ભારત અને ગુજરાતના સ્માર્ટ સિટીઝના વિકાસમાં સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ અર્બન ગવર્નન્સ ક્ષેત્રે ગેઇમ ચેન્જર બનશે : મુખ્યમંત્રીશ્રી
ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે આ વિષયોના જ્ઞાન અને અનુભવનું પરસ્પરઆદાન પ્રદાન બંને પક્ષોની શહેરી સુખાકારી માટે અવશ્ય લાભદાયી : વિજયભાઇ રૂપાણી
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઇઝરાયેલ પ્રવાસના પાંચમા દિવસે ઇઝરાયેલની રાજધાની તેલ અવિવના કમાન્ડ-કંન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી.
તેલ અવિવ શહેરમાં સુરક્ષા સલામતી પ્રબંધન સાથોસાથ અન્ય નાગરિક સમસ્યાઓના નિવારણમાં શહેરી સત્તા વાહકોએ ટેકનોલોજીનો એનાલીટીક્સ સાથે વિનિયોગ કર્યો છે તેની પ્રસ્તુતિ તેમણે નિહાળી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન જણાવ્યું કે ભારતમાં ગુજરાતના છ સહિત સો શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવાઇ રહ્યા છે તેમાં નાગરિક સુવિધા સુખાકારીની સમસ્યાના સમાધાન માટે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ અર્બન ગવર્નન્સ ક્ષેત્રે ગેઇમ ચેન્જર બનશે.
તેમણે કહ્યું કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, દાહોદ અને ગાંધીનગર પણ સ્માર્ટ સિટીઝ તરીકે વિકસી રહ્યા છે. આ શહેરોમાં આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ સાથે ટેકનોલોજીના સંયોજનથી અર્બન મેનેજમેન્ટ સોલ્યુશન્સ વિકસાવી શકાય તેમ છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે આ વિષયોના જ્ઞાન અને અનુભવનું પરસ્પર આદાન પ્રદાન બંને પક્ષોની શહેરી સુખાકારી માટે અવશ્ય લાભદાયી નિવડશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે તેલ અવિવ શહેરમાં લાઇટીંગ, રોડ, ટ્રાન્સપોર્ટ સીસ્ટમ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય વહીવટી સંચાલનના પાસાઓમાં કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ સેન્ટરની સવલતોનો જે ઉપયોગ થાય છે તેનાથી માહિતગાર થવા મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળે આ સેન્ટરની મુલાકાત લીધી હતી.