ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડામાડોળ છે. તાલુકા, જીલ્લા અને પ્રદેશકક્ષાના આગેવાનો અને ધારાસભ્યો-કોંગ્રેસના નેતૃત્વ સામે નારાજગી સાથે આક્રોશ વ્યકત કરી રહ્યા છે. કોંગ્રેસની ૩ દિવસની ચિંતા બેઠક ચાલી રહી હતી. ભાજપ હંમેશા પ્રજાહિતનું ચિંતન કરે છે. જયારે કોંગ્રેસ પોતાના ઘર સંભાળવાની ચિંતા કરે છે અને ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા કેવી રીતે ઉભી કરવી તેવા જ વિચારો અને કાર્યક્રમો કોંગ્રેસ કરે છે. મીડિયાના સમાચારો મુજબ ૯ લોકસભામાં તો કોંગ્રેસના ઉમેદવારોના નામો મળતા જ નથી. ભાજપ તરફી જનતાના મિજાજને કારણે કોઈ લડવા તૈયાર થતું નથી. કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ, પ્રજાહિતના દ્રષ્ટિકોણનો અભાવ અને સેવાના કાર્યક્રમોનો અભાવ છે. કોંગ્રેસ કયારેય પ્રજામાં જતી નથી.
માત્ર ચુંટણી લડવા સિવાય કોંગ્રેસ પાસે પ્રજાના કોઈપણ કામો, પ્રશ્ર્નો કે તેના સમાધાન માટેની માનસિકતા નથી અને કોંગ્રેસ પાસે ચુંટણી સિવાય પ્રજા વચ્ચે જવાનો સમય પણ નથી. પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નબળું નેતૃત્વ, નબળા વિચારો, અંદરો અંદરના સતત ઝઘડાઓ અને તોડફોડના કાર્યક્રમોને કારણે કોંગ્રેસનો કયારેય જનતામાં પ્રભાવ વઘ્યો નથી. ગુજરાતને અશાંતિ અને અરાજકતા ફેલાવવાના કોંગ્રેસના કારનામાને કારણે જનતામાં કોંગ્રેસ માટે સતત કુભાવ વધતો જાય છે.
જનતાએ તેમને સતાનો મેન્ડેટ નથી આપ્યો છતાંય સતા લાલસામાં સમાંતર સરકારનું ગતકડું ચલાવે છે. હવે કોંગ્રેસની નવી નેતાગીરી સામેની નારાજગી અને આક્રોશ વઘ્યો છે. કોંગ્રેસની શકિત એપ એ અંદરોઅંદરની નારાજગી અને અવિશ્ર્વાસની એપ છે. તાલુકા-જીલ્લાને પ્રદેશની નેતાગીરી પર ભરોસો નથી. રાહુલ ગાંધીને પણ પ્રદેશના નેતૃત્વ પર ભરોસો નથી. પ્રજાને રાહુલ ગાંધી પર ભરોસો નથી. તેથી જ અનેક રાજયો અને કેન્દ્ર સરકારમાંથી કોંગ્રેસ સતા સ્થાનેથી સાફ થઈ ગઈ છે.
કોંગ્રેસે ગુજરાતની જનતાની સંસ્કારીતા અને માનસિકતા સમજે અને ગુજરાતની શાંતી, એકતા અને વિકાસમાં સહયોગ આપે તેવી પંડયાએ અપીલ કરી હતી.