જીવદયાપ્રેમીઓની રજૂઆતોનો પડઘો: પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ અમિત શાહનું ધ્યાન દોરતા મહારાષ્ટ્ર સરકાર પાસે નિર્ણય મોકુફ રખાવ્યો
મામુલી હુડીયામણની લાલચમાં ૧ લાખ નિર્દોષ ઘેટા-બકરાને આરબ દેશમાં કત્તલ માટે મોકલવાના ભારત તથા મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને જીવદયાપ્રેમીઓના વિરોધ વંટોળને કારણે મોકુફ રાખવામાં આવ્યો છે. જીવદયાપ્રેમીઓની રજૂઆતોનો સફળ પડઘો પડયો છે. આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ અમિત શાહનું ધ્યાન દોરતા તેઓએ મહારાષ્ટ્ર સરકાર પાસેથી આ નિર્ણય મોકુફ રખાવ્યો હતો.
ગઈકાલે રાજકોટ સહિત રાજયભરમાં જીવદયાપ્રેમીઓએ મહારાષ્ટ્ર સરકારના નિર્ણયના વિરોધમાં દેખાવો કર્યા હતા. તેમજ આજરોજ આંદોલનના મંડાણ થવાના હતા ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજરોજ પ્રથમ તબકકામાં મોટી સંખ્યામાં પશુઓને આરબ દેશમાં રવાના કરવાના હતા.
આ તકે દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્તિ રહેવાના હતા. જીવદયાપ્રેમીઓમાં મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય સામે રોષ જોવા મળ્યો હતો. જીવદયાપ્રેમીઓ દ્વારા આંદોલનના મંડાણ શરૂ થાય તે પૂર્વે જ મહારાષ્ટ્ર સરકારે ૧ લાખ પશુઓ આરબ દેશમાં મોકલવાનો નિર્ણય મોકુફ રાખી દીધો છે.
આજરોજ પ્રથમ તબકકામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સુરેશ પ્રભુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ઉપસ્થિતિમાં નાગપુર એરપોર્ટ પરી જીવતા ઘેટા-બકરા સારજાહ રવાના થવાના હતા. મહારાષ્ટ્ર સરકારે વિદેશી હુડીયામણની લાલચે ૩ મહિના દરમિયાન ૧ લાખ ઘેટા બકરાને વિમાન દ્વારા આરબ દેશમાં નિકાસ કરવાનો નિર્ણય લીધો હતો.
આ સમાચારી દેશભરમાં જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂકયો હતો. આ મામલે ગુજરાતના જીવદયાપ્રેમીઓએ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને રજૂઆત કરી હતી. બાદમાં જીતુ વાઘાણીએ અમિત શાહનું ધ્યાન દોરતા તેઓએ મહારાષ્ટ્ર સરકારના આ મામલે સુચના આપી હતી. જેથી મહારાષ્ટ્ર સરકારે પશુઓને આરબ દેશમાં મોકલવાનો નિર્ણય મોકુફ રાખી દીધો છે.
મામુલી હુડીયામણની લહાયમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ૧ લાખ પશુઓને કત્તલ અર્થે આરબ દેશમાં મોકલવાનો નિર્ણય મોકુફ રહેતા દેશભરના જીવદયાપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જીવદયાપ્રેમીઓની રજૂઆતનો પડઘો માત્ર ૨૪ કલાકમાં જ પડયો છે. ત્યારે જીવદયાપ્રેમીઓએ ૧ લાખ જીવને બચાવવા બદલ મહારાષ્ટ્ર સરકારનો આભાર વ્યકત કર્યો છે.