સીબીએસઈ અને આઈસીએસઈ સહિતના તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત બનશે
માતૃભાષાનું ઋણ ચુકવવા પ્રયાસ
આપણી માતૃભાષા ગુજરાતી એ ગુજરાતીઓની શાન છે. માતૃભાષાને લખવા, વાંચવા અને સમજવામાં દરેક નાગરિક સક્ષમ હોવો જોઈએ પરંતુ ગુજરાતના લોકોની માતૃભાષા ગુજરાતી જ કાચી હોવાનું જણાઈ રહ્યું છે. ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ એવા નોંધાય છે કે જેઓ ગુજરાતી વિષયમાં પાસિંગ માર્કસ પણ મેળવી શકતા જે ખરેખર આપણા માટે શરમજનક ગણી શકાય. આ પરિસ્થિતિને સુધારવા અને ગુજરાતી ભાષા તરફ વિદ્યાર્થીઓ સહિતના તમામ લોકોને જાગૃત કરી માતૃભાષાનું ઋણ ચુકવવા રૂપાણી સરકારે કમરકસી છે.
આગામી ઓગસ્ટ માસથી ગુજરાતની તમામ શાળાઓમાં ધો.૧ થી ૮ સુધી ગુજરાતી ભણાવવું ફરજીયાત બની જશે. જેથી પ્રાઈમરી લેવલથી જ બાળકોમાં માતૃભાષાના જ્ઞાનનું સિંચન થાય. આ માટે સરકારે તમામ બોર્ડોને સુચન કરી દીધું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડની સાથે સીબીએસઈ, આઈસીએસઈ, આઈવી, સીઆઈએસઈસી અને આઈજીસીએસઈ સહિતના તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવી ફરજીયાત બનશે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી આ નિર્ણય અમલમાં મુકાશે.
તેમજ જે-જે શાળાઓમાં શૈક્ષણિક વર્ષ અગાઉથી શરૂ થઈ ગયું છે તેવી શાળાઓમાં બીજા સત્રથી ગુજરાતી ફરજીયાત ભણાવવાનો સરકારે વિકલ્પ આપ્યો છે. આ માટે રાજય સરકારે તૈયારી પણ શરૂ કરી દીધી છે. ગુજરાત સ્ટેટ સ્કૂલ ટેકસબુક બોર્ડે ધો.૧ અને ૨ માટેના પાઠયપુસ્તકો પણ તૈયાર કરી નાખ્યા છે. જે આ મહિનાના અંતમાં બજારમાં બહાર પાડવામાં આવે તેવી શકયતા છે. રાજય સરકારે જણાવ્યું છે કે, પાઠયપુસ્તકો ઉપલબ્ધ થતાની સાથે જ વિદ્યાર્થીઓને ભણાવાય તે માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા પર કામ થઈ રહ્યું છે.
સરકારના આ નિર્ણયથી બોર્ડની પરીક્ષામાં ગુજરાતીના વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓનો રેશીયો ઘટશે અને સાથે સાથે ગુજરાતી વિશે વિદ્યાર્થીઓએ વિસ્તૃત જાણકારી મેળવી આપણી માતૃભાષાનું ઋણ અદા કરશે.