અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં જતી વખતે અકસ્માતથી બચાવતી એસ્કેપ કેપ્સ્યુલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતના હ્યુમન સ્પેસ ફ્લાઇટ પ્રોગ્રામ તરફ પહેલું ડગલું માંડતાં ઈસરોએ ગુરુવારે સવારે ભવિષ્યમાં ભારતીય અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં જતી વખતે અકસ્માતથી બચાવ કરતી એસ્કેપ કેપ્સ્યૂલનું સફળ પરીક્ષણ કર્યું હતું. શ્રીહરિકોટા ખાતેનાં પરીક્ષણ સ્થળ ખાતે પેડ અબોર્ટ અથવા તો ક્રૂ બેલઆઉટ સિસ્ટમનું પરીક્ષણ કરાયું હતું. પરીક્ષણ અંગે ઈસરોના ચેરમેન કે. સિવાને જણાવ્યું હતું કે, શ્રીહરિકોટા ખાતે ગુરુવારે સવારે હાથ ધરાયેલ પેડ અબોર્ટ સિસ્ટમનું પરીક્ષણ મોટી સફળતા છે.
સિવાને જણાવ્યું હતું કે, ઈસરોનો હ્યુમન સ્પેસ પ્રોગ્રામ માનવીને અંતરિક્ષમાં લઈ જઈ સફળતાપૂર્વક પૃથ્વી પર પરત લઈ આવવા પર કેન્દ્રિત છે. આ માટે અમારે સ્પેસ ક્રાફ્ટમાં જ અંતરિક્ષયાત્રીઓને લાઇફ સપોર્ટ સિસ્ટમ ઉપલબ્ધ કરાવવી પડશે. આ માટે અમારે ઓક્સિજનનો સતત પુરવઠો, હવાનું નિયંત્રિત દબાણ, પર્યાવરણ સિસ્ટમ, ખોરાકનો જથ્થો, માનવમળના ડિસ્ચાર્જ માટેની વ્યવસ્થાઓ અને ક્રૂ પ્રોટેક્શન સિસ્ટમ હજુ વિકસાવવાની બાકી છે.
ઈસરોના આ મહત્ત્વના કાર્યક્રમનાં બજેટ પર સિવાને જણાવ્યું હતું કે, આજનાં સફળ પરીક્ષણ બાદ હવે અમે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલી આપીશું.
રશિયા, ઞજ અને ચીન પાસે જ માનવીને અંતરિક્ષમાં મોકલવાની ટેક્નોલોજી
અત્યાર સુધીમાં રશિયા, અમેરિકા અને ચીન જ માનવીને અંતરિક્ષમાં મોકલવા અને પૃથ્વી પર પરત લાવવાની ટેક્નોલોજી વિકસાવી શક્યા છે. માનવીના અંતરિક્ષપ્રવાસો મુખ્યત્વે રશિયા અને અમેરિકાની ટેક્નોલોજીને આભારી છે. રશિયા અંતરિક્ષમાં માનવી મોકલનારો પહેલો દેશ હતો, જ્યારે ચંદ્ર પર માનવી મોકલીને અમેરિકાએ ઇતિહાસ રચ્યો હતો. અત્યારે અંતરિક્ષમાં જતા અંતરિક્ષયાત્રીઓ અમેરિકા અને રશિયાની ટેક્નોલોજીનો જ ઉપયોગ કરે છે. કેવી રીતે કરાયું ૨૫૯ સેક્ધડનું અત્યંત મહત્ત્વનું પરીક્ષણ ? આ કેપ્સ્યૂલમાં જીવંત માનવીનાં સ્થાને ક્રૂ મોડલનો ઉપયોગ કરાયો હતો. આ મોડલને કેપ્સ્યૂલમાં મૂકી તેને રોકેટનાં એન્જિન સાથે જોડી દેવાઈ હતી. રોકેટ એન્જિનની સોલિડ મોટર ફાયર થઈ અને હવામાં ઊંચકાયું તેના થોડા સમય પછી ક્રૂ કેપ્સ્યૂલ એન્જિનથી સફળતાપૂર્વક અલગ થઈ તેનાથી દૂર ચાલી ગઈ હતી. ક્રૂ કેપ્સ્યૂલની પેરાશૂટ નિર્ધારિત સમયે ખૂલી હતી, હિંદ મહાસાગરમાં નિર્ધારિત સ્થળે લેન્ડિંગ થયું હતું. ક્રૂ કેપ્સ્યૂલનું ૨૫૯ સેક્ધડનું આ પરીક્ષણ ભારતના સ્વદેશી માનવસહિતના અંતરિક્ષ કાર્યક્રમોનો મહત્ત્વનો હિસ્સો છે.