નવા સર્જનને ટ્રેનિંગ આપવા ૪૩ દેશ ફરી ચૂક્યા છે ડો.શાહ
યુવાન જતીન માટે કરિયરની પસંદગી તેના શિક્ષક પિતાએ ત્યારે જ કરી દીધી જ્યારે તે વડોદરા રહેતા હતા. જતીન ઈન્ડિયન એરફોર્સમાં પાઈલટ બનશે અને તેનો મોટો ભાઈ ડોક્ટર બનશે. ૫૦ વર્ષ પહેલા આ ક્ષેત્રો ખૂબ પ્રભાવશાળી હતા. પરંતુ જતીનનો ભાઈ હાઈસ્કૂલમાં બાયોલોજીમાં ફેલ થતાં ડોક્ટર બનવાની જવાબદારી જતીન પર આવી.
માથા અને ગળાના કેન્સર સર્જન તરીકે વિશ્વમાં જાણીતા ડો. જતીન શાહે કહ્યું કે, નસીબમાં લખાઈ ગયું હતું ડોક્ટર બનવનવાનું અને મેં તેમાં વિશ્વાસ રાખીને મહેનત કરી અને સફળ થયો. ડોક્ટર્સ માટે યોજાયેલા એક ટ્રેનિંગ વર્કશોપ માટે ડો. જતીન શાહ અમદાવાદા આવ્યા હતા. ડો. શાહ હાલ ન્યૂયોર્કની કોર્નેલ યુનિવર્સિટીમાં સર્જરીના પ્રોફેસર અને MSKCCમાં હેડ અને નેકના ઓન્કોલોજીના ચેરમેન પદે છે.
અમેરિકાના હોલિવુડ સહિતના સેલેબ્રિટીઝ તેમના પેશન્ટ રહી ચૂક્યા છે. ડો. જતીન શાહ નસીબમાં વિશ્વાસ રાખે છે. ડો. શાહે કહ્યું કે, ભણવાનું પૂરું કર્યા પછી હું ભારત પાછો આવીને અહીંની ટોપ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવા ઈચ્છતો હતો. હ્યુસ્ટનમાં એક કોન્ફરંસમાં જોબ ઈન્ટરવ્યૂ પણ રાખવામાં આવ્યા હતા અને ઈંટરવ્યૂ બાદ મને જોબ મળી ગઈ. સંજોગોવશાત મેં નોકરી સ્વીકારી અને ત્યાં રહીને પ્રેક્ટિસ કરવાનું નક્કી કર્યું. અમેરિકા જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના ટેલેન્ટને પ્રોત્સાહન આપે છે. છેલ્લા ૪૦ વર્ષોમાં મેં ક્યારેય અસામનતાનો સામનો નથી કર્યો.
છેલ્લા થોડા વર્ષોથી ડો. જતીન શાહ અલગ જ મિશન પર છે. નવા સર્જનને ટ્રેનિંગ આપવા માટે તેઓ ૪૩ દેશો ફરી ચૂક્યા છે. વિકસિત દેશોમાં એક્સપર્ટની કેડર તૈયાર કરવા માટે તેમણે ગ્લોબલ ફેલોશીપ પણ ઊભી કરી છે. અત્યાર સુધીમાં ૮૮ સર્જન તેમના હાથ નીચે તૈયાર થયા છે. જ્યારે હજારો ડોક્ટર્સે વિવિધ માધ્યમ થકી તેમની પાસેથી ટ્રેનિંગ મેળવી છે.
ડો. જતીન શાહે જણાવ્યું કે, કેન્સર સામે છેક સુધી લડતાં રહેવું ખૂબ જરૂરી છે. મારું સ્વપ્ન ગામડાંમાં કામ કરતાં સર્જન્સને મજબૂત કરવાનું છે, જેથી કરીને કેન્સરના પ્રથમ તબક્કાના લક્ષણો ઓળખીને જ તેઓ પેશન્ટને સાચી દિશામાં સલાહ આપી શકે. સારવાર માટે ફેન્સી ગેજેટ્સ કે પ્રક્રિયાઓની જરૂર નથી, સારા સર્જનની જરૂરિયાત છે.