દક્ષિણ ગુજરાત પર અવિરત મેઘમહેર
અનેક નદીઓમાં ઘોડાપુર
ડાંગના વઘઈમાં ૭, નર્મદાના સાગબારામાં ૬, વલસાડના કપરાડા અને નવસારીના વાસંદામાં ૪ ઈંચ વરસાદ
દક્ષિણ ગુજરાત પર મેઘરાજા અવિરત મહેર વરસાવી રહ્યા છે. ગતરાત્રે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ માત્ર ૩ કલાકમાં સુપડાધારે ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયું હતું. નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ૨૫ થી વધુ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આજે સવારથી ધીમીધારે વરસાદ ચાલુ હોવાના કારણે તંત્ર એલર્ટ થઈ ગયું છે. સોનગઢ ઉપરાંત ડાંગના વઘઈ, નર્મદાના સાગબારા, વલસાડના કપરાડા, નવસારીના વાસંદામાં પણ મેઘરાજાએ મહેર ઉતારી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૩૩ જિલ્લાઓ પૈકી ૨૧ જિલ્લાના ૮૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. તાપી જિલ્લાના સોનગઢમાં સૌથી વધુ ૨૩૫ મીમી વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં ગત મધરાત્રે અચાનક બારે મેઘ ખાંગા થતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે.
તાપી જિલ્લાના સોનગઢમાં જાણે વાદળુ ફાટયું હોય તેમ માત્ર ૩ કલાકમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. અનેક નદીઓમાં ઘોડાપુર આવતા સોનગઢ તાલુકાના ૨૫ થી વધુ ગામોને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના કારણે રાહત તથા બચાવની કામગીરી માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. આ લખાય રહ્યું છે ત્યારે સવારે પણ સોનગઢ સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના ભચ જિલ્લામાં જગડીયા તાલુકામાં ૧૩ મીમી, નૈત્રાંગમાં ૩૩ મીમી, નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ૫૭ મીમી, સાગબારામાં ૧૪૩ મીમી, તિલકવાડામાં ૩૧ મીમી, તાપી જિલ્લાના સોનગઢમાં ૨૩૫ મીમી, ઉછલમાં ૧૬ મીમી, વાલોદમાં ૨૩ મીમી, વ્યારામાં ૮૦ મીમી, ડોલવાણમાં ૭૫ મીમી, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ૨૫ મીમી, માંડવીમાં ૬૦ મીમી, માંગરોળમાં ૨૦ મીમી, હોલપાડમાં ૧૭ મીમી, સુરત શહેરમાં ૧૦ મીમી, ઉમરપાડામાં ૩૪ મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવીમાં ૧૨ મીમી, જલાલપુરમાં ૧૯ મીમી, ખેરગામમાં ૩૭ મીમી, નવસારીમાં ૨૦ મીમી, વાસંદામાં ૮૩ મીમી, વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૩૧ મીમી, કપરારામાં ૮૯ મીમી, પારડીમાં ૧૨ મીમી, વલસાડ અને વાપીમાં ૧૧ મીમી, ડાંગ જિલ્લાના વઘઈમાં ૧૬૮ મીમી, ડાંગમાં ૪૦ મીમી અને સુબીરમાં ૧૫ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ શુક્રવારે મેઘરાજાએ મહેર ઉતારી હતી. ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ બે ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એકાદ-બે તાલુકાઓમાં સામાન્ય ઝાપટા પડયા હતા. જયારે કચ્છ શુક્રવારે પણ કોરુ ધાકોડ રહ્યું છે.
તાપી જિલ્લાના સોનગઢમાં મધરાત્રે અચાનક મેઘાનો મંડાણ થયું હતું. ત્રણ કલાકમાં અનરાધાર ૧૦ ઈંચ વરસાદ વરસી જતા સમગ્ર પંથક જળબંબાકાર થઈ ગયો હતો. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે અને ડેમ સહિતના જળાશયોમાં માતબર નવા નીરની આવક થવા પામી છે. આ વર્ષે વણદેવ જાણે દક્ષિણ ગુજરાત પર વધુ મહેરબાન થયા હોય તેમ છેલ્લા ૧૦ દિવસથી અવિરત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છ હજી વાવણીલાયક વરસાદની રાહમાં છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં જુલાઈ માસમાં જ મોસમનો કુલ ૧૫.૪૩ ટકા વરસાદ વરસી ગયો છે. સવારથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આગામી ૪ દિવસથી રાજયમાં ભારે વરસાદની કોઈ શકયતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે છતાં જે રીતે ગત મધરાત્રે દક્ષિણ ગુજરાતમાં આગાહી વિના મેઘરાજા અનરાધાર વરસ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આજે પણ રાજયમાં મેઘો મંડાશે.
સૌરાષ્ટ્રમાં મંગળથી ‘મુશળધાર’
નૈઋત્યના ચોમાસામાં વરસાદ માટે ધોરી ગણાતા જુલાઈ માસના એક સપ્તાહ વિતી ગયું હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આંગળીના વેઠે ગણી શકાય એટલા વિસ્તારોને બાદ કરતા હજુ સુધી વાવણીલાયક વરસાદ ન પડવાના કારણે ખેડુતો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે.
જયારે સૌરાષ્ટ્ર-કચ્છ વાસીઓના હૈયે ટાઢક આપતી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી ૧૦મી જુલાઈ એટલે કે મંગળવારથી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. ભારત સરકારના હવામાન ખાતાના, ગ્રામીણ કૃષિ મોસમ જેવા વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરફથી મળેલી માહિતી મુજબ આજથી ૧૧ જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં હવામાન ગરમ અને ભેજવાળુ રહેશે. વાદળછાયુ વાતાવરણ રહેશે.
આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શકયતા છે. મંગળવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધશે અને વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના ૬ તાલુકાઓ મેઘકૃપાથી વંચિત!
મુળી, માળીયામિંયાણા, અંજાર, ભચાઉ, ભુજ અને માંડવીમાં વરસાદનો એક છાંટો પણ પડયો નથી
સૌરાષ્ટ્ર-કચ્છના ૬ તાલુકાઓ આજે પણ મેઘકૃપાથી વંચિત છે. કચ્છના ૪ તાલુકા અને સુરેન્દ્રનગર તથા મોરબી જિલ્લાના એક-એક તાલુકાઓ આજસુધી વરસાદનો એક છાંટો પણ ન પડતા લોકો ભારે ચિંતિત બની ગયા છે. કચ્છમાં આજસુધી મોસમનો માત્ર ૧.૨૫ ટકા વરસાદ પડયો છે તો સૌરાષ્ટ્રમાં મોસમનો કુલ ૭.૮૫ ટકા જ વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. કચ્છના અંજાર, ભચાઉ, ભુજ અને માંડવી તાલુકો જયારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકા અને મોરબી જિલ્લાના માળીયામિંયાણા તાલુકો આજે પણ વરસાદથી વંચિત છે. રાજયના ૭૫ તાલુકાઓમાં ૫૦ મીમી સુધી, ૯૦ તાલુકાઓમાં ૫૧ થી ૧૨૫ મીમી સુધી, ૪૫ તાલુકાઓમાં ૧૨૬થી ૨૫૦ મીમી સુધી, ૨૫ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી સુધી, ૯ તાલુકામાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી સુધી અને માત્ર એક તાલુકામાં ૧૦૦૦ મીમીથી વધુ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.