ખેડુતોની મહેનતમાં પ્રાણ પુરાયા: કિશાનોમાં દિવાળી જેવો માહોલ છવાયો
રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્રના અગ્રણી કિશાન નેતા ચેતન રામાણીએ જણાવેલ છે કે, કેન્દ્ર સરકાર ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક ડબલ કરવાની દિશામાં ભાજપ સરકારે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. ભાજપ ચુંટણીમાં આપેલ વચનો પરીપૂર્ણ કરવા એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયોમાં આજે જે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારાની ખેડુતહિતલક્ષી જાહેરાત કરવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લાખ લાખ અભિનંદન. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયથી દેશના કિશાનો માટે સોનાનો સુરજ ઉગશે ત્યારે છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિત ખેડુત અને ગામડાને એકમ બનાવી દેશના કિસાનની મહેનત એળે ન જાય તેમજ એની પેદાશના પુરતા ભાવ મળે તેવા અનેકાનેક નિર્ણયો કર્યો છે ત્યારે દેશના કિસાનોની મહેનતમાં નવા પ્રાણ પુર્યા છે.
ગત કેન્દ્રીય બજેટમાં ખેડુતો અને કૃષિક્ષેત્રના વિકાસ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. જેમાં સરકારનો અભિગમ હતો કે, સરકારી મીનીમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે ટેકાના ભાવ ખેડુતોએ કરેલા ઉત્પાદન ખર્ચથી કમસે કમ દોઢ ગણા તો હોવા જ જોઈએ. ખેડુતોને તેમની મહેનતનું પુરતુ વળતર મળે તે માટે કેન્દ્રની મોદી સરકારે આ વર્ષે ખેતીની નવી મોસમની શરૂઆત જ ટેકાના ભાવ જાહેર કરી દીધા છે. જેથી હવે ખેડુતો પોતાના ભાવી ખેત ઉત્પાદનોના વેચાણ ભાવ બાબતે ચિંતામુકત રહી પોતાની પસંદગીના પાકો વાવી શકશે.
કેન્દ્રની મોદી સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે જાહેર કરેલ કૃષિ ઉત્પાદનો માટેના આ ટેકાના ભાવને કારણે હાલમાં કોઈ તહેવાર ન હોવા છતાં પણ સમગ્ર દેશમાં ખેડુતોમાં દિવાળીની ખુશાલી જેવો માહોલ છવાઈ ગયો છે. વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા મંજુર કરાયેલ ટેકાના ભાવમાં લગભગ દરેક કૃષિ ઉત્પાદનો માટે દોઢ ગણો અને અમુક પાકોમાં તો તેથી પણ વધુ રકમનો વધારો જોવા મળ્યો છે. જે ખરા અર્થમાં ખેડુતોની દરકાર લેતી સરકાર તરીકે અભિનંદનને પાત્ર છે.