ડબલ સવારી બાઇકમાં આવેલા શખ્સોએ હાથમાં છરી મારી રોકડ સાથેનું પર્સ ઝુંટવી બંને શખ્સો ફરાર: પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી નાકાબંધી કરાવી
શહેરના સોની બજાર નજીક ગુજરી બજાર પાસે આવેલી આર.સી.આંગડીયા પેઢીમાં રૂ.૫.૫૦ લાખ ઉપાડીને જઇ રહેલી મહિલા પર બાઇક પર આવેલા બે શખ્સોએ છરીથી હુમલો કરી રોકડ સાથેના પર્સની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ છે. દિન દહાડે થયેલી લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ ગુજરી બજાર વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી નાકાબંધી કરાવી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટપુ ભવાન પ્લોટમાં રહેતા અને બંગડીનો બિઝનેશ કરતા કિંજલબેન દિપકભાઇ મણીયાર નામની મહિલા પર ગુજરી બજારમાં ડબલ સવારી બાઇકમાં આવેલા શખ્સોએ હાથમાં છરી મારી રૂ.૫.૫૦ લાખની રોકડ સાથેના પર્સની લૂંટ ચલાવ્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
કિંજલબેન મણીયારના કટક ખાતે રહેતા કાકાએ રૂ.૫.૫૦ લાખ રાજકોટના ગુજરી બજારમાં આવેલી આર.સી.આંગડીયા પેઢીમાં મોકલ્યા હોવાથી તેઓ ત્યાં લેવા માટે ગયા હતા. કિંજલબેન મણીયાર પૈસા લઇને આંગડીયા પેઢીની બહાર આવ્યા તે દરમિયાન બાઇક પર ઘસી આવેલા બે શખ્સોએ છરીથી હુમલો કરતા કિંજલબેન મણીયારના હાથમાં છરી લાગી હતી.
છરીથી હુમલો થતા ગભરાયેલા કિંજલબેન મણીયાર કંઇ વિચારે તે પહેલાં તેઓ પાસે રહેલા રૂ.૫.૫૦ લાખની રોકડ સાથેનું પર્સ ઝુંટવી બંને શખ્સો ભાગી ગયા હતા. ટ્રાફિકથી સતત ધમધમતા અને ધોળા દિવસે લૂંટ થતા કિંજલબેન મણીયારે ગોકીરો કરતા ઘટના સ્થળે ટોળું એકઠું થઇ ગયું હતું.
કોઇએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ જીવણભાઇ સહિતના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પી.આઇ. સોનારા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ અને વિજયસિંહ સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી ઘવાયેલા કિંજલબેન મણીયારને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.
દિન દહાડે થયેલી રૂ.૫.૫૦ લાખની લૂંટની તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. આર.સી.કાનમિયા અને બી.ટી.ગોહિલ સહિતના સ્ટાફે ગુજરી બજાર વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી બંને લૂંટારાનું પગેરૂ દબાવ્યું છે. પોલીસે શહેર બજાર જવાના તમામ માર્ગો પર નાકાબંધી કરાવી છે. કિંજલબેન મણીયાર ગુજરી બજાર પાસે જ અરવિંદ એન્ટર પ્રાઇઝ નામે બંગડીનો બિઝનેશ ચલાવે છ. અને કટક ખાતે રહેતા કાકાએ મોકલેલી રોકડ રકમ લઇને પોતાની દુકાને પહોચે તે પહેલાં થયેલી લૂંટના પગલે શહેરભરનો પોલીસ સ્ટાફ લૂંટનો ભેદ ઉકેલવા કવાયત હાથધરી છે.