બોલિવુડની એક સમયની પોપ્યુલર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે કેન્સરનો શિકાર બની છે. ફિલ્મ સરફરોશથી જાણીતી બનેલી સોનાલી બેન્દ્રે કેટલાક વિવિધ ચેનલો પર આવતા કેટલાક રિયાલિટી શોમાં પણ જોવા મળતી હતી. સોનાલી હાલ ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર લઈ રહી છે.
સોનાલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, તેના શરીરમાં હાઈ ગ્રેડ કેન્સર ફેલાઈ ગયું છે. શરીરમાં થઈ રહેલા દુ:ખાવા બાદ તેણે કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં તેને કેન્સર થયું હોવાનું બહાર આવ્યું હતું. સોનાલીએ પોતાની પોસ્ટમાં કહ્યું છે કે, મારા પરિવારજનો અને દોસ્તો મારી આસપાસ છે અને મને દરેક પ્રકારની મદદ પૂરી પાડી રહ્યા છે.
સોનાલીએ કહ્યું છે કે, કેન્સરની તાત્કાલિક ટ્રીટમેન્ટ શરુ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. ડોક્ટરોની સલાહ પ્રમાણે હું હાલ ન્યૂયોર્કમાં સારવાર લઈ હી છું, અને જલ્દીથી સાજી થઈ જઈશ તેવી મને આશા છે. હું મારી પૂરી તાકાતથી તેની સામે લડી રહી છું. છેલ્લા કેટલાક દિવસથી મને જે પ્રેમ અને સપોર્ટ મળ્યો છે તેણે કેન્સર સામે લડવાની મારી ક્ષમતા વધારી દીધી છે.
હાલ ૪૩ વર્ષની વય ધરાવતી સોનાલી બેન્દ્રેએ ૨૦૦૨માં પ્રોડ્યૂસર ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા હતા. તેને એક દીકરો પણ છે.
સોનાલી લગ્ન પછી ફિલ્મોમાં ખાસ જોવા નહોતી મળી. સોનાલીએ આમ તો ૧૯૯૪માં ફિલ્મ આગથી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી, જોકે તેને ખ્યાતિ ૧૯૯૯માં આવેલી સરફરોશથી મળી હતી.