ઓરી – રૂબેલા રસીકરણ અભિયાન માટે રા.મ.ન.પા. ના આરોગ્ય અને શિક્ષણ વિભાગ સજજ
રાજકોટ શહેરની ૬૪૫ પ્રાઇવેટ તથા ૮૦ કોર્પોરેશનની શાળાના આચાર્યો તથા નોડલ ટીચરની ઓરી રૂબેલા અભિયાનની તાલીમ શીબીર સંપન્ન
આપણા દેશના ભવિષ્યના યુવાધનના આરોગ્યની જાણવણી તથા ઓરી રૂબેલાના રોગથી મુક્ત રાખવા MR કેમ્પેઈન એટલે કે ‘ઓરી રૂબેલા રસીકરણ અભિયાન’ ૧૬ મી જુલાઈથી ગુજરાત તથા રાજકોટ મહાનગરપાલિકામાં અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે વિશેષ માહિતી આપતા ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, મેડીકલ સર્વે મુજબ ૯ માસથી ૧૫ વર્ષના બાળકો પૈકી ઓરીના ૯૫ % તથા રૂબેલાના ૯૦ % આ ઉમર દરમ્યાન રોગનો ભોગ બને છે. કુલ વસ્તીના ૨૫ % થી ૩૦ % ની વસ્તી ૯ માસ થી ૧૫ વર્ષના બાળકો છે. ૨૦૨૦ સુધીમાં ઓરીને નાબુદ કરવા અને રૂબેલાને નિયંત્રણમાં લેવા તથા MR રસીને રૂટીન ઈમ્યુનાઈઝેશનમાં જોડવા આ અભિયાન થઇ રહ્યું છે.
આ અભિયાનમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ તથા આઈ.સી.ડી.એસ. વિભાગની કામગીરી છે. જે અન્વયે રાજ્યસરકાર પ્રિન્સીપાલ સેક્રેટરીશ્રી દ્વારા દરેક વિભાગને તેમની આ કાર્યભૂમિકા અને જવાબદારી વિશે સ્પષ્ટ આદેશ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૮૦૦ થી વધારે શાળાઓના ૯ માસ થી ૧૫ વર્ષના અંદાજીત સાડા ત્રણ લાખથી વધારે બાળકોને આ અભિયાનમાં આવરી લેવાના હોય દરેક શાળાના શિક્ષકો, વિધાર્થીઓ તથા વાલીઓને ટ્રેઈનીંગ તથા જાગૃતિ કાર્યક્રમ કરવા આદેશ થયેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના શાશનાધિકારી તથા જીલ્લાના શિક્ષણાધિકારી શ્રી દ્વારા નક્કી કરેલ શિડ્યુલ મુજબ દરેક શાળાના પ્રિન્સીપાલ તથા કાર્યક્રમના એક નોડલ ટીચરની નિષ્ણાંત દ્વારા કાર્યક્રમમાં તાલીમ આપવાની કામગીરી સુવ્યવસ્થિત ચાલુ કરેલ છે. આ તાલીમ પામેલ નોડલ ટીચર શાળાના દરેક ટીચરને તાલીમ આપશે. દરેક શાળાના આચર્યશ્રી PTM (પેરેન્ટ ટીચર મીટીંગ)માં વાલીઓની જાગૃતતા, માર્ગદર્શન તથા પ્રશ્નોના સમાધાન કરશે. આ કાર્યક્રમનું ૧૦૦ % સફળ અને સુવ્યવસ્થિત અમલીકરણ થાય તે માટે દરેક શાળા રસીકરણ અગાઉ નીચે દર્શાવેલી કામગીરી કરશે.
- દરેક શાળાના આચાર્યશ્રી દ્વારા ૯ માસથી ૧૫ વર્ષના બાળકોની ક્લાસ વાઈઝ માહિતી તૈયાર કરવી તથા શાળા દીઠ એક નોડલ શિક્ષકની નિમણુંક કરવી.
- દરેક શાળાના આચાર્યશ્રી તથા નોડલ ઓફિસરશ્રી દ્વારા તાલીમ લઇ શાળાના અન્ય શિક્ષકોને તાલીમ આપવી.
- દરેક ક્લાસટીચરે ૧૬ જુલાઈ પહેલા વિદ્યાર્થીઓને બે વખત તથા વિદ્યાર્થીઓના વાલીની સાથે માર્ગદર્શન જાગૃતતા અંગે શાળામાં મીટીંગ યોજવી.
- રસીકરણ અગાઉ તમામ વાલીઓને સુચનાપત્ર તથા આમંત્રણ કામ રસીકરણ કાર્ડ મોકલવું.
- રસીકરણના દિવસે રસીકરણ સમયે તમામ ૯ માસ થી ૧૫ વર્ષના બાળકો શાળામાં હાજર રહે તેમજ સ્થળ પર ક્લાસ ટીચર તથા નોડલ ટીચર હાજર રહે તેવી વ્યવસ્થા ગોઠવવી.
- ગેરહાજર રહેલા બાળકોનું લીસ્ટ બનાવી આરોગ્ય વિભાગને આપવું.
- બાળકોમાં જાગૃતતા માટે પ્રતિજ્ઞા લેવડાવવી, ડ્રોઈંગ, નિબંધ વિગેરે સ્પર્ધા કરવી.
રાજકોટ શહેરની દરેક શાળાને ૯ માસ થી ૧૫ વર્ષના બાળકોને શાળામાં નક્કી કરેલ દિવસોએ ૧૦૦ % રસીકરણ કરાવવા માટે મેયરશ્રી બીનાબેન આચાર્ય, ડે. મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, સ્ટે. કમીટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડ, મ્યુ. કમિશનરશ્રી બંછાનીધી પાની, શાસક પક્ષ નેતાશ્રી દલસુખભાઈ જાગાણી, દંડકશ્રી અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકરે અપીલ કરેલ છે.