સેશન્સ કોર્ટ દ્વારા જાહેરનામું બહાર પાડયું: તા.૨૫ એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવા ફરમાન
રૈયા રોડ પર સુભાષનગરમાં રહેતા ભાજપના અગ્રણી પિતા-પુત્રની હત્યાના ગુનામાં ફરાર થયેલા સાજીદ હુસેન કચરાને તા.૨૫ એપ્રિલ સુધીમાં કોર્ટમાં હાજર થવા અદાલત દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. સમય મર્યાદામાં હાજર નહી થાય તો તેને ભાગેડુ જાહેર કરી તેની મિલતક ટાચમાં લેવાની કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.
આઝાદ ચોકની મિલકતના પ્રશ્ર્ને ઇલિયાસખાન પઠાણ અને સાજીદ કચરા વચ્ચે ચાલતા વિવાદના કારણે પોણા બે વર્ષ પહેલાં સાજીદ કચરા સહિતના શખ્સોએ હુમલો કરી ઇલિયાસખાન પઠાણ અને તેના પુત્ર આસિફ પઠાણની હત્યા કરવાના ગુનામાં સાજીદ હુસેન કચરા સહિતના શખ્સોની ધરપકડ થઇ હતી.
પેરોલ પર છુટી ફરાર થયેલા સાજીદ હુસેન કચરા લાંબા સમયથી કોર્ટમાં હાજર થતો ન હોવાથી ગાંધીગ્રામ પોલીસ દ્વારા અદાલતમાં ભાગેડુ જાહેર કરવાની દરખાસ્ત મોકલી હતી. છઠ્ઠા એડીશનલ સેશન્સ જજ દ્વારા તા.૨૫ એપ્રિલ સુધીમાં સાજીદ હુસેન કચરાને કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરતું જાહેરનામું બહાર પાડયું છે. સાજીદ કચરા હાજર નહી થાય તો તેને ભાગેડુ જાહેર કરી તેની મિલતક ટાચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસસુત્રોએ જણાવ્યું છે.