દીકરી સાથે ગાળેલી ક્ષણો એ બાપનો ખજાનો છે એ ચિરસ્મરણીય બની રહે છે. પરંતુ કમનસીબે કેટલીક દીકરીઓના નસીબમાં બાપનો પ્રેમ કાયમી રહેતો નથી. એ કમભાગી દીકરી ઉપરથી બાપનો હાથ છૂટી જાય છે. આગામી તા. ર૯ અને ૩૦ ડિસેમ્બરના રોજ દીકરાનું ઘર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી રર દીકરીઓના વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ શાહી અને જાજરમાર લગ્નોત્સવનું આયોજન કરાયું છે.
દીકરાનું ઘર દ્વારા યોજાનાર વહાલુડીના વિવાહમાં કુલ રર દિકરીઓના લગ્ન થશે. દરેક દીકરીને તેમના રીત-રીવાજ મુજબ લગ્ન કરાવવાના આવશે. તાજેતરમાં સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે રર દીકરીઓ તેમજ તેના વાલી અને સંસ્થાના કાર્યકર્તાઓની ઉ૫સ્થિતિમાં કાર્યક્રમની રુપરેખા સંદર્ભે એક અગત્યની બેઠક યોજાઇ હતી. જેના અઘ્યક્ષ સ્થાને શહેરના જાણીતા યુવા ઉઘોગપતિ એન્જલ પમ્પના માલીક કીરીટભાઇ આદ્રોજા તેમજ મોઢ વણીક સમાજના યુવા અગ્રણી અને જાણીતા વેપારી સુનીલભાઇ મહેતા ઉ૫સ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૯ જુલાઇના રોજ લગ્નોત્સવ માટે પસંદ થયેલી રર દીકરીઓને તેમના પસંદગી મુજબનો કરીયાવર લેવા માટે સરુત લઇ જવાશે. જેમાં સંસ્થાની બહેનો પણ જોડાશે. આ લગ્નોત્સવમાં સામેલ થનાર પ્રત્યેક દીકરીઓને લગભગ બે લાખ રૂપિયાનો કરીયાવર અપાશે તેમજ લગ્ન પછી દરેક દીકરી-જમાઇને પ્રવાસ પણ કરાવવામાં આવશે.
દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમના મુકેશ દોશીના નેતૃત્વ હેઠળ આ શાહી લનની તડામાર તૈયારી શરુ થઇ ગઇ છે. જેમાં શહેરના ૧૧ શ્રેષ્ઠીઓની માર્ગદશર્ન ટીમ તેમજ ૧૦૮ કર્મઠ કાર્યકર્તાઓની ફોજ પણ બનાવવામાં આવી છે. સંસ્થાના અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, ઉપેનભાઇ મોદી, અશ્ર્વિનભાઇ પટેલ, કીરીટભાઇ પટેલ, જીતુભાઇ ગાંધી, છાયાબેન મહેતા સહીતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.