લિંબાયતમાં ગતરાત્રિના પતિ અને પત્નીએ એકસાથે આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. ગૃહકંકાસમાં દંપતિએ આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયત સ્થિત આવેલા સુભાષનગરમાં રહેતા ૪૫ વર્ષીય સંજયભાઇ અભિમાનભાઇ પાટીલ અને તેમની પત્ની મીનાબેન (ઉ.વ. ૪૦) ગતરાત્રિ દરમિયાન ઘરમાં હુક સાથે સાડીનો છેડો બાંધી બંનેએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.
સંજયભાઇ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની હતા. તેમને સંતાનમાં ૧ પુત્રી અને ૧ પુત્ર ચેતને ધો. ૧૨ સાયન્સ પરીક્ષા પાસ કરીને એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૃ કરી છે. ગૃહકંકાશમાં દંપતિએ આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ પોલીસ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.
પગાર વધારો થતાં ઉજવણી કરી હતી…
સંજયભાઇ કારના શોરૃમમાં નોકરી કરતા હતા. તેનો તાજેતરમાં પગારમાં વધારો થયો હતો. તેની ખુશીમાં ઘરમાં ગતરાતે ઉજવણી કરી હતી. બાદમાં સવારે આ પગલું ભરતા ખુશીનો માહોલ પલભરમાં ગમમાં ફેરવાઇ ગયો હતો.
એક જ સાડીથી દંપતિએ ફાંસો ખાધો…
ઘરમાં હકમાં સાડી નાંખીને એક સાડીનો છેડો સંજયભાઇએ ગળામાં બાંધ્યો અને બીજી બાજુનો સાડીનો છેડો મીનાબેને બાંધી ફાંસો ખાધો હતો. એક જ સાડીના બે છેડે માતા-પિતાને લટકતી હાલતમાં આજે સવારે જોઇને પુત્ર હેબતાઇ ગયો હતો.