પંજાબ સરકાર દ્વારા ડ્રગ્સ માફિયાઓને ઝેર કરવા કેન્દ્ર સમક્ષ માંગણી ઉઠાવી
પંજાબના યુવાનોને નશાની લત ચડાવી મોતના મુખમાં ધકેલનારા ડ્રગ્સ માફીયાઓને ઝેર કરવા પંજાબ સરકારે મહત્વનો નિર્ણય લઈ ડ્રગ્સની દાણચોરી-વેપારમાં સંડોવાયેલાઓને મૃત્યુ દંડ આપવાની જોગવાઈ કરવા કેન્દ્ર સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકાયો છે.
પંજાબના મુખ્યમંત્રી અમરીદંરસિંઘની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ડ્રગ્સનું વેચાણ કરતા શખ્સો અને ડ્રગ્સની હેરફેર કરનારાઓ વિરુઘ્ધ કડક પગલાપે મૃત્યુદંડની સજા કરવા કાયદામાં ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આવી પહેલ કરનાર પંજાબ દેશનું પહેલું રાજય છે.
છેલ્લા વર્ષોમાં પંજાબના નશીલા પદાર્થોના સેવનના કારણે અનેક લોકોના મૃત્યુ થયા હોવાની હકિકત વચ્ચે પંજાબની સ્થિતિ ગંભીર બની રહી હોય નાર્કોટિક ડ્રગ્સ અને સાયક્રોટ્રોયિક સબન્સ એકટને પુન: લાગુ કરાવી આ કાયદાતળે આવા અપરાધીઓને મૃત્યુદંડની સજા કરાવવા માંગણી કરી છે.પંજાબ સરકાર ઈચ્છે છે કે ડ્રગ્સના દૂષણને નાથવા ડ્રગ્સનો વેપાર કરનાર ઉપરાંત ડ્રગ્સની દાણચોરી અને હેરફેરમાં સંડોવાયેલાઓને પણ બક્ષવા ન જોઈએ અને મૃત્યુદંડની સજાની જોગવાઈથી આવા અપરાધિક મામલા બનતા અટકશે.
ઉલ્લેખનીય છે કે પંજાબ સરકારે ડ્રગ્સના દુષણને ડામવા માટે ખાસ એક મોનીટરીંગ કમિટીની રચના પણ કરવામાં આવી છે અને ડ્રગ્સના કિસ્સાઓનું પ્રમાણ વધતા ડ્રગ્સ ઉપરાંત દવાની આડમાં નશીલા પદાર્થો વેચતા ઈસમોને ઝેર કરવા કાયદામાં બદલાવ કરી નશીલા દ્રવ્યોના વ્યાપાર સાથે સંકળાયેલા લોકોને પણ મૃત્યુદંડ આપવાની જોગવાઈ કરવા કેન્દ્રને દરખાસ્ત મોકલી છે. આમ, જો પંજાબ સરકારની નશીલા પદાર્થોની હેરફેર અને વેપાર કરતા તત્વોને ઝેર કરવા મૃત્યુદંડની સજાની જોગવાઈ સ્વીકારાશે તો દેશભરમાં ડ્રગ્સનું દુષણ દુર થઈ શકે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.