રાજકોટ જિલ્લા પંચાયતનાં સભ્યો કોંગ્રેસના સનિષ્ઠ સૈનિકો હોવાનો પ્રમુખ હિતેષ વોરાનો હુંકાર
કહેવાતા બાવળીયા જુથના તમામ સભ્યો કોંગ્રેસને વફાદાર, જિલ્લા પંચાયત તુટશે તેવી અટકળોથી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરીયો ધારણ કર્યા બાદ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. કુંવરજીભાઈ બાવળીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા જિલ્લા પંચાયતનું શાસન તુટશે તેવી અટકળો વહેતી થઈ હતી જેના પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા તેમજ કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાએ જિલ્લા પંચાયતના સભ્યોને સાથે રાખી પત્રકાર પરીષદ સંબોધી હતી. જેમાં અર્જુનભાઈ ખાટરીયાએ રાજકોટ જિલ્લા પંચાયતને ઉની આંચ નહીં આવે તેવો દાવો કર્યો હતો.
જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરીયાએ જણાવ્યું હતું કે, આગામી અઢી વર્ષ સુધી રાજકોટ જિલ્લા પંચાયતના શાસનને ઉની આંચ પણ નહીં આવે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના તમામ સભ્યો પક્ષને વફાદાર છે. ઉપરાંત કોળી સમાજમાંથી આવતા જિલ્લા પંચાયતના ૯ સભ્યો પણ કોંગ્રેસને વફાદાર જ રહેશે. આ ઉપરાંત ૧ સભ્ય જસદણ પંથકમાંથી આવે છે તેઓ પણ કોંગ્રેસ સાથે જ છે. કુંવરજીભાઈ બાવળીયાના રાજીનામાથી રાજકોટ જિલ્લા પંચાયતના શાસનને કોઈ ફરક પડવાનો નથી. રાજકોટ જિલ્લા પંચાયતનું શાસન તુટશે તેવી અટકળો વહેતી કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ થઈ રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવા માટે બે તૃત્યાંશ સભ્યો જોઈએ. જિલ્લા પંચાયતમાં ૩૬ સભ્યો છે જેથી અવિશ્ર્વાસની દરખાસ્ત મુકવા ૨૪ સભ્યોની જરૂર પડે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેષભાઈ વોરાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના સભ્યો કોંગ્રેસના સંનિષ્ઠ સૈનિકો છે. ગામડાનું રાજકારણ પવિત્ર હોય છે. જિલ્લા પંચાયતના તમામ સભ્યો ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. તેઓ કોંગ્રેસ પક્ષના વફાદાર સૈનિકો છે. ઉપરાંત હિતેષભાઈ વોરાએ કહ્યું કે, જિલ્લા પંચાયત તુટશે તેવી અટકળો જાણી જોઈને અન્ય પક્ષ દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે વહેતી કરાઈ છે.
જિલ્લા પંચાયતમાં ૯ સભ્યો કોળી સમાજમાંથી આવે છે ઉપરાંત એક સભ્ય જસદણ પંથકમાંથી આવે છે. કુલ ૧૦ સભ્યો કહેવાતા બાવળીયા જુથના છે. આ તમામ ૧૦ સભ્યો કોંગ્રેસને વફાદાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.