સરપંચ પિયુષ ઠુંમર સામે અનેક ફરિયાદો બાદ જિલ્લા વિકાસ અધિકારીનું આકરૂ પગલુ
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ ગઈકાલે જેતપુર તાલુકાના જેતલસર ગામના સરપંચ પિયુષભાઈ ઠુંમરને ફરજ મોકૂફ કરવાનો હુકમ કરતા તાલુકાભરમાં ખળભળાટ મચી ગયો છે.
સરપંચ સામેની અનેક ફરિયાદો અને ગેરરીતિઓ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ લાલ આંખ કરી આ પગલું ભર્યુ હોવાનું મનાય છે. જો કે આ બાબતે સરપંચને અપીલ માટે ૩૦ દિવસની મુદત અપાઈ છે
ગઈકાલે જેતપુર ખાતે જેતલસર ગામના સરપંચને ફરજ મોકૂફ કરવાનો હુકમ જેતપુર તાલુકા વિકાસ અધિકારી ભુપતભાઈ બગથરીયા મળતાં તેમણે આ હુકમ આજે રવિવારના રોજ જેતલસર ખાતે સ્ટાફ દ્વારા બજાવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર ગામના જાગૃતિ નાગરિક દીપકભાઈ મનસુખભાઈ મકવાણા ગઈ તારીખ ૧૯.૧ ૨૦૧૮ ના રોજ જેતલસર ગામના સરપંચ પિયુષ જેન્તી ઠુમર સામે અનેક પ્રકારની ફરિયાદો તેમજ ગેરરીતિ અંગેની એક રજૂઆત રાજકોટ જિલ્લાના તમામ લાગતા વળગતા સત્તાધીશોને કરી હતી.
જે અરજી અનુસંધાને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ આકરુ પગલું ઉઠાવી ગામના સરપંચ ફરજ મોકૂફ કર્યાનો હુકમ ગઈકાલ તારીખ ૭.૭.૧૮ ના રોજ જેતપુર તાલુકા વિકાસ અધિકારીને મોકલતા જેતપુર તાલુકા વિકાસ અધિકારી ભુપતભાઈ બગથરીયા આ હુકમ આજે રવિવારના રોજ સરપંચને બજાવી દીધો હતો.
જેતપુર તાલુકા વિકાસ અધિકારી ભુપતભાઈ ના જણાવ્યા મુજબ જેતલસર ગામના સરપંચ પિયુષ જેન્તી ઠુમર સામે અવારનવાર ગામમાંથી અનેક અરજીઓ થઈ હતી.
ભૂતકાળમાં સરપંચ એક જુગાર દરોડામાં પણ પકડાઈ જતા તેમની સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી અને ગુનો નોંધાયો હતો.
આ સિવાય ડેડરવા રોડ ઉપર ગૌચરની જમીન પર બાંધકામ, જેતલસર જંક્શન રોડ ઉપર તકિયાની વાડી પર ગેરકાયદેસર સાડી ધોલાઈ ઘાટ તેમજ ૧૪ માં નાણાપંચ મુજબ ફાળવાયેલી પ્રાઇવેટ જગ્યાની માલિકીમાં ઉપયોગ કરવો, ગામના લોકો સાથે ગેરવર્તન કરવું, નેશનલ હાઈવે પર સરપંચની માલિકીની ગેરકાયદેસર બનાવાયેલ દુકાન બાબતે પણ અવાર-નવાર ગામના લોકોએ રાજકોટ જિલ્લાના કલેક્ટર, ડીડીઓ અને ટીડીઓ સહિતના સત્તાધીશોને ફરિયાદ કરી હતી.
આવી ફરિયાદોને ધ્યાને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયત ધારા ૭૯-૧ ૧૯૯૩ કલમ અન્વયે જુગારનો ગુનો નૈતિક અધ:પતન સમાન ગણી સરપંચ પિયુષ ઠુમરને ફરજ મોકૂફ કરવાનો હુકમ કર્યો હોવાનું જેતપુરના ટીડીઓ ભુપતભાઇ બગથરીયાએ જણાવ્યું હતું. જો કે ડીડીઓના આવા હુકમ સામે સરપંચ પિયુષ ઠુમરને અપીલ માટે ૩૦ દિવસની મુદ્દત અપાઈ હોવાનું પણ હુકમમાં જણાવાયું છે.આવા હુકમથી જેતલસર પંથક ઉપરાંત જેતપુર તાલુકા ભરમાં ખળભળાટ મચી ગયો છે.