રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં આંગણે કાલે ૨૧ દિવસીય ઉવસગ્ગહરં સ્તોત્ર સંકલ્પ સિદ્ધિ સાધનાનો પંચમ રવિવાર
રોયલપાર્ક સ્થાનકવાસી સંઘના ભાવિકો રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના આગમનથી પ્રભુવચનોમાં ભીંજાઈને તૃપ્તિનો અનુભવ કરી રહ્યા છે. ભગવાન મહાવીરના મુખેથી પ્રગટેલા વચનો આગમ આચારાંગ સુત્રની ૨૧ દિવસીય વાંચણીનો લાભ અનેકાનેક લોકો લઈ રહ્યા છે અને સાથે સાથે પ્રભુ પ્રત્યેની ભકિતરૂપ ઉવસગ્ગહરં સ્ત્રોતની ૨૧ રવિવારીય સંકલ્પ સિદ્ધિ સાધનાનો પણ ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી લાભ લઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પાશ્વનાથ પરમાત્માની ભકિતસ્વરૂપ આ સ્ત્રોત રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મ.સા.એ આત્મસાત કર્યો છે અને તેની ૨૧ દિવસીય સંકલ્પસિદ્ધિ સાધના હજારો ભાવિકોના કષ્ટો, ઉપસર્ગો અને ઉપાધિના નિવારણ કરવામાં નિમિત બની છે. આ ઉપક્રમે પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબે ફરમાવ્યું હતું કે, જયારે ઉત્કૃષ્ટ શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યેની નિ:સ્વાર્થ ભકિતનો યોગ થાય છે ત્યારે અશુભ કર્મોનો ક્ષય થાય છે અને જીવનમાં સુખ, શાંતી અને સમૃદ્ધિનું આગમન થાય છે. કેટકેટલાય ભાવિકોના સંકલ્પો સિદ્ધ થયા છે અને તેમની આધ્યાત્મિક અને આત્મિક ઉન્નતિમાં પ્રગતિ થઈ રહી છે. ૨૧ દિવસીય સાધનાના પંચમ રવિવારનું આયોજન રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે કાલે સવારે ૯ થી ૧૦ રાખવામાં આવ્યું છે અને ૧૦ થી ૧૧ એમ ૨૧ દિવસીય આગમ વાંચનાના સમાપન રૂપે પૂજય આચારાંગ સુત્ર પર વાંચણી ફરમાવશે. ઉવસગ્ગહરં સ્ત્રોત સાધના અને ત્યારબાદ વાંચણીનો લાભ લેવા સંઘ જૈન જૈનેતરોને નિમંત્રણ પાઠવ્યું છે.