનક બાજુમાં એક્ટિવા જેવું કાળા રંગનું કોઈ સ્કૂટર લઈને આવેલા બે અજાણ્યા શખ્સોએ ઝૂંટ મારી પ્રતિભાના હાથમાંથી રૂ.૧૦ હજારની કિંમતના મોબાઈલની લૂંટ ચલાવી હતી.
અચાનક બનેલા બનાવથી હેબતાયેલી આ યુવતીએ બૂમ મારી પરંતુ તે પહેલા બન્ને શખ્સો અંધારામાં નાસી ગયા હતા જેની શનિવારે મુકેશભાઈએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે બે શખ્સો સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.કાલાવડના ગોવિંદપરા વિસ્તારમાં રહેતા અને ધોરાજી રોડ પર આરાધના પાન નામની દુકાન ચલાવતા નથુભાઈ ધનજીભાઈ ફળદુ નામના સાંઈઠ વર્ષના વૃદ્ધ પોતાની દુકાને હતા ત્યારે રાજકોટના થોરાળામાં રહેતો અનવર સતાર ઘાંચી અને સલીમ ગજુમિંયા કાદરી નામના બે શખ્સો છૂટા પૈસા લેવા માટે આવ્યા હતા.
ત્યાર પછી આ શખ્સોએ નટુભાઈને વાતોની માયાજાળમાં ફસાવી તેઓનું ધ્યાન ચૂકાવી દઈ દુકાનમાં પડેલી ચલણી નોટો ભરેલી એક થેલીની ઉઠાંતરી કરી લીધી હતી. આ થેલીમાં નથુભાઈએ રૂ.૩૦ હજાર રોકડા રાખ્યા હતા. આ બનાવ ગયા માર્ચ મહિનામાં બન્યા પછી ગઈકાલે નથુભાઈએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને શખ્સો સામે આઈપીસી ૩૭૯, ૧૧૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.