પક્ષના આદેશની અવગણવા બદલ પ્રદેશ નેતાગીરી આકરે પાણીએ
મોરબી જિલ્લા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સમયે પક્ષના આદેશને અવગણનાર માળીયા અને હળવદના પાંચ સભ્યો વિરુદ્ધ પ્રદેશ કોંગ્રેસે કડક પગલું લઈ પચેયને સસ્પેન્ડ કરી દેતા કોંગ્રેસપક્ષમાં સોપો પડી ગયો છે.
જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં યોજાયેલ જિલ્લા – તાલુકા પંચાયતોની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સમયે માળીયા તાલુકામાં ત્રણ સભ્યોએ પક્ષના આદેશની અવગણના કરતા કોંગ્રેસને શાસન ગુમાવવું પડ્યું છે એ જ રીતે હળવદમાં પણ કોંગ્રેસના બે સભ્યોએ પક્ષના આદેશોનો ઉલાળ્યો કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રદેશ કોંગ્રેસને રિપોર્ટ કર્યો હતો.
દરમિયાન આજે પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા હળવદ અને માળીયા તાલુકા પંચાયતના પાંચ સભ્યો વિરુદ્ધ આકરુ પગલું ભરી કોંગ્રેસના વ્હીપથી વિપરીત મતદાન કરવા બદલ પાંચેય સભ્યોને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો.
જો કે મોરબી જિલ્લા પંચાયતમાં પણ પક્ષના આદેશ નો ઉલાળીયો કરી પ્રમુખ અને ઉપપ્રમુખ બેઠા હોય આવનાર દિવસોમાં પ્રદેશ નેતાગીરી જિલ્લા પંચાયત માટે કેવો રવૈયો અપનાવે છે તે જોવું રહ્યું.
માળિયા તાલુકા પંચાયતના બગસરા બેઠકના સદસ્ય જીવતીબેન વિરાભાઈ પીપળીયા, ભાવપર બેઠકના ધનેશ્વર કાન્તિલાલ વ્યાસ અને વેજ્લપર બેઠક પરથી રમેશ મનજી કૈલા તેમજ હળવદ તાલુકા પંચાયતના જુના દેવાળિયા બેઠકના અલ્પાબેન અરવિંદભાઈ અને રાણેક્પર બેઠકના સદસ્ય નવઘણ ગણેશ ઉદેચાને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવ્યા છે.