દરેક વસ્તુ પર એક સમાન ૧૮ ટકા જીએસટી વસુલવામાં આવે તો જીવન જરૂરી વસ્તુઓ અને ખાદ્ય પદાર્થોની કિંમતમાં તોતીંગ વધારો થાય: વડાપ્રધાન મોદી
જીએસટીની અમલવારી થયાની પ્રથમ વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ એક કરની વાતનો છેદ ઉડાવી દીધો છે. દેશમાં કર માળખુ જીએસટીના માધ્યમી એક સમાન કરવાના ઈરાદે અમલવારી થઈ હતી. જો કે, વિવિધ સ્લેબ હેઠળ વસ્તુઓને મુકવામાં આવતા વધુ તકલીફો ઉભી થઈ છે. ગઈકાલે નરેન્દ્ર મોદીએ જીએસટીમાં સીંગલ ટેકસ રેટની સંભાવનાઓ નકારી કાઢતા કહ્યું હતું કે, મર્સીડીસ કાર અને દૂધ પર એક સમાન ટેકસ હોય શકે નહીં.
મોદીએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસની માંગ પ્રમાણે જો દરેક વસ્ત પર એક સમાન ૧૮ ટકા જીએસટી વસુલવામાં આવે તો જીવન જરૂરી વસ્તુઓ અને ખાદ્ય પદાર્થોની કિંમતોમાં તોતીંગ વધારો થાય. જીએસટી એક જ સ્લેબમાં હોવો જોઈએ તેવું કહેવું સહેલુ છે પરંતુ ખાદ્ય પદાર્થો ઝીરો ટેકસ રેટ પર રાખી શકાય નહીં.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, જીએસટીને જંગી સફળતા મળી છે. કરદાતાઓની સંખ્યામાં ૭૦ ટકાનો જંગી વધારો થયો છે. ૬૬ લાખ કરદાતા જીએસટી પહેલા નોંધાયા હતા. જયારે જીએસટી બાદ ૪૮ લાખ નવા કરદાતા જોડાયા છે. ૧૧ કરોડ રિટર્ન ફાઈલ થયા છે. ૩૫૦ કરોડ ઈનવોઈસ પ્રોસેસ થયા છે જયારે ૪૦૦ આઈટમ પર જીએસટી ઘટાડી ૧૫૦ આઈટમોને ઝીરો ટેકસમાં સમાવાઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં સમાન કર માળખુ કરવાના ઈરાદા સાથે જીએસટીની અમલવારી થઈ હતી. જીએસટીમાં કોઈ તકલીફ નહીં પડે તેવું વચન સરકારે આપ્યું હતું. જીએસટીની અમલવારીને દેશમાં સૌથી મોટા સુધારા પૈકીનો એક ગણવામાં આવ્યો હતો. જો કે, વડાપ્રધાન મોદીએ એક કર એક દેશની વાત નો જ છેદ ઉડાવી દીધો છે. અધુરામાં પૂરું કેન્દ્રીય નાણાપ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે, જીએસટી અંતર્ગત એક જ ટેકસ સ્લેબ બકવાસ વાત છે.
શું ખાખરા લકઝરી કે જરૂરિયાત?
કઈ વસ્તુને કયાં સ્લેબમાં રાખવી તે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નારાજગી વ્યકત કરી છે. તેમના મત મુજબ ખાખરાને લકઝરી બ્રેક ફાસ્ટ ગણીને ૨૮ ટકા જીએસટીના સ્લેબમાં મુકવાની વાત નકામી છે. નીતિનભાઈ પટેલે જીએસટી કાઉન્સીલને ખાખરા લકઝરી નાસ્તો ન હોવાની રજૂઆત કરી હતી. જો કે, કાઉન્સીલ આ વાત માનવા તૈયાર નથી. ખાખરાને લકઝરી ન ગણવાની વાત મુકતા પહેલા નીતિનભાઈ પટેલે કમીટીના સભ્યોને ખાખરા ખવડાવવાનો ઈરાદો પણ વ્યકત કર્યો હતો.