“ચંબલના પંતબરોલી પોલીસ સ્ટેશનના બીનપૂરા ગામે પાદરમાં એક ઘુમટી હતી તે ત્યાંના ફોજદાર (દરોગા) ડાકુઓ સાથે અડામણમાં શહીદ યેલા તેની હતી !
ફોજદાર જયદેવને આ પંતબરોલી પોલીસ થાણાના રક્ષણ માટે જો ગાર્ડ રાખવામાં આવતી હોય તો અન્ય અને તે પણ પંતબરોલીથી દૂર ગામડાઓમાં તો બધુ ભગવાન ભરોસે જ હશે તે તેમ લાગ્યું.
જયદેવે પંતબરોલીના થાણેદારને બીનપૂરા ગામે એક આરોપી પકડવા જવાની વાત કરી એટલે તેણે જાણે તેની ઉપર પહાડ તુટી પડયો હોય તેવો દેખાવ કર્યો અને જયદેવને કહ્યું કે ‘ઈધર હાલાત બહુત ખરાબ હૈ ઔર હમારા વ્હીકલ ભી આઉટ ઓફ ઓર્ડર હૈ કયા કરેગે સાહબ?’ તેમ કહી નમણે હાથ મૂકયો, આથી જયદેવને ગોધરા કોન્સ્ટેબલ છત્રસિંહે કહેલી વાત સો ટકા સાચી લાગી.
આથી જયદેવે થાણેદારને કહ્યું જો બીનપૂરા ગામ બહુ દૂર ન હોય તો એક કોન્સ્ટેબલ અમારી સાથે મોકલો અમે ગામમાંથી ટેક્ષી ભાડે લઈને તપાસમાં જતા આવીએ અમારે તપાસની ડાયરીતો બનાવવી જ પડશે ને? જેથી તેણે કહ્યું ‘હા વો બાતભી સહી હૈ ચલો એક અચ્છા જવાન આપે કે સાથ ભેજતા હું’ કહીને તે ચેમ્બર બહાર પી.એસ.ઓ. પાસે જઈને એક જવાનને લઈ આવ્યા આ જવાન દેખાવે તો લચરો જણાતો હતો.
પણ પાછળ અનુભવે પણ બરોબર લચરો જણાયેલ અને થાણેદારે જાણે તૈયાર કરીને કાંઈક સલાહ આપી ને સાથે મોકલ્યો આથી જયદેવે એ આ થાણેદારની વર્તુણુંક એવી લાગતા તેણે અગાઉથી જ તૈયાર રાખેલો મદદ માટેનો ઈગ્લીશમાં લખેલો રીપોર્ટ તેને આપ્યો આ થાણેદાર પ્રમોટી હશે તેથી રીપોર્ટ જોઈ બોલ્યા’ અરે થાનેદાર સાહબ આપ ઈગ્લીશ મેં લીખ કે દે રહે હૈ ઈધર કોન પઢેગા? જયદેવે તેમને કહ્યું સાદો મદદ માટેનો જ કેસ ડાયરી બનાવવા માટે રીપોર્ટ યાદી છે તેમણે કહ્યું ‘ઠીક હૈ ચલો જા કે આઓ મગર સ્ટેશન ડાયરી મેં એન્ટ્રી ભી ડાલો,. જયદેવે સ્ટેશન ડાયરીમાં ઈગ્લીશમા જ ગોધરા રેલવે થાણાના ગુન્હાના નંબર નાખી સાથેના જવાન તથા પોતાના જવાનો નામ લખી થાણેદારના જણાવ્યા મુજબ રવાના થયાની નોંધ કરી.
જયદેવે ત્યાંના જવાન પ્યારે લાલને પૂછયું કે બીનપૂરા કેટલુક દૂર છે. તો તેણે કહ્યું ‘કરીબન પંદરા બીસ માઈલ તો હોગા જાનેમેં દીકતેં ભી આયેગી કયું કી પહાડી ઈલાકા હૈન? જયદેવને લાગ્યું કે આ જવાન પણ ગુજરાત પોલીસને ઠેકાડવા માગતો લાગે છે. આમ તો જયારે ગુજરાતમાં બહાર ની રાજયની પોલીસ તપાસમાં આવે ત્યારે ગુજરાત પોલીસ અધિકારીઓ ઓછા ઓછા થઈને પોતાના વાહનો અને ડીસ્ટાફને પણ સાથે મોકલી પોતે અંગત રસ લઈને આરોપીઓને પકડાવે તો છે.પરંતુ રહેવા જમવાની પણ વ્યવસ્થા કરી દે છે.તે ગુજરાતી સરભરાની જયદેવને યાદ આવી ગઈ. ગુજરાતની મહેમાનગતિની તો તમામ જગ્યાએ પ્રશંસા થાય જ છે ને ?
જયદેવે જવાન પ્યારેલાલને ટેક્ષી માટે કહ્યું તો તેણે કહ્યું કે બીનપૂરા કોઈ ટેક્ષી વાળો નહિ આવે રસ્તો પહાડી અને નદીઓ વાળો છે. તેથી સાયકલો જ ભાડે લેવી પડશે તેમ કહી તમામને એક એક ભાડાની સાયકલ અપાવી દઈને રવાના થયા. બીનપુરા જતા રસ્તા કેડી જેવા પહાડ ઉપર નીચે ચડવાના વચ્ચે નદીના વહેણ આવે એટલે પહાડ અને નદી પાર કરવા સાયકલ જ ઉંચકવી પડે. જયદેવને થયું કે આ સાયકલોને બદલે ચાલીને આવ્યા હોત તો સારૂ હતુ સાયકલો તો ઉપાડવી ન પડત. આખરે એક ટેકરી નીચે ઉતરતા ટેકરીઓ અને જંગલોથી ઘેરાયેલુ બીનપૂરા ગામ આવ્યું.
ગામના પાદરમાં એક ઘુમટી આવી ઘુમટી એટલે રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કોઈ મોટી વ્યકિત કે ઠાકુર મૃત્યુ પામે તો તે જગ્યાએ કે અગ્નીસંસ્કાર કર્યા હોય ત્યાં એક ઉંચો ચોરસ ઓટલો બનાવી ચાર પીલર ઉપર મંદિર પ્રકારનું નમુનેદાર છતર બનાવી પાકુ કાયમી યાદી રૂપે સ્મારક બનાવે છે તેને ઘૂંમટી કહે છે. કચ્છમાં તેને છતરડી કહે છે.
પ્યારે લાલે ધૂમટી બતાવી ને કહ્યું કે અગાઉ અહી ડાકુઓ અને પોલીસ વચ્ચે મુઠભેડ થયેલી ત્યારે પંતબરોલીના તે વખતના થાણેદાર દરોગા અહી કામ આવી ગયેલા (શહીદ થઈ ગયેલા) આ સાંભળી ને ગુજરાત પોલીસ દિગમુઢ થઈ ગઈ એ બરાબર હતુ કે વિસ્તાર ચંબલ ઘાટીનો જંગલો અને પહાડો વચ્ચે નાનુ એવું ગામડુ દ્રશ્યો તો ભયજનક હતુ પણ જયદેવ પ્યારેલાલની તમામ વાતોને બનાવટી માનતો હતો.
એક સડક પણ (પાકો રસ્તો) ગામ તરફ આવતી જણાઈ જેથી જયદેવે પ્યારેલાલને કહ્યુંકે સડક તો આ આવી આપણે ખોટા પહાડ નદીઓ ઠેકતા આવ્યા. પ્યારે લાલ ચતુરાઈથી કહ્યું ‘સાહબ આપકો હમારે પર વિશ્વાસ નહિ હૈ? તો ચલો પુછો ગાંવવાલોસે’ જયદેવને કોઈ લાંબી લપમાં અત્યારે પડવું ન હતુ તેથી કહ્યું ‘તો હશે’ પ્યારે લાલે કહ્યું આ સડક બીજા શહેર તરફ જાય છે. પંતબરોલી જતી નથી.
ગામના પાદરમાં આવી તેણે કહ્યું કે ‘આપ થોડીદેર ઈધર ઠહરીએ મેં જરા ગાંવ કે મુખ્યા કો બુલા કે લાતા હું’ તેમ કહી તે ગામમાં ગયો કોન્સ્ટેબલ છત્રસિંહે ટપકુ મુકયું કે ‘પ્યારેલાલ શકુની જેવો લુચ્ચો લાગે છે. જયયદેવે કહ્યું અત્યારે આપણે આરોપીના ઘરનું પંચનામું કરી લઈએ તો પણ આપણુ કામ પતી ગયું ગણાય ભલેને તે શકુનીવેડા કરે લડાઈ વખતે જોયુ જાશે.
તમામ જયદેવ સામે પ્રશ્ન ભરી નજરે જોવા લાગ્યા. પ્યારેલાલ એક માણસને તેડી લાવ્યો તે ગામનો મુખ્યા હતો પણ ગભરાયેલો જણાતો હતો. જયદેવે મુખ્યાને દુર્જનસિંહ ચૌધરીનું ઘર બતાવવા કહ્યું આથી તેણે કહ્યું ‘ચલીએ સાહબ’ મુખ્યાએ રસ્તામાં ચાલતા ચાલતા જ વાત કરી કે ‘રાતકો હી ડાકુઓ કી ગીરોહને ઈધર ડેરા (મુકામ) ડાલાથા ઔર બકરા પકાયા ઔર ખાને કે બાદ રવાના હો ગયેથે’ તેમ કહી ગામના પાદરમાં એક જગ્યા તરફ આંગળી ચિંધી જયદેવે ત્યાં જોયું તો પથ્થરોથી એક મંગાળો (ચુલો) બનાવેલો હતો તેમાં રાખ અને અર્ધ બળેલા લાકડા પડેલા હતા તથા પશુના હાડકાઓ પણ પડેલા હતા આથી આ વાત તો જયદેવને સાચી લાગી.
મુખ્યા પોલીસને આરોપી દુર્જન ચૌધરીના ઘેર લાવ્યો આ ઘર સડકના કાંઠે જ હતુ જયદેવે ઘરની ઝડતી તપાસ કરી ચતુસીમા જોઈ પંચનામુ કર્યું મુખ્યાએ કહ્યું કે દુર્જનસિંહ ઘણા સમયથી નાસી ગયો છે. કોઈ સરનામુ સમાચાર નથી કદાચ કોઈ ડાકુ ગીરોહ (ટોળકી)માં સામીલ થઈ ગયો હોય તેમ લાગે છે.
જયદેવે કહ્યું ભલે પણ મનમાં વિચાર આવ્યો કે જો ખરેખર અત્યારે આ સમયે જ ડાકુઓ આવ્યા હોય તો આ એક રીવોલ્વરનું ડાકુઓનાં હથીયારો પાસે શુ આવે? જયદેવે ઝડપથી કામ પતાવીને પાછા પંત બરોલી જવા રવાના થયા એજ રસ્તો ટેકરા નદીઓના વહેણ પાર કરીને માનો કે કે સાયકલો ઉંચકીને જ પંતબરોલી આવ્યા જયદેવે થાણાની સ્ટેશન ડાયરીમાં પરતની નોંધ કરી થાણેદારનો ખૂબ ખૂબ આભાર માની જયદેવ અને તેની ટીમ પંતબરોલીથી વિક્રમગઢ રેલવે સ્ટેશને આવ્યા. જોગાનુ જોગ દહેરાદુન ટ્રેન જ મોડી હતી તેથી મળી ગઈ અને તમામ મોડીરાત્રે ગોધરા પરત આવ્યા.
રસ્તામાં ટ્રેનમાં કોન્સ્ટેબલ છત્રસિંહે જયદેવ સામે હંસી ને કહ્યું કે સાહેબ મેં અગાઉ જે કહ્યું હતુ તેમાં કાંઈ ખોટુ પડયું? આ અહિંની પોલીસની હાલત અને મનોદશા જોતા કોઈ સાહસ કરવા જેવૂં લાગે છે? જયદેવે તેને ત્યારે તો હા કહી, પરંતુ તે મનમાં કાંઈક જુદુ જ વિચારતો હતો. જયદેવે વડોદરા રેલવે પોલીસ વડાને મધ્યપ્રદેશમાં ગુન્હાની તપાસમાં સરકારી જીપ લઈને જવાની મંજૂરી માગતો રીપોર્ટ કર્યો. પણ તેનો જવાબ પંદરેક દિવસ સુધી આવ્યો નહિ.
દરમ્યાન એક દિવસ પંત બરોલીનો કોન્સ્ટેબલ પ્યારેલાલ ગોધરા આવ્યો અને જયદેવને સલામ કરીને મળ્યો, જયદેવે તેને અહી આવવાનું કારણ પૂછયું તો તેણે કહ્યું કે અમે દુર્જન ચૌધરીની તપાસ કરી રહ્યા છીએ તમે હવે ફરીથી આવો ત્યારે મને જ બોલાવજો તમારૂ કામ થઈ જશે.
પરંતુ જયદેવને પેલુ લોક વાકય કે જે સાચા ડોકટરનું નિદાન, મેજીસ્ટ્રેટનું માનવું અને પોલીસ અધિકારીની શંકા એ યર્થાથ જ હોય છે. તેને બરાબર માનતો હતો. જયદેવને શંકા તો તેની ઉપર અગાઉથી હતી જ પરંતુ પ્યારેલાલ આટલી વાત કરવા છેક ગોધરા આવ્યો ન જ હોય પણ કાંઈક કારણ હશે. પણ તેની તો આરોપીની જેમ ઉલટ તપાસ થઈ શકે નહિ? તે જીપ સાથે તપાસમાં જવાની મંજૂરીની રાહજોતો હતો.
આખરે રેલવે પોલીસ વડાનો પત્ર આવ્યો સરકારી જીપ લઈ જવી નહિ પરંતુ રેલવે રસ્તે જ બીનપૂરા જવું અને તેમાં તેમણે તાકીદ પણ કરી કે આરોપી દુર્જન ચૌધરીને તાત્કાલીક પકડી લેવો !પત્ર વાંચી ને જયદેવને મનમાં થયું કે તંત્ર કેવું ચાલે છે. આ આરોપીને થોડો જ વડોદરાના રાયપૂરા કે આજવા રોડ ઉપરથી પકડવાનો છે ? છતા તેણે ફરી વખત બીનપુરા જવાની તૈયારી શરૂ કરી મનમાં જ તે કાર્યવાહીને તેણે ‘ઓપરેશન એવરેસ્ટ’ નામ આપ્યું પણ જે ખરેખર જયદેવ માટે તો ‘ઓપરેશન એવરેસ્ટ’ બનવા સર્જાયું હતુ. અગાઉ સાથે આવેલા જ જવાનોને જ જવાની વર્ધી અપાઈ કોન્સ્ટેબલ છત્રસિંહ ચૌહાણે જયદેવ સામે મુંછમાં હસીને કહ્યું શું બહારવટીયો પકડવો જ છે? જયદેવે શાંત ચિતે અને પોલીસને હિંમત રહે માટે કહ્યું ‘કાગળ ઉપર તો કાર્યવાહી કરવી જ પડશે ને?’
ફરીથી જયદેવ એજ રીતે ગોધરા રેલવે પોલીસની ફોજ લઈ દહેરાદૂન એક્ષપ્રેસમાં વિક્રમગઢ આલોટ સ્ટેશને આવ્યો. ટ્રેન ગયા પછી પંત બરોલી જવા માટે વાહનની થોડી રાહ જોઈ તે તજવીજ ચાલુ હતી ત્યાં જયદેવે વિક્રમગઢ રેલવે સ્ટેશન માસ્તર સાથે દોસ્તી બાંધી વાતો ચાલુ કરી. જોગાનું જોગ આ સ્ટેશન માસ્તરે અગાઉ ગોધરા નોકરી કરેલી તેથી તેમણે ખૂબ આત્મીયતા બતાવી ગોધરાના તેમના અનુભવો જયદેવે સાંભળ્યા.
દરમ્યાન પંત બરોલીની લોકલ બસ આવી જતા જયદેવ કાફલો લઈ રવાના થયો. પંતબરોલી બસ સ્ટેન્ડ ઉપર ઉતર્યો ટેક્ષીની શોધ કરી પરંતુ લોકસભાની ચૂંટણીઓ જાહેર થયેલી. તેથી ટેક્ષીઓ રાજકીય પક્ષોએ ભાડે બાંધી લીધેલી.
જયદેવ મુંજાયો પંતબરોલી પોલીસની મદદ લેવા જેવું તો હતુ નહિ કેમકે તે તો સામેથી કામ બગાડે તેમ હતા. ઉભા હતા ત્યારે એક ટેક્ષી કે જેને જનતા પક્ષે ભાડે બાંધેલી અને તેને ચારેય બાજુ ચક્રના નિશાનો સાથે બેનરો અને માઈક બાંધ્યા હતા બેનરોમાં સુત્ર લખ્યું હતુ ‘યે રાજા નહિ ફકીર હૈ’ તે ટેક્ષી પાનના ગલ્લે આવીને ઉભી રહી તેમાંથી ત્રણ ચાર કાર્યકર્તાઓ નીચે ઉતરી દુકાન ઉપર કોલ્ડ્રીંકસ પીતા હતા અને પાન મસાલાના ઓર્ડર આપ્યા હતા.
જયદેવે ટેક્ષીના ડ્રાઈવરને ધીમેથી કહ્યું કે બાજુમાં જ આવેલ બીનપૂરા ગામે પાંચ મીનીટનું કામ છે. રૂપીયા જે થાય તે તમતમારે લઈ લેજો અને ટેક્ષી મળતી નથી તમે આપો તો સારૂ. ડ્રાઈવરે ટેક્ષીમાંથી નીચે ઉતરી પાનના ગલ્લા ઉપર આવી પેલા કાર્યકર્તાઓને કહ્યું કે આ દરોગા સાહેબને પાંચ મીનીટનું બીનપૂરા ગામે એક જગ્યાએ કામ છે મળીને આવતુ રહેવાનું છે. જો તમે રજા આપો તો પંદર મીનીટમાં પાછો આવું ચૂંટણીઓમાં તો રાજકીય કાર્યકર્તાઓને મોજ જ હોય અને તે પણ ‘પારકે બાજરે દિવાળી’ની જેમ! કેમકે ટેક્ષીનું ભાડુ રાજકીય પક્ષો કે તેમના ટેકેદાર ઉદ્યોગપતીઓ ચૂકવતા હતા
ટેક્ષીનું ભાડુ દિવસના ઓછામાં ઓછા અમુક કિલોમીટર ઉપર હોય છે. તે નકકી કરેલા કિલોમીટર કરતા વધારે કી.મી. ઉપર ટેક્ષી ચાલકને કિલોમીટર દીઠ ઉંચા ભાવે ભાડુ મળે. તેથી જયદેવને અગાઉની ચૂંટણીઓમાં અનુભવ થયેલો તેથી જાણતો હતો. તેથી ટેક્ષી વાળા એજ અંગત રસ લઈ બીનપૂરા જવાનો આગ્રહ કરતા કાર્યકર્તાઓ એ તેમનો એક માણસ સાથે લઈ જવા કહ્યું અને પોતે ત્યાં જમી લેશે તેમ નક્કી કરી ટેક્ષીવાળાને ગુજરાત પોલીસ સાથે બીનપૂરા જવા છૂટ આપી વળી તેમાંથી જે નેતા હતા તેમણે કહ્યું પોલીસ તો આપણા માટે ચોવીસેય કલાક કામ કરે જ છે ને? તો પછી આપણે પણ તેમને આટલો સહકાર આપવો જ જોઈએ. કાર્યકર્તાઓને એમ કે બીનપૂરામાં એ બહાને જનતા પક્ષના ‘ચક્ર’નો પોલીસ સાથે પ્રચાર થશે અને પક્ષનો માભો પડી જશે. પણ તેમને કયાં ખબર હતી કે પોલીસ પોતાનો રોલો પાડવાની છે. પક્ષ નો નહિ.
જયદેવ આ વખતે ‘થાના પંતબરોલી’ગયો નહિ કોઈ રીપોર્ટ કે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા નો તો તેથી કોઈ પ્રશ્ન હતો નહિ. પરંતુ છત્રસિંહને મનમાં શંકા એ હતી કે જો બારોબાર આરોપીને ઉઠાવીશું તો કદાચ અહીનો થાણેદાર આપણી ઉપર અપહરણનો ગુન્હો દાખલ કરી દેતો? પણ જયદેવે કહ્યું આપણે અગાઉ તેમને આરોપીનો રીપોર્ટ આપેલો જ છે અને સ્ટેશન ડાયરીમાં નોંધ પણ કરેલી છે તેથી તેની ચિંતા નથી.
ડ્રાયવરે ટેક્ષી રોડે રોડ જવાદીધી દસ પંદર મીનીટમાં બીનપૂરા ગામ આવી ગયું અગાઉ પંતબરોલીનો કોન્સ્ટેબલ પ્યારેલાલ પહાડી અને નદીના રસ્તેથી કોઈ મલીન ઈરાદાથી અથવા થાણેદારના કહેવાથી ખોટી રીતે લાવ્યો હતો. જયદેવે તેના માણસોને અગાઉ થી જ કહી દીધું કે જે મકાન પાસે ટેક્ષી ઉભી રાખુ અને જે વ્યકિત પોલીસને જોઈને નાસવા લાગે તે જ આરોપી ગણી લેવાનો તેનું નામ પણ નહિ પૂછવાનું જયદેવે ગયા આંટે પ્યારેલાલ અને બીનપૂરાના મુખ્યા સાથે આરોપીનું સડક ના કાંઠે આવેલુ ઘર જોયેલુ જ હતુ તેથી બીજા કોઈને પૂછવાની જરૂરત હતી નહિ.
ચૂંટણીના બેનર અને માઈક લગાડેલી ટેક્ષી આવેલી જોઈ ગામ લોકોએ જેણે જોયું તેને થયું કે ‘માલ’ સાથે રાજકારણીઓ આવ્યા હશે. જયદેવે ટેક્ષી આરોપીના ઘર પાસે જ ઉભી રખાવી આથી બીનપૂરાના લોકો ટેક્ષી પાસે આવવા લાગ્યા આરોપી દુર્જન સિંહ ચૌધરી પણ ઘરમાંથી રાજકારણીની ટેક્ષી માની ને ઘરનાં ઉંબરા સુધી આવી ગયો પણ ટેક્ષીમાંથી પોલીસને ઉતરતા જોતા જ તે પાછો ઘરમાં ભાગ્યો જયદેવ અને તેની ટીમે સહેજ પણ સમય ગુમાવ્યા સિવાય ઘરમાં પ્રવેશ કયો. પણ આ દુર્જન ઘર પાછળ વાડામાં થઈ નાસવા જાય તે પહેલા જ પોલીસે તેને પકડીને સીધો ટેક્ષીમાં લાવી બેસાડી દીધો. હજુ લોકો કાંઈ સમજે કે બોલે કે બબાલ કરે પહેલા જ ડ્રાઈવરને કહ્યું જવા દે સીધી પંત બરોલી.
જયદેવને હાશકારો થયો અને થયું કે ઠંડા કલેજે કામ થઈ ગયું દુર્જન ચૌધરીએ સામેથી પોલીસને પૂછયું કે ગોધરાથી? આથી જયદેવને પાકી ખાત્રી થઈ ગઈ કે આજ આરોપી દુર્જન સિંહ ચૌધરી છે. કેમકે આરોપીને જોયે કે દેખ્યે તો કોઈ ઓળખતું નહતુ આરોપી દુર્જને કહ્યું ‘સાહેબ તમારો અને પંત બરોલી થાણેદાર સાહેબનો તમામ વહીવટ થઈ ગયો છે. તે દિવસે ગોધરા હવાલદાર પ્યારેલાલ સાથે હું પણ ગોધરા આવ્યો હતો.
પરંતુ હવાલદાર સાહેબે મને કહ્યું કે તું દૂર ઉભો રહે જે હું સાહેબને મળતો આવું છું તેમ કહીને તમને એકલો જ મળ્યો હતો. આમ દુર્જનસિંહે વાત કરતા જયદેવને પંતબરોલી થાણેદાર અને હવાલદાર પ્યારેલાલની પૂરી રમત અને કરામત અને કપટનો ખ્યાલ આવી ગયો.
ટેક્ષી પાછી પંતબરોલી બસ સ્ટેન્ડમાં આવી પેલા રાજકારણી કાર્યકર્તાઓ આવીને રાહ જોતા હતા જયદેવે તેમનો ખૂબ આભાર માન્યો. ટેક્ષી ડ્રાઈવરને કેટલા રૂપીયા આપવાના તેમ પૂછતા ડ્રાઈવરને બદલે રાજકારણીઓ એ કહ્યું કે હોઈ કાંઈ તમારા પૈસા થોડા લેવાય ? છતાં જયદેવે ટેક્ષી ડ્રાઈવરને પરાણે રૂપીયા આપતા ખુબ આનાકાની પછી તેણે રાજીખુશીથી ઈનામ પેટે લીધા.
હજુ પોલીસ જવાનો ટેક્ષીમાંથી આરોપીને લઈને ઉતરતા હતા ત્યાંજ જોગાનુ જોગ ડેપોમાંથી બસ બહાર નીકળી તે વિક્રમગઢ સ્ટેશનની જ હતી પોલીસે તેને રોકીને આરોપીને લઈને સીધા તેમાં ચડી ગયા. બસમાં જયદેવે આરોપીને બરાબર હાથકડી દોરડાથી બાંધી દેવા હુકમ કર્યો અને પોલીસે તેનો તુરત અમલ કર્યો તમામ વિક્રમગઢ આલોટ રેલવે સ્ટેશને આવ્યા પરંતુ હજુ છત્રસિંહ મુંજવણમાં હતા.
વિક્રમગઢ આલોટ સ્ટેશન ઉપર તે સમયે હજુ ફરજ ઉપર પેલા ગોધરાના ભૂતપૂર્વ સ્ટેશન માસ્તર જ હતા. તેમણે કહ્યું કાંઈ બહુ ઝડપથી આવ્યા? જયદેવે કહ્યું કે કામ તુરત થઈ ગયું એટલે જલ્દી આવ્યા. સ્ટેશન માસ્તરે રીટાયરીંગ રૂમ ખોલ્યો તેથી તમામ જવાનો આરોપીને લઈને તેમાં બેઠા દહેરાદૂન એક્ષપ્રેસ ટાઈમ સર જ હતો પણ આવવાનો હજુ અડધા કલાકની વાર હતી.
કોન્સ્ટેબલ છત્રસિંહે જયદેવ પાસે શંકા વ્યકત કરી કે પંતબરોલીના થાણેદારને તો સારો એવો વહીવટ થઈ ગયો છે. જેથી હવે દુર્જનને બીનપૂરાથી ગુજરાત પોલીસ ઉપાડી ગઈ તે વાત કોઈ બીનપૂરાથી પંતબરોલી થાણે જઈને કરે તો થાણેદાર કદાચ આડો ચાલે કેમ? કેમકે અગાઉ મધ્યપ્રદેશમાં ગુજરાત પોલીસને આવા અનુભવ પણ થયેલા અને તે કિસ્સા જયદેવ પણ જાણતો હતો. આથી જયદેવે સ્ટેશન માસ્તર પાસે જઈને કહ્યું કે ‘અહિંની પોલીસ આવે અને પુછે કે ગુજરાત પોલીસ અહી આવી છે કે કેમ? તો તેમને જણાવજો કે ખબર નથી. ‘જયદેવ ને થયું કે ખોટાવાદ વિવાદ અને કોઈ લફરા બાજીમાં કયાં પડવું? સ્ટેશન માસ્તરે કહ્યું સાહેબ અહિં ગુજરાત જેવું તાત્કાલીક કાંઈ પોલીસમાં નથી કે તુરત પોલીસ આવી જાય. અહિ તો ‘હોતા હૈ ચલતા હૈ’ વાળુ જ ચાલે છે.
દરમ્યાન દહેરાદૂન એકક્ષપ્રેસ આવી ગયો પોલીસને લાગ્યું કે જાણે ગુજરાત આવી ગયું ટ્રેન ચાલુ થઈ પછી છત્રસિંહે જયદેવને કહ્યું ‘સાહેબ તમે ખરેખર કમાલ કરી જેમ’ સાપ મરે પણ લાઠી ભાંગે નહિ’ તેમ બહારવટીયો પકડયો પણ ખરો, કોઈ બબાલ વગર કામ થઈ ગયું બાકી તો આ ચંબલ ઘાટી છે. જેવા ડાકુ તેવી પોલીસ ! તમે વાણીયાની જેમ કોથળામાં પાંચ શેરી રાખીને માર્યા અને બંનેની હાલત બેહાલ કરી!